સુરત: (Surat) ફ્રુડના ધંધામાં દેવુ થઇ જતાં યુવકે મકરસક્રાંતિના તહેવારનો ઉપયોગ કરીને કાપોદ્રામાં મંડપ નાંખીને દાન ઉઘરાવવાનું શરૂ કર્યું હતું. શ્રીરામ જન્મભૂમિના (Ram Janam Bhumi) નામે લોકો પાસેથી દાન (donation) ઉઘરાવીને પોતાનું દેવું ચૂકતે કરવાના કારસા સાથે મંડપ નાંખનાર કાપોદ્રાના યુવકને પોલીસે પકડી પાડ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ઉત્તરપ્રદેશના જોનપુર જિલ્લાના મછલીગઢ તાલુકાના વતની અને કાપોદ્રામાં કલ્યાણ કુટીર સોસાયટીમાં રહેતા અમિત ઉર્ફે રાહુલ સુરેન્દ્રપ્રસાદ પાંડે ફ્રૂટના વેપાર સાથે સંકળાયેલો છે. ફ્રૂટના વેપારમાં જ અમિતને એક લાખ રૂપિયા જેટલું દેવુ થઇ ગયું છે. હાલમાં મકરસક્રાંતિનો તહેવાર ચાલે છે અને આ તહેવારમાં દાન-ધર્મનું ખુબ જ મહત્ત્વ છે. બીજી તરફ થોડા મહિના પહેલા ઉત્તરપ્રદેશ સરકાર તેમજ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શ્રીરામજન્મ ભૂમિનું નિર્માણ કરવા ખાતમુહૂર્ત કર્યું હતું. આ બધાથી પ્રેરાઇને અમિતને પણ દાન-ધર્મ ઉઘરાવીને ખેલ કરી લાખ્ખો રૂપિયા ઘર ભેગા કરવા કારસો કર્યો હતો.
અમિતે પોતાના ઘર પાસે જ એક મંડપ નાંખી દીધો હતો અને તેમાં શ્રીરામ જન્મભૂમિના જીણોધ્ધાર સહિતના ફોટાઓ અને બેનરો મુકીને દાન ઉઘરાવવા લોકોને કહ્યું હતું. અમિતે શ્રીરામ જન્મભૂમિના નામે એક મંડપ બનાવરાવીને તેમાં 10, 100, 1000 અને 2000 રૂપિયાના દાનની રસીદો બનાવી હતી. તેમાં દિલ્હી વિશ્વહિન્દુ પરિષદના કોષાધ્યક્ષ ગોવિંદદેવ ગીરીની સહી હતી આ ઉપરાંત પાન નંબર પણ લખ્યો હતો પરંતુ કોઇની સહી થઇ ન હતી. આવી ડુપ્લીકેટ રસીદો બનાવીને અમિતે દાન લેવાનું શરૂ કરીને પોતાનું દેવુ ચૂકવી દેશે, તેમ વિચારીને મંડપ શરૂ કર્યો હતો અને લોકો પાસેથી 900 રૂપિયા ઉઘરાવ્યા હતા.
આ બાબતે કાપોદ્રા પોલીસને ધ્યાન દોરવામાં આવ્યું હતું. વિશ્વ હિન્દુ પરિષદની ટીમે કાપોદ્રા પોલીસની સાથે મંડપ પાસે જઇને અમિતની તપાસ કરી હતી. પોલીસે તેની સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પીઆઇ મનસુખ ગુર્જરના જણાવ્યા પ્રમાણે અમિતે પોતાની ભુલ સ્વીકારી હતી અને જ્યાં જ્યાં રસીદ બુક, મંડપનો ઓર્ડર સહિતના ઓર્ડરો આપ્યા હતા તે તમામ લોકોને બોલાવીને પુછપરછ પણ કરી લેવાઇ છે.
હજુ દાન ઉઘરાવવાનું શરૂ જ થયું નથી ત્યાં મંડપ નાંખી દેવાતા શંકા ગઇ હતી
મુળ અમરેલીના ધારી તાલુકાના રામપુર ગામના વતની અને સુરતમાં સરથાણા જકાતનાકા પાસે લક્ષ્મીનગર સોસાયટીમાં રહેતા કમલેશભાઇ છગનભાઇ ક્યાડા (લેઉવા પટેલ) છેલ્લા 24 વર્ષથી વિશ્વ હિન્દુ પરિષદની સાથે સંકળાયેલા છે અને હાલમાં તેઓ સુરત શહેરના મંત્રી છે. તેઓના જણાવ્યા પ્રમાણે હજુ દાન ઉઘરાવવાનું શરૂ જ થયું નથી આગામી તા. 1 ફેબ્રુઆરીથી દાન ઉઘરાવવાનું શરૂ કરાશે. સુરત શહેરમાં 16 જેટલા કાર્યાલયો છે પરંતુ આવી રીતે મંડપ નાંખીને દાન ઉઘરાવાતું જ નથી. કાપોદ્રામાં આવી રીતે મંડપ નંખાતા શંકા ગઇ હતી અને અમે તપાસ કરતા ત્યાં અમિતની પાસેથી ડુપ્લીકેટ રસીદો મળી આવી હતી.