Comments

મનને શાંત કરવા માટે

એક દિવસ ગુરુજીએ સમજાવ્યું, ‘બધા ધર્મગ્રંથો અને શાસ્ત્રોનો સાર એક જ છે.જો તમે તે સાર સમજી લેશો અને તેનું પાલન કરશો તો જીવન સુમધુર બની જશે.’ એક શિષ્યે પૂછ્યું, ‘ગુરુજી, આટલા બધા જુદા જુદા ઊંડા ગહન ગ્રંથોમાંથી એક જ સાર?!’ ગુરુજી બોલ્યા, ‘હા, માત્ર એક સૌથી મહત્ત્વનો સાર બધા ધર્મગ્રંથો સમજાવે છે તે છે જીવનમાં મન –વચન-વર્તન-કર્મથી કોઈના હ્રદયને પીડા ન આપવી.કોઈના દિલને આપણા કોઈ પણ વ્યવહારથી જરા પણ દુઃખ ન પહોંચે તે માટે સજાગ રહેવું સાચો ધર્મ છે.કોઇ પણ સંજોગો નિર્માણ થાય, તમારે મન-વચન –કર્મને જાગૃત રહીને સરળ અને મધુર રાખવાં, જેથી કોઈને દુઃખ ન પહોંચે.નિજી સ્વાર્થ અને લાભ માટે કોઈને પણ નુકસાન કે દુઃખ ન થાય તેનું ધ્યાન રાખવું.મન-વચન-કર્મ પર હંમેશા કાબૂ રાખવો.અકારણ કે સકારણ ક્રોધ ન કરવો ..નિંદા ન કરવી …કડવાં વેણ ન બોલવાં …ઈર્ષ્યા ન કરવી ..નફરત ન કરવી.’

બધા શિષ્યો ગુરુજીની વાત એક ધ્યાન  સાંભળી રહ્યા હતા.એક શિષ્યે ગુરુજીને પૂછ્યું, ‘ગુરુજી, આપની વાત સમજાઈ ગઈ.બધા ધર્મગ્રંથોનો સાર સમજાયો કે આપણાથી કોઈના દિલને દુઃખ થાય તેવું વર્તન જાણે અજાણે પણ કરવું નહિ.પરંતુ ગુરુજી, તમારી વાત યાદ રાખીને ચાલો. વાણી અને વર્તન પર તો કાબૂ રાખી લઈને કોઈને દુઃખ થાય તેવું ન બોલીએ કે પછી તેવું વર્તન પણ ન કરીએ.પણ ગુરુજી આ મનને કાબૂમાં કઈ રીતે રાખવું…મનના વિચારોને કાબૂમાં કઈ રીતે રાખવા …પ્રતિકૂળ સંજોગોમાં આવેશ આવે અને ક્રોધ થઇ જાય તે મનના આવેશને કઈ રીતે કાબૂમાં કરી શકાય? એ તો પરિસ્થિતિવશ આવેશમાં એવા વિચાર અને વર્તન થઇ જ જાય જેનાથી અન્યને દુઃખ પહોંચે.એવું ન થાય તે માટે શું કરવું?’ ગુરુજી બોલ્યા, ‘વત્સ, તારો પ્રશ્ન એકદમ સરસ છે.આ સાર મેં સમજાવ્યો..તેને સમજવો કદાચ સહેલો છે, પણ અમલમાં મૂકવો સતત યાદ રાખી તે પ્રમાણે વર્તન કરવું બહુ અઘરું છે.મન ધીમેધીમે કેળવાશે, જયારે જયારે એવા સંજોગો સર્જાય કે એમ લાગે કે મનમાં ખરાબ વિચાર પ્રવેશે છે કે ક્રોધ આવે છે ત્યારે ત્યારે ગુરુને અને ઈષ્ટદેવને યાદ કરવા અને તેમને વિનંતી કરવી કે મારા મનને શાંત કરવામાં મને મદદ કરો.ગુરુ અને ભગવદ્ સ્મરણથી મન શાંત થતું જશે અને ખરાબ વિચાર અને ક્રોધ શાંત થઇ જશે.’ ગુરુજીએ શિષ્યોને બધા ધર્મગ્રંથોનો સાર સમજાવી મનને શાંત રાખવાનો સચોટ માર્ગ દેખાડ્યો.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top