એક કોલેજીયન યુવાન પોતાના સ્કૂલના શિક્ષકને ખાસ મળવા ગયો. વર્ષો બાદ મળ્યા છતાં શિક્ષક તેને તરત જ ઓળખી ગયા અને તે પણ નામ સાથે.શિક્ષકે તેના મિત્રોનાં નામ પણ યાદ કર્યાં.યુવાનને નવાઈ લાગી કે શિક્ષક આટલા જલ્દી તેને કેવી રીતે ઓળખી ગયા. યુવાન બોલ્યો, ‘સર, મને સ્કૂલ છોડ્યાને સાત વર્ષ થઈ ગયાં છતાં તમે મને તરત જ ઓળખી ગયા. મારા મનમાં ડર હતો કે તમે મને જલ્દી ઓળખશો કે નહિ.’ શિક્ષક બોલ્યા, ‘યુવાન દોસ્ત, હું મારા દરેક વિદ્યાર્થીને બરાબર જાણું છું ,ઓળખું છું અને ક્યારેય નથી ભૂલતો.મને ખબર છે તારા પપ્પાની બદલી થતાં તું સ્કૂલ છોડીને ગયો હતો.બોલ હવે કયાં છે અને શું કરે છે?’
યુવાન બોલ્યો, ‘સર, પપ્પાની છ મહિનાથી ફરી બદલી અહીં થઈ ગઈ છે.અહીંની કોલેજમાં ભણું છું અને મેં નક્કી કર્યું છે કે મારે આગળ શિક્ષક બનવું છે અને તમે મારા ફેવરીટ શિક્ષક હતા અને હજી પણ છો એટલે મારે તમારા જેવા શિક્ષક બનવું છે.હું ખાસ તમને મળવા આવ્યો છું અને એ જાણવા આવ્યો છું કે સારા શિક્ષક બનવા અને તમારા જેવા શિક્ષક બનવા શું જરૂરી છે?’ સર બોલ્યા, ‘તારે શિક્ષક બનવું છે તે જાણીને હું બહુ રાજી થયો પણ તારે મારા જેવા શિક્ષક શું કામ બનવું છે તું તારા જેવો શિક્ષક બન.’યુવાન બોલ્યો, ‘એટલે સર?’
સર બોલ્યા, ‘જો મારું માનવું છે કે જીવનમાં કોઈએ કોઈના જેવા બનવાની કોશિશ ન કરવી જોઈએ.કોઈના જેવા બનવું એટલે જાતને છુપાવીને મહોરું પહેરવું જે ઈમાનદારી નથી.તું તારા જેવો બન, તું તારી રીતે વિદ્યાર્થીઓને ભણાવજે ,તું તારી રીતે તેમની જોડે બોન્ડ મજબૂત કરજે.તેમના મનમાં તારી પોતાની છાપ પાડજે.’ યુવાન બોલ્યો, ‘ભલે સર, તમારી વાત સમજી ગયો. હું કોઈના જેવો બનવાની કોશિશ નહિ કરું, તમારા જેવો પણ નહિ.મને એ સમજાવો કે સારા શિક્ષક બનવા શું જરૂરી છે. મારે પોતે શું શું શીખવું જોઈએ?’
શિક્ષક હસ્યા અને બોલ્યા, ‘ભાઈ,ગમે તેટલી ડીગ્રી મેળવેલા કે ગમે તેટલું શીખેલા સારા શિક્ષક બની શકતા નથી!’યુવાન બોલ્યો, ‘એટલે સર ,તમે શું કહેવા માંગો છો કંઈ સમજાયું નહિ?’ સર બોલ્યા, ‘ભાઈ,એરિસ્ટોટલે કહ્યું છે કે જે શીખે ,તે પોતે કોઇ પણ જવાબ લખી શકે કે કામ કરી શકે કે દાખલો કરી શકે.પણ જે પોતે બરાબર સમજે …તે સમજીને બીજાને સમજાવી શકે, શીખવાડી શકે! એટલે તું જે કોઈ પણ વિષયનો શિક્ષક બનવા માંગતો હોય, પહેલાં તે વિષયને બરાબર સમજજે, ઊંડો ઉતરીને એક એક કોન્સેપ્ટ સમજજે તો તું તારા વિદ્યાર્થીઓને બરાબર શીખવાડી શકીશ.સારા શિક્ષક બનવા પહેલાં સમજવું પડે અને વિદ્યાર્થીઓના વ્હાલા શિક્ષક બનવા તેમના મનને સમજવું પડે.’શિક્ષકે સુંદર રીતે પોતાના વિદ્યાર્થીને શિક્ષક બનવાનો સાચો માર્ગ દેખાડ્યો.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
