એક દિવસ એક શ્રીમંત વેપારી એક સંત પાસે ગયો.વંદન કરી, વિનંતી કરવા લાગ્યો કે, ‘હું તમે કહો તેટલું ધન આપવા તૈયાર છું.તમારા નામનો મોટો આશ્રમ બંધાવું.તમે કહો એટલી સોનામહોરોના ઢગલા કરી દઉં, બસ તમે મારો શિષ્ય તરીકે સ્વીકાર કરો.મારા ગુરુ બની મને જીવનમાં સાચો માર્ગ દેખાડો.’ સંત માત્ર એટલું બોલ્યા, ‘જીવનમાં ધન જરૂરી છે પણ અતિ મહત્ત્વનું નથી અને મારા શિષ્ય બનવા માટેની લાયકાતમાં ધન સામેલ નથી.તું મારો શિષ્ય બનવાલાયક નથી.’આટલું કહી સંત ત્યાંથી ચાલ્યા ગયા.
થોડા દિવસ પછી તે જ વેપારી ફરી સંત પાસે આવ્યો અને સંતના પગમાં પડી ફરી વિનંતી કરવા લાગ્યો, ‘તમે મને શિષ્ય તરીકે સ્વીકારો.તમને પૈસા ન જોઈએ તો કંઈ નહિ, તમે કહો તે સામાજિક કામ માટે હું દાન આપીશ.જરૂરિયાતમંદ લોકોને તમારા નામે મદદ કરી તમારી નામના વધારીશ.તમારી ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાવી દઈશ.બસ તમે મારો શિષ્ય તરીકે સ્વીકાર કરો.’ સંત બોલ્યા, ‘મને ખ્યાતિની કોઈ ભૂખ નથી.તું સમાજ માટે સારાં કામો કરીશ તો તે મને ગમશે.પણ સાથે મારું નામ જોડવાની જરૂર નથી અને મારા શિષ્ય બનવા માટે મારા માટે કોઈ કામ કરવું પડે તે જરૂરી નથી.હું તારો શિષ્ય તરીકે સ્વીકાર નહિ કરી શકું.’ શ્રીમંત વેપારીને સમજાયું નહિ કે, ‘સંત શું કામ મારો શિષ્ય તરીકે સ્વીકાર કરતા નથી.’
હજી વેપારીના મનમાં આ પ્રશ્ન રમતો હતો ત્યાં એક ગરીબ યુવાન આવ્યો, સંતનાં ચરણોમાં વંદન કર્યા.સંતે કહ્યું, ‘મારા આ નાનકડા આશ્રમમાં તારું સ્વાગત છે યુવાન, હું તને મારો શિષ્ય બનાવું છું.’ યુવાન ખુશ થઇ ગયો.પેલા વેપારીથી ચૂપ ન રહેવાયું. તેણે તરત સંતને પૂછ્યું, ‘ગુરુજી, હું આપને આટલી વિનંતી કરું છું.તમે જ્યાં કહો અને જેટલા કહો તેટલા પૈસા આપવા તૈયાર છું,છતાં તમે મારો શિષ્ય તરીકે સ્વીકાર કરતા નથી અને આ ગરીબ યુવાને તો તમને વિનંતી પણ કરી નથી.છતાં તમે તેનો શિષ્ય તરીકે સ્વીકાર કરો છો? આમ કેમ?’
સંત બોલ્યા, ‘વેપારી, મારી વાત ધ્યાનથી સાંભળજે.સૌથી પહેલાં તને તારા પૈસાનું અભિમાન છે.બીજું તું બધું જ પૈસાને આધીન છે તેમ સમજે છે.ત્રીજું તેં મને પણ પૈસા અને ખ્યાતિની લાલચ આપવાની વાત કરી છે.વળી તું સરખામણી કરે છે.તને આ ગરીબ યુવાન તુચ્છ લાગે છે.પણ આ યુવાને દૂરના ગામમાં પૂર આવ્યું હતું ત્યારે અનેકના જીવ બચાવ્યા છે.આ યુવાને પૂરગ્રસ્તોને મદદ કરવા દિન-રાત કામ કર્યું છે.તેનામાં નિષ્ઠા અને નમ્રતા છે જયારે તારામાં અભિમાન અને દેખાડો.સાચા શિષ્ય બનવા વિવેક,સમર્પણ અને નિષ્ઠા જોઈએ.જયારે તું આ ગુણો કેળવીશ ત્યારે હું તારો શિષ્ય તરીકે સ્વીકાર કરીશ.’ શ્રીમંત વેપારીને ભૂલ સમજાઈ ગઈ અને તેણે લાયક શિષ્ય બનવાનો નિર્ધાર કર્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે