કોઈપણ ક્ષેત્રમાં હરીફાઈ થવી એ લોકશાહી માટે તંદુરસ્ત નિશાની છે. તાજેતરમાં સંસદની ચૂંટણી યોજાઈ ગઈ. જે ચૂંટણીમાં જે તે રાજકીય પક્ષ તરફથી હરિફ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા પણ યેનકેન પ્રકારે કોઈપણ હરિફ ન રહેતા એક ઉમેદવાર બિનહરિફ વિજેતા જાહેર થયા. હાલમાં પ્રસિદ્ધ થયેલ સમાચાર મુજબ સુરત જિલ્લા ખરીદ વેચાણ સંઘની ચૂંટણી 16 ઉમેદવાર બિનહરિફ વિજેતા જાહેર થયા જો આ પ્રમાણે કોઈપણ ક્ષેત્રમા હરીફાઈ થયા વગર વિજેતા જાહેર થયા કરશે તો પ્રતિભા સંપન્ન, કાબેલિયત ધરાવનારા યુવાનો કોઈપણ ક્ષેત્રમાં હરીફાઈ કરશે નહી તો પછી પ્રજાને આવા યુવાનોની ઓળખ ખબર ન પડે.
યાદ રહે આઝાદી પછી ભારતમાં થયેલ સંસદીય ચૂંટણીમાં બંધારણ ના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકર એક સમયે ચૂંટણી લડ્યા પણ વિજેતા થયાં ન હતાં, આમ પણ ખર્ચનો બચાવ થાય એમ કરીને ગ્રામ્ય કક્ષાએ ગ્રામપંચાયત સમરસ જાહેર કરવામાં આવે છે. તે પ્રથા પણ બંધ થવી જોઈએ. ગ્રામ્ય કક્ષાએ પ્રતિભા સંપન્ન કાબેલિયત ધરાવનારા યુવાનો ફક્ત ને ફક્ત શાળા કક્ષાએથી જ પ્રાપ્ત થાય અને તેઓ જો ગામના વિકાસમાં સહભાગી બને તો તે ખૂબ જ આવકારદાયક છે. માટે હવે પછી કોઈપણ કક્ષા એ હરીફાઈ થયા વગર વિજેતા જાહેર ન કરવાનું વિચારવુ જોઈએ એવું નથી લાગતું?
સુરત – ચંદ્રકાંત રાણા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
સમારકામ ઝડપી કરાવો
સુરત મહાનગરના જાહેર રસ્તાઓ ઉપર રોજબરોજ ક્યાંક કોઈ ને કોઈ કારણોસર વાહનચાલકો અને રાહદારીઓને ગંતવ્ય સ્થાને પહોંચવામાં સતત ઘાતક અવરોધકો સહન કરવા પડે છે. સત્તાપક્ષના હોય કે વિરોધપક્ષ ના નગરસેવકોની સહુથી પહેલી અને પ્રાથમિક ફરજો એ બને છે કે, જાહેર સેવાઓ અંતર્ગત, જે તે વિસ્તારોમાં ખાસ કરીને .. પીકઅવર્સ દરમિયાન તકલીફ ન પડે. રોજેરોજના ટ્રાફિકના પ્રશ્નોના ઉકેલ માટે હવે શાસકો ખરેખર વામણાં જ પૂરવાર થતા હોય એવો માહોલ બની જ ગયો છે. તાજેતરમાં જ સુરતમાં અણુદ્વાર નજીકના કેનાલ રોડ ચાર રસ્તા નજીકનો ડ્રેનેજના લિકેજના કારણોસરનો કોઈ એકાદ પ્રશ્નનો સમારકામનો સરળ ઉકેલ જડતો જ નથી?? છેલ્લા પાંચ – પંદર દિવસના વહાણા વિત્યા છતાંય આ રોડ ઉપર અસંખ્ય ચાર ચક્રિય વાહનો સમેત ટુ વ્હીલર, અને પગપાળા જતા નાગરિકોને નાકે દમ લાવી રહ્યો છે. ત્યારે તમામ વર્ગના નાગરિકોને સહજ રીતે મનમાં પ્રશ્ન ઉઠ્યા વિના નથી રહ્યો કે, આ દેશમાં શું? કોઈ કાળે.. પ્રજાલક્ષી જાહેર અડચણોનો ઉકેલ અને તકલીફોનું નિરાકરણ જ નથી આવવાનું.?
સુરત – પંકજ શાંતિલાલ મહેતા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.