Charchapatra

[THE BEST] બનવા માટે

એક મોટીવેશનલ સેમીનાર હતો.સ્પીકર ઉભા થયા અને બોલ્યા, ‘જીવનમાં આગળ વધવા માટે, સફળ થવા માટે, સુખ મેળવવા માટે બધું જ ‘ધ બેસ્ટ’ મેળવવા માટે સૌથી પહેલા આપણે બેસ્ટ બનવું પડે તો આજે આપણે જાણીશું કે બેસ્ટ બનવા માટે શું કરવું પડે.ચાલો સૌથી પહેલા તમારા મતે બેસ્ટ બનવા શું કરવું જોઈએ તે પ્રશ્નના જવાબમાં તમારા મનમાં જે પહેલો જવાબ આવે તે તમે બધા એક શબ્દમાં તમારી સામે રાખેલી ચબરખીમાં લખો.’ બધાએ જવાબ લખવાના શરુ કર્યા.બધાના જવાબ લખાય ગયા બાદ સ્પીકરે બધી ચબરખી ભેગી કરી અને એક પછી એક વાંચવાની શરુ કરી.

બેસ્ટ બનવા માટે શું જરૂરી ના જવાબ ઘણા હતા…જેવા કે પૈસા કમાવાની આવડત ,શિક્ષણ, શિસ્ત, સમયપાલન, ધર્મપાલન, નિયમિતતા, સ્વસ્થતા, ઈમાનદારી, મહેનત, આત્મવિશ્વાસ, વિનમ્રતા, દયા, વિવેક, મધુર વાણી…..વગેરે વગેરે બધા જવાબ સ્પીકરે વાંચ્યા.દરેક જવાબ સાંભળીને એમ જ લાગતું કે હા જીવનમાં બેસ્ટ બનવા માટે આ જરૂરી છે.બધા જવાબ વંચાયા બાદ સ્પીકર બોલ્યા, ‘શું લાગે છે બેસ્ટ બનવા શું જરૂરી છે તેનો કોઈ એક સાચો જવાબ જોઈ શકે ?? ના અને ખાસ વાત એ છે કે તમે બધાએ લખેલા જવાબ સાચા છે એટલે બેસ્ટ બનવા માટે ઓછા વધતા અંશે આ બધી જ આગવી ખાસિયતો આપણામાં હોવી જરૂરી છે.

અને હું તમને હવે એવી વાત જણવા માંગું છું કે ‘ધ બેસ્ટ’ બનવા માટે જે ખુબ જ જરૂરી છે અને તમારા મળેલા આટલા બધા જવાબમાં તે બાબતનો ઉલેખ્ખ થયો નથી.’ સ્પીકરની વાત સાંભળી બધા વિચારમાં પડ્યા કે લગભગ બધા જવાબો આવી ગયા છતાં એકદમ જરૂરી બાબત કઈ બાકી રહી ગઈ હશે. સ્પીકર આગળ બોલ્યા, ‘જીવનમાં બધાને ‘ધ બેસ્ટ’ મેળવવું છે અને તે માટે સૌથી પહેલા આપણે ધ બેસ્ટ બનવું પડે અને ધ બેસ્ટ બનવા માટે સૌથી વધારે જરૂરી છે કે આપણે જીવનમાં ‘ધ વર્સ્ટ’ ને હેન્ડલ કઈ રીતે કરીએ છીએ.

એટલે કે જયારે આપણા જીવનમાં અતિ વિકટ સંજોગો આવે ત્યારે આપણે તેનો સામનો કઈ રીતે કરીએ છીએ.ડરીને ભાગી જઈએ છીએ કે હારીને બેસી જઈએ છીએ કે નિરાશ થઈ નાસીપાસ થઈએ છીએ કે હિંમતથી સામનો કરીએ છીએ કે લડી લીએ છીએ કે કોઈનો સાથ શોધીએ છીએ કે ધીરજ રાખી બેસીએ છીએ.જયારે આપને વિકટ સંજોગોમાં બરાબર સમતા જાળવી, શાંત મનથી ધૈર્ય રાખી માર્ગ કાઢીએ છીએ અને લડી લઈને મહેનત કરીને આગળ વધીએ છીએ ત્યારે આપને ‘ધ બેસ્ટ’ બની શકીએ છીએ. જીવનમાં ધ બેસ્ટ બનવા માટે ‘ધ વર્સ્ટ’નો મજબુતીથી સામનો કરી આગળ વધવું પડે છે.’ સ્પીકરે સુંદર સમજ આપી.

Most Popular

To Top