Columns

ખુશ રહેવા માટે

એક સંત એક ગામમાંથી પસાર થતા હતા.ગામના કૂવા પાસે પનિહારીઓ પાણી ભરી રહી હતી અને બધી જ સ્ત્રીઓ વાતો કરતાં કરતાં પાણી કૂવામાંથી બહાર  કાઢી રહી હતી અને મસ્તી કરતાં કરતાં પોતાનાં બેડાં ભરી રહી હતી અને હસીને એકબીજાનાં બેડાં માથે ચઢાવી અને કમરમાં ઊંચકીને ઘર તરફ જઈ રહી હતી. કયાંય તેમના મુખ પર આટલા મહેનત ભરેલા કામનો થાક કે કંટાળો દેખાતો ન હતો.

કૂવા પાસેથી સંતને પસાર થતાં જોઇને એક સ્ત્રીએ સંતની પાસે જઈને નમન કર્યાં અને પાણી પાયું. પનિહારીના મોઢા પર મીઠું મધુરું સ્મિત હતું. તે એકદમ ખુશ અને શાંત દેખાતી હતી.સંતે પાણી પી લીધું એટલે પનિહારીએ બેડું માથે મૂક્યું અને બીજું કમરે પકડ્યું અને ચાલવા લાગી. સંતે તેને કહ્યું, ‘તું આટલી બધી ખુશ કેમ છે? તારા માથે આ બેડાંનો ભાર છે છતાં મોઢા પર આટલું મોટું સ્મિત છે.’પનિહારીએ જવાબ આપ્યો કે ‘હસતાં રહેવું, મોઢા પર સદા સ્મિત રાખવું એ મારી પોતાની પસંદ છે. હું રોજ સવારે નક્કી કરું છું કે મારે આજે ખુશ રહેવું છે કે નાખુશ? અને આજે મેં ખુશ રહેવાનું નક્કી કર્યું છે એટલે હું ખુશ છું.’

સંત બોલ્યા, ‘મને એક વાત કહે કે તેં ભલે ખુશ રહેવાનું નક્કી કર્યું પણ કંઈક એવુંયે  બને કે જે તને ન ગમે કે કંઈક ખરાબ બનશે તો શું કરીશ?’ સ્ત્રીએ પોતાના સ્મિતને વધુ મોટું કરીને જવાબ આપ્યો કે, ‘ના, મેં ખુશ રહેવાનું નક્કી કર્યું છે તો હું મારા સ્મિતને ચહેરા પરથી ગાયબ નહીં થવા દઉં. જો કશું ખરાબ બનશે તો હું જાત સાથે લડીશ,મુશ્કેલીઓનો હસતાં હસતાં જ સામનો કરીશ.  વધારે ખુશ રહેવાની મહેનત કરીશ અને ખુશ રહેવાનું જ પસંદ કરીશ.’

 સંત બોલ્યા, ‘આજે તેં મને પાણી પાયું છે અને પાણી સાથે તેં મારી જ્ઞાનની તરસ પણ છિપાવી છે અને આજે તેં જ્ઞાનની દેવી બનીને મને જીવનનું સૌથી મોટું જ્ઞાન આપ્યું છે બેન; કે જીવનમાં ખુશી મેળવવી એ આપણી પોતાની માત્ર ને માત્ર પોતાની પસંદગી છે. જો તમે રોજ ખુશ રહેવાનું નક્કી કરી શકશો અને રોજ ખુશ રહેવાનું નક્કી કરીને ખુશ રહેશો તો ક્યારેય જીવનમાં દુઃખી કે નાખુશ થશો જ નહીં.’ સંતે પનિહારીને વંદન કર્યાં.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top