એક રાજાના દરબારમાં મહાન સંત પધાર્યા.સંતને પ્રસન્ન કરવા માટે રાજાએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું.ભોજનના પકવાન ભરેલા થાળ ધર્યા અને અનેક ભેટો તેમના ચરણોમાં મૂકી.રાજાએ સંતને કહ્યું, ‘આપ મારા જ રાજ્યમાં રોકાય જાવ હું તમને ભવ્ય આશ્રમ બાંધી આપીશ.તમારા અનેક શિષ્યો થશે અને આપની કીર્તિ ચારે બાજુ ફેલાશે.’
સંત રાજાના દરેક વર્તન અને શબ્દોમાંથી નીતરતો અહંકાર પામી ગયા.સંત બોલ્યા, ‘રાજન, હું અપરિગ્રહી છું કોઈની કોઈ ભેટ સ્વીકારતો જ નથી એટલે તમારી પણ કોઈ ભેટનો સ્વીકાર હું નહિ કરી શકું.હું એક સ્થળે રહેતો નથી મારું કામ ફરી ફરી ને લોકોને સાચો સંદેશ આપવાનું છે આશ્રમ સ્થાપવાનું નહિ એટલે મારે કોઈ આશ્રમ બનાવવો નથી.અને ભોજનમાં હું માત્ર ફળ કંદમૂળ અને સુકોમેવો જ લઉં છું તે પણ માત્ર બે જ વસ્તુ.રાજન તમારો આટલો પ્રેમ છે એટલે હું તમારી જોડે ભોજન ચોક્કસ કરીશ પણ આ બધા પકવાન હું નહિ ખાઈ શકું. મારા માટે બે કેળા અને બે બદામ જ બસ છે.’
રાજાને સંતનો આ બધી વસ્તુ ન સ્વીકારવાનો નકાર ગમ્યો નહિ.પણ કી બોલ્યા વિના તેમને ચાંદીના થાળમાં કેળા અને ચાંદીના વાટકામાં બદામ મંગાવીને સંતની સમક્ષ મુક્યા.સંતે પાણી લીધું પ્રાર્થના કરી અને પછી એક ખાલી વાટકી મંગાવી અને તેમાં પાણી નાખી માત્ર બે બદામ તેમાં નાખી.અને થાળમાંથી બે કેળા લઈને એક પછી એક ખાવા લાગ્યા.અને રાજાને તેમની સાથે અનેક પકવાન આરોગવા કહ્યું.વાત કરતા કરતા ભોજન પૂરું થયું.સંતે હવે વાટકી હાથમાં લીધી પલાળેલી બદામ હાથમાં લીધી અને તેની ઉપરની છાલ ઘડીકવારમાં નીકળી ગઈ.સંતે બીજી બદામની છાલ પણ કાઢી અને બદામ આરોગતા છાલ અને પાણીવાળી વાટકી રાજાને આપતા કહ્યું, ‘રાજન હું જયાં જાઉં ત્યાં સાચી સમજ આપવી તે જ મારું કામ છે.આ તમારે માટે ઉપદેશ છે.’
રાજા બોલ્યા, ‘મને કઈ સમજાયો નહિ તમારો ઉપદેશ ….’ સંત બોલ્યા, ‘રાજન સમજવું છું જુઓ જેમ આ બદામને પાણીમાં પલાળવાથી બદામની ઉપરની છાલ આપોઆપ ઉતરી જાય છે.તેમ તમારે તમારી જાતને આ બદામની જેમ કોઈ સાચા ગુરુના જ્ઞાન અને ઉપદેશમાં સતત પલાળી રાખવાની જરૂર છે જેથી તમારા ઉપર રહેલી અહંકારની છાલ ઉતરી જાય.’ રાજાની આંખો ખુલી ગઈ અને તેઓ સંતના પગમાં પડી ગયા.– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.