યુવાન હિરેને કોલેજ પાસ કરી અને હવે આગળ નોકરી કરવી કે સ્ટાર્ટ અપ શરૂ કરવું તે નક્કી કરી શકતો ન હતો.તેને કૈંક બહુ અલગ કરવું હતું. જીવનમાં બમણી ઝડપે આગળ વધવું હતું.તે વિચારોમાં હતો. તેના દાદા તેની પાસે આવ્યા અને બોલ્યા, ‘દીકરા, શું વિચારે છે?’હિરેને કહ્યું, ‘દાદા, મારે આ જીવનમાં બહુ જલ્દી બહુ સફળ બનવું છે તે માટે શું કરું તે વિચારું છું.’
દાદા બોલ્યા, ‘કોલેજ પૂરી થઇ દોસ્ત, હવે કમર કસી લે. તારે યોધ્ધા બનવું પડશે.’હિરેનને કંઈ સમજાયું નહિ, તેને હસતાં હસતાં કહ્યું, ‘દાદા, આ શું કહો છો? હું કંઈ વોર કરવા થોડો જવાનો છું.’દાદાએ કહ્યું, ‘એ જ સમજ મારા દીકરા, આ જીવન એક યુધ્ધ જ છે.તારે રોજ આગળ વધવા એક વોર જ લડવું પડશે એટલે જ તો મેં કહ્યું કે તારે જીવન જીતવા યોધ્ધા બનવું પડશે સમજ્યો.’ હિરેન બોલ્યો, ‘દાદા, તો તમે જ કહો કે હું જીવન જીતવા માટે યોધ્ધા કઈ રીતે બનું?’
દાદા બોલ્યા, ‘સૌથી પહેલાં તો વિચારી લે કે તું જીવન જીતવા નીકળ્યો છે પણ તારી લડાઈ કોઈ સાથે નથી.તારી લડાઈ તારી સાથે જ છે અને એક સૈનિકમાં હોય તેવી તૈયારી અને શિસ્ત રાખીશ તો આગળ વધી શકીશ.આ જીવનમાં ઘણા વળાંકો આવશે.ઉતર ચડાવ આવશે. તું એક વીરની જેમ હાર્યા વિના આગળ વધતો જઈશ તો જીતી જઈશ.આ સાથે હું તને ખાસ જીવનના યોધ્ધાએ પાળવાના હોય છે તે સાત નિયમ કહું છું.
તું તે નિયમ પાળીશ તો જીવનમાં એક સફળ યોધ્ધા બની જઈશ.’ હિરેને કહ્યું, દાદા એક મિનીટ હું મારી ડાયરી લઇ આવું. તેમાં લખી લઉં.’દાદાએ કહ્યું, ‘હા દીકરા, આ નિયમો માત્ર ડાયરીમાં નહિ, દીવાલ પર લખી લે અને દિલમાં પણ કોતરી લેજે.પહેલો નિયમ છે કોઇ પણ વાતમાં હંમેશા સારી બાજુ જોજે. અંધારી બાજુથી ડરતો નહિ.બીજો નિયમ છે તારા ધ્યેય પર નજર રાખજે. સપનાઓમાં ખોવાતો નહિ.ત્રીજો નિયમ છે હંમેશા જાતને શિસ્તમાં રાખજે.ચોથો નિયમ છે જીવનમાં તારા અનુકૂળ માર્ગથી ભાર નીકળી નવો માર્ગ શોધજે.
પાંચમો નિયમ છે તને તારા ધ્યેયથી દૂર લઇ જાય તેવી દરેક વસ્તુઓથી દૂર રહેવાનો પ્રયત્ન કરજે. છઠ્ઠો નિયમ છે કાર્ય શરૂ કરવા પહેલાં બરાબર વિચાર કરી નિર્ણય લેજે અને પછી તેને બદલતો નહિ અને સાતમો સૌથી મહત્ત્વનો નિયમ છે કે વિશ્વાસ રાખજે કે તું જીતીશ જ.આ સાત નિયમ યાદ રાખી આગળ વધીશ તો તું એવો યોધ્ધા બનીશ કે તને જીવન જીતતાં કોઈ રોકી નહિ શકે.’દાદાએ જીવન જીતવાનો માર્ગ દેખાડ્યો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.