Columns

આવનારા નાણાંકીય સંકટમાંથી બચવા માટે સોના અને ચાંદીમાં રોકાણ કરવું જોઈએ

પ્રખ્યાત રોકાણકાર અને ‘રિચ ડેડ, પુઅર ડેડ’ નામના બેસ્ટસેલર પુસ્તકના લેખક રોબર્ટ કિયોસાકીએ એક મોટી ચેતવણી આપી છે કે વિશ્વ એક મોટા નાણાંકીય સંકટ તરફ આગળ વધી રહ્યું છે. આ સંકટમાંથી બચવા તેમણે લોકોને સોનું અને ચાંદી જેવી વાસ્તવિક સંપત્તિમાં રોકાણ કરવાની અપીલ કરી છે. કિયોસાકીએ કહ્યું કે તેમના પુસ્તક ‘રિચ ડેડ્સ પ્રોફેસી’માં તેમણે આગાહી કરી હતી કે આ વર્ષે ઇતિહાસનો સૌથી મોટો નાણાંકીય કડાકો થશે. આ કડાકાને પરિણામે ઘણાં લોકો બેઘર થઈ શકે છે. કિયોસાકીએ એમ પણ કહ્યું કે વર્ષોથી તેઓ લોકોને પ્રિન્ટેડ સંપત્તિમાં રોકાણ ન કરવાની સલાહ આપી રહ્યા છે. કિયોસાકી સોના, ચાંદી, બિટકોઇન અને તાજેતરમાં ઇથેરિયમમાં રોકાણ કરવાની ભલામણ કરે છે. તેમનું માનવું છે કે ચાંદી અને ઇથેરિયમ હાલમાં શ્રેષ્ઠ વિકલ્પો છે. તેઓ મૂલ્યના ભંડાર છે અને ઉદ્યોગમાં પણ ઉપયોગમાં લેવાય છે. 

આ ચેતવણી એવા સમયે આવી છે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનથી અમેરિકામાં નિકાસ થતા તમામ મહત્ત્વપૂર્ણ સોફ્ટવેર પર ૧૦૦ ટકા ટેરિફ લાદવાની જાહેરાત કરી છે. આ પછી બિટકોઈન અને ઇથરિયમ જેવી મુખ્ય ક્રિપ્ટોકરન્સીમાં જબરદસ્ત ઘટાડો થયો છે.  ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાતના ૨૪ કલાકની અંદર ૧૯ અબજ ડોલરથી વધુનો કડાકો બોલાઈ ગયો છે. રોબર્ટ કિયોસાકીની ચેતવણી એવા સમયે આવી છે જ્યારે વિશ્વભરનાં રોકાણકારો નાણાંકીય બજારોમાં અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છે.

તેઓ લોકોને સલાહ આપે છે કે તેઓ ફક્ત કાગળના ચલણ અથવા બેંકોમાં રહેલા નાણાં પર આધાર ન રાખે, પરંતુ જેમ કે સોના અને ચાંદી જેવી સંપત્તિઓમાં રોકાણ કરે, જેનું આંતરિક મૂલ્ય હોય અને જેને સદીઓથી મૂલ્યવાન માનવામાં આવે છે. તેઓ ખાસ કરીને ઇથેરિયમ જેવી ક્રિપ્ટોકરન્સીને મૂલ્યના ભંડાર તરીકે પણ જુએ છે, કારણ કે તેનો ઉપયોગ વિવિધ ઉદ્યોગોમાં થઈ રહ્યો છે. એ સમજવું મહત્ત્વપૂર્ણ છે કે કિયોસાકીની આગાહીઓ ઘણી વાર વિવાદાસ્પદ રહી છે. જો કે, તેઓ હંમેશા લોકોને નાણાંકીય સુરક્ષાનો વિચાર કરવા માટે પ્રોત્સાહિત કરે છે. તેમનું માનવું છે કે માત્ર બચત પૂરતી નથી, પરંતુ આવનારી આર્થિક કટોકટી દરમિયાન સમજદારીપૂર્વક રોકાણ કરવું એ સાચી સંપત્તિ બનાવવાનો માર્ગ છે.

રોબર્ટ કિયોસાકી હંમેશા ફિયાટ કરન્સી, એટલે કે છાપેલાં નાણાંની વિરુદ્ધ રહ્યા છે. ફિયાટ ચલણનો અર્થ એવી ચલણી નોટો થાય છે, જેને કોઈ પણ આધાર વિના છાપવામાં આવે છે. દાખલા તરીકે ૧૯૭૦ની સાલ સુધી અમેરિકન ડોલર ગોલ્ડ સ્ટાન્ડર્ડ મુજબ છાપવામાં આવતો હતો. ફેડરલ રિઝર્વ દ્વારા જેટલી સંખ્યામાં ડોલર છાપવામાં આવતા હતા તેટલા પ્રમાણમાં સોનું મૂકવામાં આવતું હતું.

કોઈ પણ વ્યક્તિ ડોલર સામે સોનું મેળવી શકતો હતો. ૧૯૭૧માં અમેરિકાએ ગોલ્ડ સ્ટાન્ડર્ડનો ત્યાગ કર્યો અને બેફામ ડોલર છાપવાનું શરૂ કર્યું. પરિણામે દુનિયાના ઘણા દેશો પણ અમેરિકાને અનુસર્યા. તેમણે પણ સોનાના ટેકા વગર બેફામ કાગળની ચલણી નોટો છાપવા માંડી. આજની તારીખમાં અમેરિકાનું દેવું ૩૭ ટ્રિલિયન ડોલર પર પહોંચી ગયું છે, જ્યારે તેનો જીડીપી ૨૫ ટ્રિલિયન ડોલર જેટલો જ છે. આજની તારીખમાં આખી દુનિયાનું દેવું ૩૦૦ ટ્રિલિયન ડોલર પર પહોંચી ગયું છે, જ્યારે દુનિયાનો જીડીપી ૧૦૦ ટ્રિલિયન ડોલર જેટલો છે. સરકારો દ્વારા બેફામ પેપર કરન્સી છાપવાને કારણે પેપર કરન્સી ઝડપથી પોતાનું મૂલ્ય ગુમાવી રહી છે.

આ કારણે સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓની કિંમત વધી રહી છે. લોકોને હવે પેપર કરન્સી પર ભરોસો નથી રહ્યો, માટે તેઓ સલામત સ્વર્ગ ગણાતા સોના અને ચાંદીની ખરીદી કરી રહ્યા છે. કિયોસાકી કહે છે કે બચતકર્તાઓ નાણાં ગુમાવનારા છે. એટલે કે જે લોકો ફક્ત પૈસા બચાવે છે તેઓ ખરેખર નાણાં ગુમાવનારા છે, કારણ કે ફુગાવો ધીમે ધીમે તેમની બચતનું મૂલ્ય ઘટાડે છે. તેમણે કહ્યું કે લોકોએ બેંકનાં ખાતાંઓ કે રોકડમાં પૈસા બચાવવાને બદલે વાસ્તવિક સંપત્તિમાં રોકાણ કરવું જોઈએ. તેમણે આ માટે સોનું, ચાંદી, બિટકોઈન અને ઈથેરિયમને શ્રેષ્ઠ વિકલ્પો તરીકે ટાંક્યા છે.

દુનિયાના દેશો ડોલર જેવી મજબૂત કરન્સીને છોડીને સોના અને ચાંદી તરફ દોટ મૂકી રહ્યા છે, તેનું કારણ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ખતરનાક નીતિ છે. યુક્રેનના યુદ્ધ પહેલાં દુનિયાના લગભગ તમામ દેશો રિઝર્વ કરન્સી તરીકે ડોલરનો ઉપયોગ કરતા હતા. યુક્રેનના યુદ્ધને કારણે અમેરિકા દ્વારા રશિયાના ૩૦૦ અબજ ડોલરની અનામત જપ્ત કરવામાં આવી તે પછી દુનિયાની સરકારોને ડોલર પરથી ભરોસો ઊઠી ગયો છે. ડોલરમાં રોકાયેલી તેમની બચતને સલામત બનાવવા તેમણે અમેરિકાના ટ્રેઝરી બોન્ડ વેચીને સોનું ખરીદવા માંડ્યું છે.

ચીન અને ભારત જેવા દેશો દ્વારા છેલ્લાં ત્રણ વર્ષમાં મોટા જથ્થામાં સોનું ખરીદવામાં આવ્યું છે. દુનિયાના અનેક દેશો અમેરિકાના ડોલરને ડમ્પ કરીને તેના વડે સોનું ખરીદી રહ્યા છે, જેને કારણે અમેરિકાનું અર્થતંત્ર મુશ્કેલીમાં મૂકાઈ ગયું છે અને સોનાના ભાવો આસમાને પહોંચી ગયા છે. અમેરિકાના ટ્રેઝરી બોન્ડનું વેચાણ વધી ગયું હોવાથી તેની કિંમત ટકાવી રાખવા અમેરિકાની સરકારને તેનું વ્યાજ વધારવું પડે છે, જેને કારણે અમેરિકાની સરકારનો ખર્ચો સતત વધતો જાય છે. હવે અમેરિકાની સરકાર દેવાળું કાઢવાની અણી પર છે, જેને કારણે આફત આવી શકે તેમ છે.

દુનિયાના દેશોમાં પેપર કરન્સીની કિંમતને ટકાવી રાખવા માટે કેટલીક બેંકો દ્વારા સોના અને ચાંદી જેવી કિંમતી ધાતુઓની કિંમત દાયકાઓથી કૃત્રિમ રીતે નીચી રાખવામાં આવી છે. લંડન અને ન્યુયોર્કમાં આવેલી કેટલીક બુલિયન બેંકો દ્વારા અબજો ડોલરના સોના અને ચાંદીના બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે, જેને ઇટીએફ તરીકે ઓળખવામાં આવે છે. જે રોકાણકારો પેપર કરન્સીને બદલે કિંમતી ધાતુઓમાં રોકાણ કરવા માગતા હોય તેમને સોનું અને ચાંદી આપવાને બદલે આ કાગળના સર્ટિફિકેટ પકડાવી દેવામાં આવે છે. આ બેંકો પાસે જેટલું સોનું છે તેના સો ગણા અને જેટલી ચાંદી છે તેના ત્રણસો ગણા બોન્ડ બહાર પાડવામાં આવ્યા છે. લોકો આ બોન્ડ વટાવવા આવતા નથી, પણ નફો કે નુકસાન ગાંઠે બાંધી લેતા હોય છે, જેને કારણે તેમનો ખેલ ચાલ્યા કરે છે અને સોના તેમ જ ચાંદીના ભાવો વાસ્તવિક સપાટી કરતાં કાયમ નીચા જ રહે છે.

બુલિયન બેંકોની આ રમતનો પણ હવે અંત આવી રહ્યો છે. તાજેતરમાં વિવિધ દેશોની સેન્ટ્રલ બેંકો દ્વારા જે સોનું ખરીદવામાં આવ્યું તે બોન્ડના રૂપમાં નહીં પણ ફિઝિકલ ધાતુના રૂપમાં ખરીદવામાં આવ્યું છે. બીજી બાજુ રોકાણકારોનો વિશ્વાસ જેમ પેપર કરન્સી પરથી ઊઠી ગયો છે, તેમ ઇટીએફ પરથી પણ ઊઠી ગયો છે. રોકાણકારોને ખ્યાલ આવી ગયો છે કે બુલિયન બેંકો દ્વારા જેટલી રકમના ઇટીએફ બજારમાં બહાર પાડવામાં આવ્યા છે, તેના સોમા ભાગની કિંમતી ધાતુ પણ તેમની પાસે નથી.

આ કારણે શાણા રોકાણકારો હવે ઇટીએફના કાગળિયા પર વિશ્વાસ કરવાને બદલે ફિઝિકલ ધાતુની ડિલિવરી માગી રહ્યા છે. બુલિયન બેંકો પાસે એટલું સોનું કે એટલી ચાંદી છે નહીં, માટે તેમની હાલત ખરાબ થઈ ગઈ છે. તાજેતરમાં ચાંદીના ભાવો રોકેટ વેગે આગળ વધ્યા ત્યારે રોકાણકારો દ્વારા ચાંદી ખરીદવા દોટ મૂકવામાં આવી હતી. ત્યારે લંડનના વોલ્ટમાં ચાંદીનો જથ્થો ખલાસ થઈ ગયો હતો. બુલિયન બેંકોની આબરૂ સાચવી રાખવા ન્યુયોર્કથી વિમાન દ્વારા ચાંદી મંગાવવામાં આવી હતી. આ ચાંદી લીઝ પર લેવામાં આવી હતી, જેનું ભાડું ચાંદીની કિંમતના ૪૦ ટકા જેટલું ચૂકવવામાં આવે છે. જો ચાંદીની ડિમાન્ડ ચાલુ જ રહેશે તો લંડનની બેંકોને લીઝ પર ચાંદી મળતી બંધ થઈ જશે ત્યારે તેમણે દેવાળું જાહેર કરવાનો વખત આવશે.

રોકાણકારોએ સમજી લેવું જોઈએ કે આજની તારીખમાં સોનાના કે ચાંદીના ભાવો વધી નથી રહ્યા પણ સરકાર દ્વારા છાપવામાં આવતી પેપર કરન્સીના ભાવો સડસડાટ ઘટી રહ્યા છે. છેલ્લાં પાંચ વર્ષમાં સોનાના ભાવો બમણા નથી થયા પણ ડોલરની કે રૂપિયાની કિંમત અડધી થઈ ગઈ છે. રોબર્ટ કિયોસાકી ચેતવણી આપે છે કે બેંકમાં પડેલા તમારા રૂપિયાની કિંમત કાગળિયા જેટલી જ રહી જાય તે પહેલાં જાગો અને તમારી સંપત્તિનું રૂપાંતર સોના અને ચાંદી જેવી નક્કર સંપત્તિમાં કરી નાખો. આવનારી આર્થિક આંધીમાંથી તે લોકો જ બચી જશે, જેમણે પોતાની સંપત્તિને સલામત બનાવી લીધી હોય. તેમના માટે આ દિવસોમાં છેલ્લી તક છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top