Columns

સફળતા મેળવવા માટે

એક યુવાન છોકરો તેજસ,બહુ હોંશિયાર.સતત ભણતો રહે, એક નહિ પણ ચાર ચાર ડીગ્રીઓ મેળવી.હજી આગળ ભણી રહ્યો હતો.તેના પપ્પા ઘરમાં એકલા કમાનાર હતા અને તેજસના ભણવા પાછળ તેમને પોતાની તાકાતથી વધુ ખર્ચો લોન લઈને કર્યો હતો.માતા –પિતા બંને એમ સપનાં જોતાં કે આપણો દીકરો તો બહુ હોંશિયાર છે ,બહુ ભણેલો છે, બહાર નીકળશે અને બહુ પૈસા કમાશે અને આપણા દિવસો સુધારી દેશે.મા તો તેજસને લાડ લડાવવામાંથી જ ઊંચી આવતી નહિ.તેને ભાવતું જમવાનું ..તેને ગમતો રૂમ ..તેનાં કપડાં બધું જ મમ્મી તેજસની પસંદનું કરતી.

તેજસ પાસે ડીગ્રીઓ હતી.થીયરી અને ચોપડીઓનું જ્ઞાન હતું.તે એક ભણવાનું પૂરું થાય એટલે થોડો વખત એમ કહેતો જરા બ્રેક લઉં પછી નોકરી શોધીશ…પછી નોકરી કરવાને બદલે નવું ભણવાનું શોધી કાઢતો.મમ્મી અને પપ્પાને સમજાવતો કે આ ભણી લઇશ તો  વધુ સારી નોકરી મળશે.આમ કરતાં તેજસે ચાર પાંચ ડીગ્રીઓ મેળવી, પણ કોઈ કામ કર્યું નહિ. તેજસ નોકરી શોધવાને સ્થાને ઘરમાં બેસી રહેતો અને કોઈ નોકરી બતાવે તો મમ્મીને સમજાવતો, આ મારા ભણતરને લાયક નથી.હું આવી નાની નોકરી કરવા આટલું ભણ્યો નથી.

આમ તેજસ ઘરમાં જ બેસી રહેતો. કોઈ કામ કરતો નહિ. તેને કોઈ કામ કરવું ન હતું કે તે ડરતો હતો કે આળસુ હતો, કંઈ સમજાતું ન હતું.મમ્મી પપ્પા પણ મૂંઝાયાં હતાં.એક દિવસ પપ્પાએ તેને બોલાવી કહ્યું, ‘તેજસ આમ કયાં સુધી ચાલશે? તારે કામ તો કરવું જ પડશે.’ તેજસ બોલ્યો, ‘પપ્પા, હું એટલું ભણ્યો છું કે ઘડીક વારમાં સફળ થઈ જઈશ. બસ, કોઈ એક સારી નોકરી કે તક મને મળે એટલી વાર છે.’ મમ્મી આ સાંભળી ખુશ થઇ ગઈ/ પણ પપ્પા ખુશ ન થયા. ઉલટા ગુસ્સે થયા અને ખીજાઈને બોલ્યા, ‘તેજસ, આ શેખચલ્લી વિચારો અને ભણતરની મોટી મોટી વાતો કરવાનું છોડ.

જો તારે જીવનમાં કૈંક કરવું હશે ..સફળ બનવું હશે તો ઘરની બહાર નીકળવું પડશે.જિંદગીના ધક્કા ખાઈને જ સમજાશે કે આગળ વધવા કેટલી મહેનત કરવી પડે છે.સારી નોકરીની કે કોઈ સારી તકની રાહ જોતો બેસીને તારો સમય ન બગાડ. કોઈ પણ કામ કરવાનું શરૂ કર.કામ કર.અનુભવ મેળવ.આમ ઘર પર જ બેસી રહીશ તો તને કોઈ કામ નહિ મળે.સફળતા તો બહુ દૂરની વાત છે.આમ સમય બગાડીશ તો થોડા વખતમાં તારી ડીગ્રીઓ પણ તારી મદદ નહિ કરી શકે.’ પપ્પાએ તેજસને આયનો દેખાડી સાચી હકીકત સમજાવી.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top