SURAT

સુરતીઓ ખાવા પીવાના શોખીન છે એટલા જ દેશપ્રેમી છે, બે કિ.મી. લાંબી તિરંગા યાત્રા નીકળી

સુરત (Surat): આઝાદી કા અમૃત મહોત્સવના (Azadi ka Amrut Mahotsav) ભાગરૂપે આજે સુરતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) હાજરીમાં ભવ્ય તિરંગા યાત્રા (Tiranga Yatra) નીકળી હતી. ડુમસ રોડ લાલભાઈ કોન્ટ્રાક્ટરથી રાહુલ રાજ મોલ થઈ કારગીલ ચોક સુધી પદયાત્રા સ્વરૂપે 2 કિલોમીટર લાંબી તિરંગા યાત્રા નીકળી હતી, જેમાં મોટી સંખ્યામાં શાળાના બાળકો જોડાયા હતા. વરસતા વરસાદમાં બાળકો તિરંગા યાત્રામાં શાનભેર નીકળ્યા હતા. વંદે માતરમ ગીતની ગૂંજ ચારેતરફ સંભળાઈ રહી હતી.

  • સુરતમાં ભવ્ય તિરંગા યાત્રા નીકળી
  • મુખ્યમંત્રીએ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું
  • વરસતા વરસાદમાં પણ ઉત્સાહ ઓછો ન થયો
  • બાળકો પણ તિરંગા યાત્રામાં જોડાયા
  • વંદે માતરમના ગીતથી આકાશ ગુંજી ઉઠ્યું
  • ચારેકોર દેશભક્તિનો માહોલ જોવા મળ્યો

મુખ્યમંત્રીએ સવારે હર ઘર તિરંગા ગીત લોન્ચ કરતા કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલને સુરતીઓએ સહર્ષ સ્વીકારી છે. આપણે દરેક ઘર પર તિરંગો લહેરાવીએ. સુરતીઓ ખાવા પીવાના શોખીન છે એટલા જ દેશપ્રેમી પણ છે, જે આજનું દ્રશ્ય જોઈ જાણી શકાય છે. સુરતની મનપા દ્વારા ખૂબ જ સરસ રીતે તિરંગા યાત્રાનું આયોજન કરાયું છે. સુરતથી દેશભરમાં હર ઘર તિરંગાનો સંદેશો પહોંચવો જોઈએ.

આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે સંબોધન કર્યું હતું. પાટીલે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના પ્રત્યેક ઘરમાં તિરંગાના સ્વરૂપે દેશ પ્રત્યેનું ગૌરવ પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે. પોતાના ખર્ચે લોકો ધ્વજ ખરીદે. દરેક વ્યક્તિએ પોતાના સોશિયલ મીડિયામાં ધ્વજનો ફોટો મુકવો જોઈએ. જેથી અન્ય લોકોને પ્રોત્સાહન મળશે. દરેક વ્યક્તિ પોતાના ઘરે રાષ્ટ્રધ્વજ લહેરાવી શકે છે. ધ્વજ ફરકાવવા માટેના નિયમોમાં સરકારે ફેરફાર કર્યા છે, જેથી હવે પ્રત્યેક નાગરિક તે પોતાના ઘરે લહેરાવી શકે છે.

તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં બાળકો અને લોકો જોડાયા હોવા છતાં પોલીસ તંત્રની સુવ્યવસ્થાના લીધે ટ્રાફિકની સમસ્યા જોવા મળી નહોતી. એક દિવસ અગાઉથી જ પોલીસ તંત્ર દ્વારા રૂટ ડાયવર્ટનું જાહેરનામું જાહેર કરી દેવાયું હતું અને તિરંગા યાત્રાના રૂટ પરનો રસ્તો બ્લોક કરી દીધો હતો. યાત્રા પહેલાં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સામેના ખુલ્લા પ્લોટમાં મુખ્યમંત્રીનો કાર્યક્રમ યોજાયો હતો. અહીં એનસીસીના સ્ટુડન્ટ્સે દેશભક્તિના ગીતો પર તિરંગો લઈ પરેડ કરતા 15મી ઓગસ્ટ પહેલાં જ જાણે આઝાદીના પર્વની ઉજવણી થઈ રહી હોય તેવો દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.

Most Popular

To Top