સોશ્યલ મિડિયાનાં જુદાં જુદાં ગ્રુપોમાં શરીરની અંદરની અને બહારની સમસ્યાના નિરાકરણ માટે જુદા જુદા નુસખાઓ આવે છે. તે કેટલા સચોટ છે તેની કોઇને ખબર નથી પણ આવા નુસખાઓ ખરા છે કે ખોટા તેનો પ્રયોગ કરવાનો પણ સમય કોઇની પાસે નથી. તેથી તે નુસખાઓ ફોરવર્ડ થતા રહે છે. કોઇ વ્યકિતએ પોતાનાં નામ સરનામા સાથે ફલાણો નુસખો અજમાવવાથી મારી કાયમી તકલીફ દૂર થઇ ગઇ તેવા વીડિયો સોશ્યલ મિડિયામાં જોવા મળતાનથી.આવા નુસખાઓ પાછળ ન પડતાં જે તે નિષ્ણાત તજજ્ઞોની સલાહ સૂચન લઇ પોતાની સારવાર કરાવે તે જરૂરી છે. વળી નુસખાઓમાં જોખમ એ છે કે ભાગ્યે એકાદને સફળતા મળતી હોય, (સંભવિત તે સમસ્યા માનસિક હોય તો) તેથી બધાને જ તે પ્રયોગથી સારું પરિણામ મળશે તેવું માની લેવાની પણ જરૂર જણાતી નથી.
સુરત – પરેશ ભાટિયા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
વધઘટ
દુનિયાના દેશોને પોતપોતાનાં હિતો હોય છે, તેને આધારે મૈત્રી અને સંબંધોમાં વધઘટ થતી રહે. મુખ્ય હિત વેપાર ધંધા અને જરૂરિયાત મુજબનું રહે છે. ભારતનો પાડોશી દેશ ચીન સતત ચર્ચામાં રહે છે. ભારતની સરહદો પર તેનો દુશ્મનાવટ વ્યવહાર થતો રહ્યો છે, છતાં સખત સામ્યવાદી શાસનમાં વસ્તુઓનું ઉત્પાદન વધતું જાય છે. શસ્ત્રોની વિપુલતા સાથે અન્ય દેશો સાથે ઉત્પીડન પણ વધતું જાય છે. ચીનની જનસંખ્યા પણ એટલી જ જંગી છે. દુનિયાભરમાં ચીનની બનાવટોએ બજાર સર કરી લીધું છે. ભારત વેપાર સંબંધમાં ચીન સાથે ગાઢ રીતે સંકળાયેલું છે. બગડેલા સંબંધો છતાં ગયા વર્ષે ભારત ચીનનો વેપાર વધીને લગભગ એકસો છત્રીસ અબજ ડોલરની ઓલ ટાઇમ હાઇ સપાટીએ નોંધાયો છે.
ચીનથી ભારતની આયાતમાં એકવીસ પોઇન્ટ સાત ટકાનો વધારો અને ભારતથી ચીનમાં કરાતી નિકાસમાં સાડત્રીસ પોઇન્ટ નવ ટકાનો ઘટાડો થયો છે. ભારત ચીનના બગડેલા દ્વિપક્ષી સંબંધો છતાં ચીન સાથેના વેપારમાં ભારતની ખાધ સો અબજ ડોલરની સપાટીને વટાવી ગઇ છે. ચાઇનીઝ માલસામાનનો બહિષ્કાર થવો જોઇતો હતો, પણ ચીન વેપાર ધંધામાંયે ખંધુ નીવડયું. ભારતના લોકોએ ચીનના આકર્ષક સસ્તા માલનો બહિષ્કાર કરી રાષ્ટ્રપ્રેમ દર્શાવવાને બદલે તે માટે લોભ, મોહ, સ્વાર્થને કારણે ચીનનાં હિતોને પ્રોત્સાહન આપ્યું. સ્વદેશીનો આગ્રહ ભારતે રાખવો રહ્યો. પાડોશી દેશો સાથેના વેપાર સાથે સરહદી ભૂમિ પણ કબજે કરી લેવાની દાનત સાથેની તેની ચાલ દેશપ્રેમીઓ માટે સમજી લેવાનો વિષય છે.
સુરત – યૂસુફ એમ. ગુજરાતી – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.