વડોદરા: સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને ઠગવાનો સિલસિલો યથવાત છે. અત્યાર સુધી ફેસબુક અથવા ઓનલાઇન એપ્લીકેશન થકી યુઝર્સ સાથે છેતરપીંડી કરવામાં આવતી હોવાના કિસ્સાઓ પોલીસ ચોપડે નોંધાયેલી છે. તેવામાં ઓનલાઇન ડેટીંગ એપ્લીકેશન ટીન્ડર પર મિત્રતા કેળવી લોકડાઉન દરમિયાન મહિલા પાસેથી રૂ. 11.35 લાખ સેરવી લીધા હોવાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.
શહેરના પોશ વિસ્તારમાં રહેતી પરિણીતા તન્વી (નામ બદલ્યુ છે)ના વર્ષ ૨૦૧૨માં લગ્ન થયા હતા. છેલ્લા બે વર્ષથી તન્વીના પતિ રાજ્ય બહાર કામ અર્થે રહે છે. જેથી તન્વી પોતાના બાળકને લઇ માતા-પિતા સાથે રહેવા લાગી હતી. દરમિયાન ગત ફેબ્રુઆરી મહિનામાં તન્વીને હિમાંશુ માથુર નામના યુવકના સાથે ટીન્ડર પર સંપર્કમાં આવી હતી.
હિમાંશુ માથુરે પોતાની ઓળખાણ આપતા તન્વીને જણાવ્યું હતુ કે, હું એરલાઇન્સમાં કાર્ગોનો ધંધો કરૂ છું, પિતા સાથે બોલાચાલી ના પણ સબંધ નથી તથા મારો ભાઇ પાયલોટ છે.થોડા દિવસ સુધી આ રીતે ટીન્ડર પર મિત્રતા કેળવી હિમાંશુએ તન્વીને ઇન્સ્ટાગ્રામ પર રિકવેસ્ટ મોકલી વાતો કરવાનુ શરૂ કર્યું હતુ.
દરમિયાના માર્ચ મહિનામાં હિમાંશુએ તન્વીને પાસે રૂ. ૪૦૦૦ ઓનલાઇન ટ્રાન્સફર કરાવ્યાં જે રકમ તેને સમયમર્યાદામાં પરત ચુકવી પણ દીધાં હતાં. જેથી તન્વીને હિમાંશુ પ્રત્યે વિશ્વાવ વધી ગયો હતો. આમ બન્ને એક બીજા સાથે સતત સંપર્કમાં રહેતા હતા. તેવામાં એક દિવસ હિમાંશુએ તન્વીને વિડિઓ કોલ કરી પ્રપોઝ કર્યો હતો. જેથી તેણીએ આ બાબતનો ઇન્કાર કરી માત્ર મિત્રતા પુરતા સબંધો રાખવા જણાવ્યું હતુ.
દરમિયાન કોરોનાનો વ્યાપ વધતાની સાથે સમગ્ર ભારતમાં લોકડાઉન લાદી દેવામાં આવ્યું હતુ. આ સમય દરમિયાન ભેજાબાજ હિમાંશુએ પોતાને કોરોના લક્ષ્ણો હોય અને આ બાબતે તે કોઇને કહેવા માંગતો નથી તથા તેનુ ઇલાજ કરાવા માંગે છે કહીં તન્વી પાસેથી ઓનલાઇન રૂપિયા પડાવાનુ શરૂ કર્યું હતુ.
જોકે હિમાંશુએ રૂપિયા પરત કરવા વિશ્વાસ અપાવી ચાર મહિનામાં તન્વી પાસેથી રૂ. 11.35 લાખ પડાવી લીધા હતા.લોકડાઉન ખુલતા તન્વીએ આપેલા રૂપિયા પરત માગતા હિમાંશુ ગલ્લાતલ્લા કરવાનુ શરૂ કરી દીધુ હતુ. અને તમામ સોશિયલ સાઇટ્સ પરથી તેણીને બ્લોક કરી દીધી હતી.
માત્ર વોટ્સઅપ દ્વારા હિમાંશુ તન્વી સાથે સપંર્ક કરતો હતો. જોકે આટલી મોટી રકમ પરત ન કરતા તન્વીએ આખરે કંટાળી આ મામલો પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. તથા આ મામલે ગુનો નોંધવા હાઇકોર્ટમાં પીટીશન પણ દાખલ કરી હતી. તન્વી સાથે ટીન્ડર મારફતે મિત્રતા કેળવી રૂ. 11.35 લાખ પડાવી લેનાર ભેજાબાજ ઉત્તર પ્રદેશના રહેવાસી હિમાંશુ માથુર સામે ગોત્રી પોલીસે છેતરપીંડી વિશ્વાસઘાતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.