ગત 10 સપ્ટેમ્બરથી પિતૃ શ્રાદ્ધનો પ્રારંભ થઇ ચૂક્યો છે જેની પૂર્ણાહુતિ 25 સપ્ટેમ્બરે થશે. શ્રાદ્ધપર્વને ગરૂડ પુરાણમાં પિતૃઋણમાંથી મુક્ત થવાનો શ્રેષ્ઠ અવસર ગણવામાં આવ્યો છે. આ પુરાણમાં ઋણ ત્રણ પ્રકારના ગણવામાં આવ્યા છે તેમાં દેવઋણ, ઋષિઋણ અને પિતૃઋણ. જેમાંથી પિતૃઋણમાંથી મુક્ત થવાનું પર્વ શ્રાદ્ધ પર્વ છે. એવું કહેવાય છે કે પિતૃઋણ નહીં ચૂકવીએ તો માનવજન્મ નિરર્થક જાય છે. પિતૃપક્ષ શ્રાદ્ધપક્ષમાં પૂનમથી શરૂ કરી અમાસ સુધીના 16 દિવસમાંથી આપણા દેવલોક પામેલા પિતૃઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે અને જેની તિથિ યાદ ના હોય તેવા તમામનું શ્રાદ્ધ સર્વપિતૃ અમાસે કરવામાં આવે છે. ધર્મશાસ્ત્રો અને ગરૂડપુરાણ અનુસાર ધર્મરાજ યમદેવના આદેશથી પિતૃલોકથી શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓ પોતપોતાના ઘરે કોઈ પણ સ્વરૂપમાં સૂક્ષ્મ રીતે પરોક્ષ યા પ્રત્યક્ષ આ દિવસે તૃપ્ત થવાના આશયથી શ્રાદ્ધ ભોજન ગ્રહણ કરવા પોતાના કુટુંબીજનો પાસે આવે છે. સદીઓથી શ્રાદ્ધના દિવસે ઘરમાં પિતૃઓને ભાવતા પકવાનો સહિત શ્રાદ્ધનું ભોજન ઘરમાં જ તૈયાર થતું અને તર્પણ થતું પણ જમાનો બદલાયો છે, લોકોની લાઈફ ખૂબ ફાસ્ટ થઈ ગઈ છે એવામાં ઘણાં લોકો એવા છે જે સમયના અભાવે એકત્રિત થઈ 15-20 કે તેથી વધુ વ્યક્તિઓનું શ્રાદ્ધનું ભોજન ઘરે તૈયાર કરવા માટે અસમર્થ બન્યાં છે. પહેલાં સંયુક્ત પરિવાર રહેતા એટલે બધી મહિલાઓ એકત્રિત થઈ રસોઈ બનાવતી પણ હવે કુટુંબો વિભક્ત થયા છે. વળી બધા સાથે એકત્રિત થાય એવું હવે જરૂરી નથી રહ્યું એટલે ઘરે ઝાઝા લોકોની રસોઈ બનાવવું મુશ્કેલ બન્યું છે એટલે આવા લોકો હવે છેલ્લાં કેટલાંક વર્ષોથી શ્રાદ્ધ નિમિત્તે તૈયાર મળતા પકવાનોના ઓર્ડર આપી તૈયાર થાળી મંગાવે છે અને પિતૃઓને તર્પણ કરે છે. એવું નથી કે માત્ર સમયના અભાવે શ્રાદ્ધનું ભોજન ઘરે નથી બનાવાતું પણ કેટલાંક કુટુંબોમાં મહિલાઓની સંખ્યા ઘટવાને કારણે ઘરે પકવાન તૈયાર નહીં થઈ શકવાની સ્થિતિમાં પણ બહાર ઓર્ડર આપીને તૈયાર થાળી મંગાવાય છે. આ ઉપરાંત બીજાં પણ કારણો છે જેને લઈને શ્રાદ્ધનું તૈયાર ભોજન બહારથી મંગાવવા તરફ ઘણાય સુરતીઓ વળ્યા છે તો કયાં કારણો છે તે આપણે આવા સુરતીઓ પાસેથી જ જાણીએ.
નોકરીના કારણે સમય નથી મળી શકતો: મીનાક્ષીબેન પાંડે
વેસુમાં રહેતાં અને સ્કૂલ શિક્ષિકા એવાં 55 વર્ષીય મીનાક્ષીબેન પાંડેએ જણાવ્યું કે, ‘‘તેઓ છેલ્લાં 27 વર્ષથી તેમના દાદા અલખનિરંજનભાઈ અને દાદી ઈન્દ્રાદેવીનું શ્રાદ્ધ કરે છે. દાદીનું શ્રાદ્ધ નોમના દિવસે છે અને દાદાનું શ્રાદ્ધ છેલ્લા દિવસે કરીએ છીએ. શ્રાદ્ધનું ભોજન 15-20 વર્ષ તો ઘરે જ બનાવ્યું પણ છેલ્લાં 7-8 વર્ષથી શ્રાદ્ધના ભોજનની તૈયાર ડિશ બહારથી મંગાવવામાં આવે છે. નોકરીને કારણે ઘરે શ્રાદ્ધનું ભોજન બનાવવા અસમર્થ બની જઈએ છીએ. પહેલાં ઘરમાં હેલ્પ કરવા માટે મેડ હતી પણ મકાન બદલતાં મેડ નહીં મળી અને બહારથી જે તૈયાર ભોજન મંગાવીએ છીએ તે ચોખ્ખાઈથી જ બનાવેલું હોય છે વળી તેમાં તમારા પસંદના લાડુ, દૂધપાક, મગ, પૂરી વગેરેનું જમણ મળી જાય છે. બહારથી મંગાવવાને કારણે રસોઈ બનાવવાનો સમય પણ બચી જાય છે અને થાક પણ ઓછો લાગે છે. અમારા ઘરમાં શ્રાદ્ધની ધાર્મિક વિધિમાં બધાને શ્રધ્ધા છે. હવે કાગડા ઓછા મળે છે એટલે પંડિતજીના કહેવા પ્રમાણે ગાયને ખાવાનું આપીએ છીએ.’’
વિધિમાં બેસી શકાય માટે શ્રાદ્ધનું ભોજન તૈયાર મંગાવીએ છીએ: પ્રજ્ઞાબેન પંડયા
અડાજણ વિસ્તારમાં રહેતાં 59 વર્ષીય પ્રજ્ઞાબેન પંડયાએ જણાવ્યું કે, ‘‘મારાં સાસુ કાંતાબેન અને સસરા જયમતરામનું શ્રાદ્ધ છેલ્લાં 10-12 વર્ષથી કરીએ છીએ. પહેલાં શ્રાદ્ધના ભોજનમાં ઘરે પાંત્રા, વડાં, દૂધપાક, કઢી-ભાત, પૂરી, રતાળુ ભજિયાં બનાવતાં પણ કોરોના પહેલાંના બેએક વર્ષથી શ્રાદ્ધનું ભોજન બહારથી તૈયાર મંગાવીએ છીએ. હવે ઘરની વહુઓ અને દીકરીઓ જોબ કરતી થઈ છે એને કારણે સમયનો અભાવ રહે છે. એ ઉપરાંત છોકરાઓ વિધિમાં શાંતિથી બેસી શકે એટલે ભોજન બહારથી મંગાવીએ છીએ. બહારથી શ્રાદ્ધની તૈયાર ડિશમાં શાક-પૂરી, દૂધપાક, પાંત્રા, કેળાં-મેથીનાં ભજિયાં, કઢી-ભાત અથવા દાળ-ભાત, સળંગની દાળ આવે. શ્રાદ્ધનું 30 જણનું જમવાનું મંગાવીએ. બહારથી જે મંગાવીએ અને ઘરે જે બને તેમાં ટેસ્ટમાં ફેર હોય. સ્વાભાવિક છે કે ઘરનું વધારે ટેસ્ટી હોય પણ સમય-સંજોગો બદલાયા હોવાથી બહારથી તૈયાર ડિશ મંગાવવી પડે છે.’’
દૂધપાકમાં જ ત્રણ કલાક થાય એટલે જ તૈયાર થાળીનો ટ્રેન્ડ વધ્યો: કેટરર મિત્તલબેન દવે પાઠક
ઓર્ડર પ્રમાણે શ્રાદ્ધના ભોજન બનાવી આપતાં કેટરર મિત્તલબેન દવેએ જણાવ્યું કે, ‘‘મેં કેટલાક વોટ્સએપ ગ્રુપમાં શ્રાદ્ધના ભોજનની થાળી બનાવી આપું છું તેવો મેસેજ મૂક્યો હતો જેનો મને સારો રિસ્પોન્સ મળ્યો. મોટાભાગના નોકરી કરતાં લોકો આ શ્રાદ્ધની થાળી મંગાવે છે કેમ કે ઘરે રસોઈ બનાવવા જાય તો એકલા દૂધપાક બનાવવામાં જ અઢીથી ત્રણ કલાક નીકળી જાય છે. વળી પૂજા કરવા માટે ધાર્મિક વિધિ માટે સમય આપી શકાય તે માટે મારી પાસેથી લોકો તૈયાર થાળી મંગાવે છે. હું લોકોની ડિમાન્ડ પ્રમાણે પૂરી, દૂધપાક, મેથી-કેળાંનાં ભજિયાં, બટાકાવડાં, મગનું શાક, લીલું શાક લોકોની પસંદ અનુસારનું બનાવું છું. વળી કેટલાંક ઘરોમાં એવું જોવા મળે છે કે નવી જનરેશન ઘરમાં આ રસોઈ બનાવવા માટે સપોર્ટ કરવા તૈયાર નથી હોતી એટલે લોકો તૈયાર થાળી મંગાવવા તરફ વળ્યા છે. આ ઉપરાંત અડાજણ વિસ્તારનાં ડોલી શ્રૌફ પણ શ્રાધ્ધ નિમિત્તે ઓર્ડરથી ભોજન બનાવી આપે છે. તેઓ શ્રાધ્ધના ભોજનની થાળીમાં દૂધપાક, પૂરી, કેળા મેથીના ભજીયા, કોરા મગ વગેરે બનાવે છે.
બહારથી ચોખ્ખું ભોજન મળતું હોય તો લેવામાં વાંધો નહીં: શ્રીરામ બક્ષી
અડાજણ વિસ્તારમાં રહેતાં 53 વર્ષીય બિઝનેસમેન શ્રીરામ બક્ષીએ જણાવ્યું કે, ‘‘અમારો પરિવાર પહેલાં દાદા સાકરલાલ બક્ષીનું શ્રાદ્ધ કરતા. દાદાનું 15-20 વર્ષ શ્રાદ્ધ કર્યું. છેલ્લાં 11 વર્ષથી મારા ફાધર વિક્રમભાઈ બક્ષીનું શ્રાદ્ધ કરીએ છીએ. પહેલાં ઘરે જ શ્રાદ્ધનું ભોજન બનાવતા. તેમાં દૂધપાક, વડાં અને દાદા તથા પપ્પાને ભાવતા પકવાન બનાવતા. જો કે મારી વાઈફ સીમા પણ મારી સાથે બિઝનેસમાં સંકળાયેલી છે. મારા બે પુત્રો વિદેશમાં છે. હાલ ઘરમાં ત્રણ જ મેમ્બર છીએ. શ્રાદ્ધ ઉપરાંત બીજા પ્રસંગોમાં પણ અલગ-અલગ વાનગી બનાવવામાં સમય જાય છે એટલે બે વર્ષથી અમે બહારથી જ તૈયાર થાળી શ્રાદ્ધ અને અન્ય પ્રસંગોમાં મંગાવીએ છીએ. અમે ઘરગથ્થુ બહેન પાસેથી આ તૈયાર થાળી મંગાવીએ છીએ. તૈયાર થાળીનો ટ્રેન્ડ એ સમયની જરૂરિયાત બની ગયું છે. ચોખ્ખું ભોજન મળતું હોય તો બહારથી મંગાવવામાં કોઈ વાંધો નથી. હા બહારથી મંગાવવું થોડું મોંઘું પડે છે પણ સમય નહીં મળતો હોય તેવા સંજોગોમાં બહારથી તૈયાર થાળીનો ઓપ્શન અપનાવી લેવામાં કોઈ વાંધો નથી.’’
ઘરમાં લેડીઝની સંખ્યા ઘટતાં શ્રાદ્ધની તૈયાર ડિશ મંગાવીએ છીએ: પ્રકાશભાઈ તન્ના
નાનપુરા વિસ્તારમાં રહેતાં 54 વર્ષીય ઇલેક્ટ્રિક એન્જિનિયર પ્રકાશભાઈ તન્નાએ જણાવ્યું કે, ‘‘અમે ઘરના લોકો મારાં માતુશ્રી શકુંતલાબેનનું શ્રાદ્ધ 22 તારીખે તિથિ પ્રમાણે કરવાના છીએ. પહેલાં શ્રાદ્ધ નિમિત્તે ઘરમાં જ રસોઈ બનાવવામાં આવતી પણ માતા બાદ મારી પત્નીનું પણ અવસાન થતાં ઘરમાં લેડીઝની સંખ્યા ઘટી છે. ઘરમાં દીકરો, ભાઈ-ભાભી છે પણ ભાભીની તબિયત સારી નથી રહેતી. એવી સ્થિતિમાં શ્રાદ્ધ નિમિત્તે રસોઈનું કાર્ય પહેલાં જે ઘરની મહિલાઓ કરતી તે હવે થઈ શકતું નથી એટલે તૈયાર ડિશ લાવી તર્પણ કરીએ છીએ. છેલ્લાં બે વર્ષથી શ્રાદ્ધ નિમિત્તે બહારથી જ તૈયાર ડિશ મંગાવી છીએ. આમ પણ તમે દૂધપાક-પૂરી સહિતની વાનગીઓ ઘરે બનાવો કે બહારથી મંગાવો ખર્ચ સરખો જ થાય છે. અમે બ્રાહ્મણ બહેન પાસેથી જ તૈયાર ડિશ મેળવીએ છીએ. આ રસોઈ પણ સુરતી ટેસ્ટની મળે છે. 22 તારીખે શ્રાદ્ધના દિવસે પણ અમે બહારથી જ તૈયાર વાનગીઓની ડિશ મંગાવવાના છીએ. કાગવાસ માટે હવે કાગડાઓની સંખ્યા ઘટી છે પણ નાનપુરામાં તાપી નદીના ઓવારા પર કાગડાઓને ભાવતી વસ્તુઓ લઈ જઈએ છીએ અને જળ તર્પણ કરી અન્ન મૂકીએ છીએ. 10-15 મિનિટમાં કાગડા આવી ખાવાની વસ્તુઓ ખાય છે.’’
છેલ્લાં 4 વર્ષથી શ્રાદ્ધનું ભોજન તૈયાર મંગાવીએ છીએ: તરુણાબેન કમલાની
પીપળોદમાં રહેતાં 50 વર્ષીય તરુણાબેન કમલાનીએ જણાવ્યું કે, ‘‘અમે અગિયારસને દિવસે મારાં સાસુ વિષ્ણીબેનનું શ્રાદ્ધ કરીએ છીએ અને સર્વપિતૃ છેલ્લું શ્રાદ્ધ પણ કરીએ છીએ. મારાં સાસુના શ્રાદ્ધનું ભોજન અમે બહારથી તૈયાર મંગાવીએ છીએ જ્યારે સર્વપિતૃ શ્રાદ્ધનું ભોજન ઘરે બનાવીએ છીએ. સર્વપિતૃના શ્રાદ્ધમાં 20થી 25 લોકોનું ભોજન બનાવી સ્લમ વિસ્તારમાં વહેંચીએ છીએ. જયારે સાસુના શ્રાદ્ધનું ભોજન 12 થી 15 વ્યક્તિઓનું તૈયાર મંગાવીએ છીએ. પંડિતજી અને પંડિતજીનું ફેમિલી અને અમારા પરિવારના સભ્યોનું ભોજન બહારથી એટલા માટે મંગાવીએ છીએ કે વહેલી સવારે શ્રાદ્ધ કરવાનું હોય છે. પંડિતજી પછી અમે ઘરના લોકો પ્રસાદ ગ્રહણ કરીએ છીએ એટલે શ્રાદ્ધનું ભોજન બહારથી જ મંગાવીએ છીએ.’’
રીલેટિવને સમય આપી શકાય માટે બહારથી તૈયાર ડિશ મંગાવીએ છીએ: ભાવિકાબેન શાહ
વેસુ વિસ્તારમાં રહેતાં અને સ્કૂલ શિક્ષિકા 41 વર્ષીય ભાવિકાબેન શાહે જણાવ્યું કે, ‘‘મારો પરિવાર દાદા-દાદી અને પપ્પા ભરતભાઈ દવેનું શ્રાદ્ધ કરે છે. અમે 10 વર્ષ સુધી શ્રાદ્ધનું ભોજન ઘરે જ બનાવ્યું હતું. ઘરે પૂરી-દૂધપાક અને વડાં તથા પપ્પાને ભજિયાં ભાવતા અને દાદાને ઘારી ભાવતી એટલે તે ઘરે બનાવતા પણ હું પોતે નોકરી કરું છું. વળી વિધિ માટે અને ઘરે આવનાર રીલેટિવ માટે સમય આપી શકાય માટે અમે છેલ્લાં 5 વર્ષથી શ્રાદ્ધનું ભોજન બહારથી ઓર્ડર આપીને મંગાવીએ છીએ. મારા ફાધર કોવિડમાં એક્સપાયર થયા હતા. શ્રાદ્ધ નિમિતે ઘરે 22 જણા એકત્રિત થયા હોય તો તેટલા લોકોનું અથવા ક્યારેક 5 હોય તો તેમનું ભોજન તૈયાર મંગાવીએ છીએ. શ્રાદ્ધની થાળીમાં દાલ-રાઈસ, દૂધપાક, ભજિયાં અને પૂર્વજોના ફેવરિટ રહેલા પકવાન મંગાવીએ છીએ. અમે છેલ્લાં 5 વર્ષથી શ્રાદ્ધનું ભોજન તૈયાર મંગાવીએ છીએ.’’
પહેલાંનો જમાનો સંયુકત કુટુંબનો હતો. મોટા પરિવાર હતા એટલે ઘરની બધી જ મહિલાઓ સાથે મળી શ્રાદ્ધની રસોઈ કરી લેતી. તેમાં સમયનો પણ બચાવ થતો અને ઘણી બધી વાનગીઓ તૈયાર થઈ જતી પણ હવે કુટુંબ વિભક્ત થઈ ગયા છે. એમાં પણ લોકો પરિવારમાં એક કે બે બાળક ઇચ્છતાં હોય છે એને કારણે પણ સ્મોલ પરિવાર થતા ગયા છે અને ઘણા પરિવારની મહિલાઓ પણ જોબ કરતી થઈ ગઈ છે એટલે ઝાઝી રસોઈ બનાવવા માટે જોઈએ એટલા હાથ નથી હોતા. આવી સ્થિતિને કારણે જ લોકો ઉત્સવો, તહેવારો અને શ્રાદ્ધના પકવાનો પણ બહારથી જ મંગાવવા લાગ્યા છે. વળી લોકો એવું માનતા થયા છે કે શ્રાદ્ધનું જમણ ઘરમાં જ બનવું જોઈએ તેવું જરૂરી નથી. એટલે દિવસે ને દિવસે શ્રાદ્ધની તૈયાર થાળી મંગાવનાર લોકોની સંખ્યા વધતી જાય છે. છેલ્લાં 7-8 વર્ષથી તૈયાર થાળી મંગાવવાનું ચલણ જોવા મળી રહ્યું છે.