સર, મારા દસ વર્ષના મલ્ટીએન્ટ્રી B-1/B-2 વિઝા આવતા મહિને પૂરા થઈ જાય છે. મારી દીકરી ગયા વર્ષે જ એક ગ્રીનકાર્ડધારકને પરણીને અમેરિકા રહેવા ગઈ છે. મારે ગમે ત્યારે એ સાજીમાંદી હોય તો અમેરિકા જવું પડે. એની સુવાવડ આવવાની હોય તો પણ મારે એની દેખભાળ રાખવા અમેરિકા જવું પડે. આથી મારે મારા B-1/B-2 વિઝા રીન્યુ કરાવવા છે.’’
છેલ્લાં પંદર વર્ષથી આ કટારના લેખક દર મહિને બે દિવસ માટે સુરત, ત્યાંના લોકોને અમેરિકાના વિઝા વિષે માર્ગદર્શન આપવા જાય છે. ઉપર જણાવેલ એવા અનેક લોકો, જેમના દસ વર્ષની અવધિના મલ્ટીએન્ટ્રી B-1/B-2 વિઝાની અવધિ પૂરી થઈ ગઈ હોય યા પૂરી થવાની હોય તેઓ વિઝાના ડૉક્ટર સુધીર શાહ, એડવોકેટનો એમની સુરતની મુલાકાત દરમિયાન સંપર્ક કરે છે અને ઉપર મુજબનું જણાવી ફરી પાછા B-1/B-2 વિઝાની અરજી કેમ કરવી? એ માટે કયું ફોર્મ ભરવું? શું શું દસ્તાવેજો આપવા? ઈન્ટરવ્યૂમાં શું શું સવાલો પૂછવામાં આવી શકે? એના કેવા જવાબોની અપેક્ષા રખાય છે? કયા કયા દસ્તાવેજો સાથે લઈ જવા જોઈએ? એ કેવી રીતે ગોઠવવા જોઈએ? ક્યારે દેખાડવા જોઈએ? આ સઘળી જાણકારી મેળવવા ચાહે છે.
– સૌ પ્રથમ તો તમારા દસ વર્ષના મલ્ટીએન્ટ્રી B-1/B-2 વિઝાની અવધિ પૂરી થઈ જાય પછી તમારે એને ‘રીન્યુ’ નથી કરાવવાના હોતા. તમારે ફ્રેશ નવા B-1/B-2 વિઝાની અરજી કરવાની રહે છે. એ માટે ફોર્મ DS-160 ઓનલાઈન ભરવાનું રહે છે. વિઝા પ્રોસેસિંગ ફી જે હોય એ ભરવાની રહે છે. જો કોન્સ્યુલર ઓફિસરને યોગ્ય લાગે તો તેઓ તમને ઈન્ટરવ્યૂમાં બોલાવ્યા સિવાય વિઝા આપશે અન્યથા તમારે ઈન્ટરવ્યૂની તારીખ લેવી પડશે.
એ સમયે બાયોમેટ્રિકની પ્રક્રિયા કરવાની રહેશે અને નિયત કરેલા સમયે ઈન્ટરવ્યૂમાં જાતે હાજર રહીને તમે અમેરિકા ફકત અને ફકત બિઝનેસના કામકાજ માટે યા ફરવા માટે એક ટુરીસ્ટ તરીકે જ જવા ઈચ્છો છો. તમારો ત્યાં કાયમ રહેવાનો કે ભણવાનો કે નોકરી યા ધંધો કરવાનો કે પછી પરણવાનો ઈરાદો નથી. તમારી આગળ અમેરિકા જવા આવવાના, ત્યાં રહેવા ખાવાના, આંતરિક મુસાફરી કરવાના અને પરચૂરણ ખર્ચાની યોગ્ય જોગવાઈ છે તેમ જ સ્વદેશમાં તમારા નાણાંકીય અને કૌટુંબિક સંબંધો એટલા ગાઢ છે કે એ સંબંધો જ તમને અમેરિકામાં આપવામાં આવેલ સમય પૂરો થતા સ્વદેશ પાછા ખેંચી લાવશે, આ સર્વે દેખાડીને જરૂરી દસ્તાવેજો પુરાવાઓ તરીકે દર્શાવીને, કોન્સ્યુલર ઓફિસરને પાક્કી ખાતરી કરાવી આપીને ફરી પાછા B-1/B-2 વિઝા મેળવવાના રહે છે.
રીન્યુ કરાવવાના નહીં. તમારા વિઝાની અવધિ એક વાર પૂરી થઈ જાય પછી એ રીન્યુ કરવામાં નથી આવતા. તમે ફરીથી એની માગણી કરો છો. ફરીથી કોન્સ્યુલર ઓફિસરને ખાતરી કરાવી આપો છો અને એ ખાતરી થતાં તમને ફરીથી નવા B-1/B-2 વિઝા આપવામાં આવે છે. એ દસ વર્ષના મલ્ટીએન્ટ્રી હોઈ શકે અથવા ફકત થોડા દિવસના, થોડા મહિનાના કે થોડાં વર્ષના પણ હોઈ શકે.
– જો તમે આ પહેલાં B-1/B-2 વિઝાની અરજી કરતાં તમારા અરજીપત્રકમાં એવું જણાવ્યું હોય કે તમે અમેરિકામાં ફકત ત્રણ અઠવાડિયાં રહેવા ઈચ્છો છો અને તમને અમેરિકામાં રહેવા માટે ઈમિગ્રેશન ઓફિસર છ મહિનાનો સમય આપે અને તમે છ મહિના અમેરિકામાં રહો તો તમારો એ વસવાટ કાયદેસરનો હોય છે પણ તમે ‘મારે અમેરિકામાં ત્રણ અઠવાડિયાં રહેવું છે’ એવું જણાવ્યું હતું અને પછી છ મહિના ત્યાં રહ્યા હતા એટલે અરજીપત્રકમાં તમે ખોટું જણાવ્યું હતું એવું ધારી લઈને બીજી વાર જ્યારે તમે ફરી પાછા B-1/B-2 વિઝાની અરજી કરશો ત્યારે એ નકારવામાં આવી શકે છે.
– તમે જ્યારે અમેરિકામાં પ્રવેશો ત્યારે ઈમિગ્રેશન ઓફિસર તમને ત્યાં રહેવા માટે જેટલો સમય આપે એ સમય લંબાવવાની એટલે કે ‘એક્સટેન્શન ઓફ ટાઈમ ટુ સ્ટે’ની જો તમે અરજી કરી હશે તો પણ તમે ફરી પાછા જ્યારે અમેરિકાના વિઝા મેળવવાની અરજી કરશો ત્યારે એ નકારવામાં આવી શકશે. – તમે B-1/B-2 વિઝા ઉપર અમેરિકામાં પ્રવેશીને ત્યાં ગેરકાયદેસર કામ કર્યું હોય એવું કરતાં એ સમયે પકડાયા ન હો પણ ફરી પાછા જ્યારે વિઝાની અરજી કરો ત્યારે કોન્સ્યુલર ઓફિસરને એવી શંકા આવે કે તમે અમેરિકામાં ગેરકાયદેસર કામ કર્યું હતું તો તેઓ તમને વિઝા નહીં આપે. – તમે B-1/B-2 વિઝા ઉપર અમેરિકા ગયા હો અને સાથે ઓફિશ્યલી ડોલર લઈ ગયા ન હો, તમારી પાસે ક્રેડિટ કાર્ડ પણ ન હોય અને તમે અમેરિકામાં બે-ચાર મહિના રહ્યા હો તો પણ ફરી પાછા જ્યારે વિઝાની અરજી કરશો ત્યારે તમે અમેરિકામાં જરૂરથી ઈલીગલી કામ કર્યું હશે એવું કોન્સ્યુલર ઓફિસર ધારી શકે છે અને તમારી વિઝાની અરજી નકારી શકે છે.
– તમે સૌ પ્રથમ વાર વિઝાની અરજી કરી હોય ત્યારે તમારા જે સંજોગો હોય એ સંજોગો દસ વર્ષ પછી જ્યારે તમને દસ વર્ષના આપેલા મલ્ટીએન્ટ્રી B-1/B-2 વિઝાની અવધિ પૂરી થઈ ગઈ હોય ત્યારે બદલાઈ ગયા હોય. તમે પહેલાં નોકરી કરતાં હો અને હવે નિવૃત્ત થઈ ગયા હો. પહેલાં પરણેલા હો અને હવે વિધુર કે વિધવા થઈ ગયા હો, પહેલાં અમેરિકામાં તમારું કોઈ રહેતું ન હોય અને હવે તમારાં સંતાનો ત્યાં નોકરી કરતાં હોય, તમારી દીકરી પરણીને અમેરિકા રહેવા ચાલી ગઈ હોય, તમારા ફેમિલીમાંથી કોઈ અમેરિકામાં લીગલી પ્રવેશીને ઈલીગલી રહેતું હોય- આવાં આવાં કારણોસર પણ તમે ફરી પાછા જ્યારે B-1/B-2 વિઝાની અરજી કરો છો ત્યારે એ નકારવામાં આવી શકે છે. આવાં આવાં અનેક કારણો છે જેના લીધે તમે જ્યારે બીજી વાર વિઝાની અરજી કરો ત્યારે એ નકારી શકાય છે. B-1/B-2 વિઝાના અરજદારોએ આથી તેઓ જ્યારે જ્યારે અમેરિકા જાય ત્યારે ત્યારે ખૂબ જ કાળજી રાખવી જોઈએ, એવું એક પણ પગલું ભરવું ન જોઈએ જેથી તમને બીજી વાર વિઝા આપવામાં ન આવે. સમય વર્તે સાવધાન રહેવું જોઈએ.