હિન્દુસ્તાનીઓની એક વાત ખૂબ જ જાણીતી છે અને એ છે તેની ખુદ્દારી અને આત્મસન્માન, જો પ્રેમથી માંગો તો હિન્દુસ્તાનીઓ તેમનું ગળું કપાવવા માટે પણ તૈયાર થઇ જાય છે પરંતુ જો ધમકી આપી તો ગળુ કાપવા સુધીની હેસિયત દરેક હિન્દુસ્તાનીમાં છે. જો કે, હવે આ વાત સાબિત કરવાનો સમય આવી ગયો છે અને તે લડાઇ હવે વોટ્સએપ સામે લડવાની છે. આ કંપની ભારતીયોને તેની પ્રાઇવેટ પોલિસી સ્વીકારવા માટે રીતસર ગર્ભીત ધમકીઓ આપી રહી છે અને આ સીલસીલો છેલ્લા ચાર મહિનાથી ચાલી રહ્યો છે.
અગાઉ તેની ધમકીને શરણે થવાના બદલે દેશવાસીઓએ જુદા જુદા વિકલ્પ શોધવાની શરૂઆત કરતાં ઇન્ટરનેટ મેસેજિંગ એપ વોટ્સ એપે ભલે 15 મેથી લાગુ થનારી તેની નવી પોલિસી હાલ પૂરતી ટાળી દીધી છે પરંતુ તેનો મતલબ એવો નથી કે વોટ્સ એપ દ્વારા હિન્દુસ્તાનીઓને અપાતી ગર્ભીત ધમકીઓ બંધ થઇ ગઇ છે. હજી પણ તેની ધમકી યથાવત જ છે હવે કંપની દેશવાસીઓને એવી ધમકી આપી રહી છે કે, તેની પ્રાઇવેટ પોલિસીનો સ્વીકાર નહીં કરનાર યુઝર્સના અલગ અલગ ફિચર્સ બંધ કરી દેશે. કંપની એવું કહી રહી છે કે તેની પોલીસી નહીં સ્વીકારનારના વીડિયો કોલ અને મેસેજીસ બંધ કરી દેવામાં આવશે.
વોટ્સએપ ભારતમાં આવી તેને માંડ માંડ હજી 11 વર્ષ પણ થયા નથી તેનો સીધો અર્થ છે કે, મહાભારત કાળ પૂર્વે સ્થપાયેલા હિન્દુસ્તાનને આ 11 વર્ષનો છોકરો સીધી ચેલેન્જ આપી રહ્યો છે. જો કે, તેની ધમકીથી ડરવાની કોઇ જરૂર નથી. હિન્દુસ્તાનીઓને ભલે તેની આદત પડી ગઇ છે પરંતુ તેને હિન્દુસ્તાની યુઝર્સની સૌથી મોટી ગરજ આ કંપનીને છે અને જો હિન્દુસ્તાનીઓ જીદ પર ઉતરી ગયા તો કંપનીએ ભરપાઇ નહીં થઇ શકે તેવી ખોટનો સામનો કરવો પડશે. ભારતીયોની એક ખાસિયત છે કે એક ચીજથી તેનું કામ પતી જતું હોય ત્યાં સુધી તેઓ બીજો વિકલ્પ વિચારતાં નથી પરંતુ જો વિચારવાનું ચાલુ કરે છે ત્યારે તેઓ કોઇના થતાં નથી. 2020માં જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે સમગ્ર દુનિયામાં વોટ્સએપના 2 બિલિયન એટલે કે 200 કરોડ યુઝર્સ હતાં તે પૈકીના 53 કરોડ યુઝર્સ તો ફક્ત ભારતમાં જ છે એટલે તેનો સીધો અર્થ છે કે કંપનીના કુલ યુઝર્સમાંથી 25 ટકા ભારતીયો છે. આ બાબત જાણતી હોવા છતાં વોટ્સએપ કંપની ભારતીયોને ધમકાવી રહી છે અને હિન્દુસ્તાનીઓ આ ધમકી સહન કરી રહ્યાં છે તે ખૂબ જ શરમજનક બાબત છે.
વોટ્સ એપના વિકલ્પની વાત કરીએ તો મેઇક ઇન ઇન્ડિયાની અનેક કંપનીઓ છે જે વોટ્સએપને સમાન છે. આ કંપનીઓમાં હાઇક સ્ટિકર, જીયો ચેટ, ટ્રુપ મેસેન્જર્સ, નમસ્તે ભારત, શેર ચેટ, ટેલિગ્રામ, કિક, લાઇન અને સિગ્નલનો સમાવેશ થાય છે. હવે ટેલિગ્રામ જે ભારતીય એપ છે તે અને વોટ્સએપની સરખામણી કરીએ તો વોટ્સએપમાં 256 લોકોનું જ ગ્રુપ બનાવી શકાય છે. ટેલિગ્રામમાં નોર્મલ ગ્રુપની વાત કરીએ તો તેમાં 200 લોકોનું ગ્રુપ બનાવી શકાય છે પરંતુ ટેલિગ્રામના સુપર ગ્રુપમાં બે લાખથી વધુ લોકોને જોડી શકાય છે. આ ઉપરાંત સબસ્ક્રાઇબરની સંખ્યા જોઇએ તો ટેલિગ્રામમાં કોઇ જ મર્યાદા નથી. વોટ્સએપની જેમ ટેલિગ્રામમાં પણ ટેક્સટમેસેજ, ઇમેજીસ, વીડિયો, કેલેન્ડર કોન્ટેક્ટ કે લોકેશન મોકલી શકાય છે.
ટેલિગ્રામનો બીજો ફાયદો એ છે કે, તેમાં 1.5 જીબીની કોઇ પણ ફાઇલ સેન્ડ કરી શકાય છે જ્યારે વોટ્સએપમાં 100 એમબીથી મોટી ફાઇલ મોકલી શકાતી નથી. તેવી જ રીતે સિગ્નલ પણ ભારતીય એપ છે અને તેમાં પણ વોટ્સએપમાં છે તે તમામ ફિચર્સ પ્રાપ્ત છે. એટલે જે રીતે વોટ્સએપ ઓપ્શન આપી રહી છે કે તેની પ્રાઇવેટ પોલિસીની સ્વીકાર કરી લો અથવા તો મર્યાદીત ફિચર્સ સાથે તેનો ઉપયોગ કરવાની તૈયારી રાખો તેવી જ રીતે ભારતીયો પાસે પણ ઓપ્શન છે કે, વોટ્સએપ એ માત્ર એક એપ્લિકેશન નથી કે, જેનાથી એક બીજાના સંપર્કમાં રહીને વીડિયો, ઇમેજીસ અને મેસેજ સેન્ડ કરી શકાય.
જે રીતે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ ભારતમાં વેપારના હેતુથી એન્ટ્રી કરી હતી અને ત્યાર પછી 300 વર્ષ સુધી આપણા પર રાજ કરીને આપણને ગુલામ બનાવ્યા હતાં તેવો જ પ્રયાસ વોટ્સએપ પણ કરી રહી છે. આ બંને વચ્ચે ફેર એટલો જ છે કે ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ આપણા દેશના પ્રદેશો પર કબજો કરીને શારીરિક રીતે આપણને ગુલામ બનાવી દીધા હતાં અને વોટ્સએપ માનસિક રીતે ગુલામ બનાવવાની પેરવી કરી રહી છે. પરંતુ આ કંપની ભૂલી રહી છે કે ઇસ્ટ ઇન્ડિયા કંપની ભારતમાં આવી ત્યારે અહીં અનેક રાજા રજવાડાઓ હતાં જે સંગઠીત નહીં હતાં પરંતુ હવે આ આધુનિક ભારત છે જે અખંડ છે અને લોકો સંગઠીત છે. એટલે હવે માનસિકતા બદલીને વોટ્સએપને સબક શિખવવાનો સમય આવી ગયો છે કે, જેણે જે વિચારવું હોય તે વિચારે પણ ભારતમાં રાજ તો ભારતીયોનું જ ચાલશે.