
જે રાજ્યોમાં કેન્દ્ર સરકારના શાસક પક્ષના હરીફ પક્ષની સરકાર હોય તે રાજ્યોના ગવર્નર કે રાજ્યપાલને તે રાજયની સરકાર સાથે સંઘર્ષ હોય તે આપણા દેશમાં સામાન્ય વાત છે. રાજ્યપાલો કેન્દ્ર સરકારના ઇશારે કામ કરતા હોવાના આક્ષેપો લાંબા સમયથી થતા આવ્યા છે અને તેમાં ઘણે અંશે વાસ્તવિકતા પણ છે. આવા સંઘર્ષો વિવિધ મુદ્દે થતા હોય છે અને તેમાં એક મુદ્દો રાજ્ય વિધાનસભાએ પસાર કરેલા ખરડાઓને રાજ્યપાલ દ્વારા જલદી મંજૂરી નહીં મળતી હોવાનો પણ છે. આ મુદ્દે હાલ છેલ્લા કેટલાક સમયમાં તો પંજાબ અને તમિલનાડુ જેવા રાજ્યોમાં ખાસ્સો તનાવ પણ સર્જાયો અને મામલો અદાલતમાં પણ ગયો.
તમિલનાડુ સરકારને ત્યાંના ગવર્નર સાથે ચાલતા આવા સંઘર્ષ સંબંધના કેસમાં દેશની સર્વોચ્ચ અદાલતે કેટલાક મહત્વના નિરીક્ષણો કર્યા છે અને આદેશ જારી કર્યા છે. આમાં એક સીમાચિન્હરૂપ ચુકાદામાં સુપ્રીમ કોર્ટે રાજ્યના વિધાનગૃહ દ્વારા પસાર કરવામાં આવેલ ખરડાઓ પર કાર્યવાહી કરવા માટે રાજ્યપાલો માટે એક સમયસીમા ઠરાવી છે જ્યારે તેણે દસ ખરડાઓ રાષ્ટ્રપતિની મંજૂરી માટે અનામત રાખી મૂકવા બદલ તમિલનાડુના ગવર્નર આર. એન. રવિની ઝાટકણી કાઢી છે અને કહ્યું હતું કે આવુ કરવું એ બંધારણીય જોગવાઇઓની વિરુદ્ધ છે.
મંગળવારે આપેલા મહત્વના ચુકાદામાં કોર્ટે ઉમેર્યું કે આ 10 ખરડાઓ રાજ્યપાલ સમક્ષ ફરીથી રજૂ થયાની તારીખથી મંજૂર થયેલા ગણવામાં આવશે. આ એક ઘણી મહત્વની બાબત છે. દેશના ઇતિહાસમાં કદાચ આવું પહેલી વખત બન્યું છે કે જ્યારે રાજ્યપાલની મંજૂરી વિના જ ખરડાઓ મંજૂર થઇ ગયેલા સુપ્રીમ કોર્ટે જાહેર કરી દીધા છે. આ ઉપરાંત, આ પ્રકારના પ્રથમ નિર્દેશમાં, સર્વોચ્ચ અદાલતે રાજ્ય વિધાનસભા દ્વારા પસાર કરાયેલા બિલો પર રાજ્યપાલે કાર્યવાહી કરવાની સમયમર્યાદા નક્કી કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે બંધારણની કલમ 200 હેઠળ રાજ્યપાલ દ્વારા કાર્યો પૂર્ણ કરવા માટે કોઈ સ્પષ્ટ સમયમર્યાદા નથી.
પરંતુ કોઈ નિર્ધારિત સમયમર્યાદા ન હોવા છતાં, કલમ 200નું અર્થઘટન એવી રીતે કરી શકાતું નથી કે જે રાજ્યપાલને બિલો પર કાર્યવાહી ન કરવાની મંજૂરી આપે. જે ખરડા તેમની સંમતિ માટે રજૂ કરવામાં આવે છે તેમને તેઓ મંજૂરી ન આપે તો તેના કારણે વિલંબ થાય છે, અને મૂળભૂત રીતે રાજ્યમાં કાયદા ઘડનાર વ્યવસ્થાને અવરોધે છે એમ કોર્ટે કહ્યું હતું. સુપ્રીમ કોર્ટે એમ પણ ઠરાવ્યું હતું કે રાજ્યપાલના પગલાઓને અદાલતી સમીક્ષામાંથી મુક્તિ નથી, એટલે કે રાજ્યોના રાજ્યપાલોએ કરેલી કાર્યવાહીઓની સમીક્ષા જો જરૂર પડે તો અદાલતો કરી શકે છે.
સમયમર્યાદા નક્કી કરતા, બેન્ચે જણાવ્યું હતું કે જો ખરડાને મંજૂરી રોકી રાખવામાં આવે અને મંત્રીમંડળની સહાય અને સલાહથી તેને રાષ્ટ્રપતિ માટે અનામત રાખવામાં આવે, તો તેના પર કાર્યવાહી મહત્તમ સમયગાળો એક મહિનાનો રહેશે. જો રાજ્યપાલે મંત્રી મંડળની સહાય અને સલાહ વિના સંમતિ રોકવાનો નિર્ણય લીધો હોય, તો બિલો ત્રણ મહિનાની અંદર વિધાનસભાને પરત કરવા પડશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાજ્ય વિધાનસભા દ્વારા પુનર્વિચારણા પછી ખરડો ફરી રજૂ કરવાના કિસ્સામાં, ખરડાને રાજ્યપાલ દ્વારા એક મહિનાની અંદર સંમતિ આપવી પડશે.
સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું કે વિધાનસભાના સભ્યો એ લોકોના ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે અને લોકોની જરૂરિયાતો અંગે તેમને સારો ખયાલ હોય છે. તેમણે ઘડેલા કાયદાઓને અવરોધીને ગવર્નર રાજ્યના હિતના કાર્યો અવરોધી શકે નહીં. ગવર્નર કોઇ ખરડો ફરી વિચારણા માટે વિધાનસભાને પરત કરી શકે, કે રાષ્ટ્રપતિને વિચારણા માટે મોકલવા અનામત રાખી શકે પરંતુ રાજય વિધાનસભા તે જ ખરડો ફરીથી મંજૂરી માટે ગવર્નરને મોકલે તો તેમણે આ ખરડાને મંજૂરી આપવી જ પડે.
બંધારણની કલમ ૨૦૦ હેઠળ આ બાબતમાં ગવર્નરને વિવેકબુદ્ધિનો અધિકાર નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે ગવર્નર ખરડાઓને દબાવીને બેસી રહી શકે નહીં અને સંપૂર્ણ વીટો કે પોકેટ વીટોનો ખયાલ અપનાવી શકે નહીં. પોકેટ વીટો એ ખયાલના સંદર્ભમાં છે કે જ્યારે ગવર્નર ખરડાને સહી કર્યા વિના દબાવી રાખે અને છેવટે તેને બિનઅસરકારક બનાવી નાખે. રાજ્યપાલે સરકાર સાથે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઇડ તરીકેની ભૂમિકા નિષ્ઠાપૂર્વક નિભાવવી જોઈએ અને રાજકીય વિચારણાઓથી દોરવવું ન જોઈએ, એમ સુપ્રીમ કોર્ટે કહ્યું હતું.
સુપ્રીમ કોર્ટની આ વાત ઘણી મહત્વની છે. આપણે ત્યાં મોટે ભાગે રાજ્યપાલો પોતાની રાજકીય વિચારધારા છોડીને તટસ્થ રીતે કામ કરતા નથી, કરી શકતા નથી અને રાજય સરકાર અને રાજ્યપાલ વચ્ચે સંઘર્ષ સર્જાય છે. કેટલીક વખતે તે માટે રાજ્ય સરકારો પણ જવાબદાર હોય છે. રાજ્યપાલો ઘણી વાર કેન્દ્રના પ્રતિનિધિની જેમ વર્તે છે અને તે સંદર્ભમાં સુપ્રીમનો આ ચુકાદો દૂરગામી અસરો પાડનારો બની શકે છે. આશા રાખીએ કે આના પછી ભવિષ્યના ઘણા સંઘર્ષો ટળી જશે.
