મોબાઈલ ફોનએ વિશ્વમાં મોટી ક્રાંતિ સર્જી છે. એક સમયે જ્યારે લેન્ડલાઈન ફોન હતા ત્યારે માત્ર વાતો જ થઈ શકતી હતી. પછી મોબાઈલ ફોન આવ્યા અને તેમાં પણ સ્માર્ટ ફોન આવ્યા બાદ આખી પરિસ્થિતિ જ બદલાઈ જવા પામી છે. સ્માર્ટ ફોનમાં એક પછી એક આવેલી એપ્લિકેશનમાં પણ ટિકટોકે જાતજાતના ગીતો પર રીલ ઉતારીને સોશિયલ મીડિયા પર મુકવાનો નવો જ સિલસિલો શરૂ કર્યો હતો. ટિકટોકની શરૂઆત 2018માં ભારતમાં થઈ હતી અને ત્યારબાદ તેના પર ગીતો પર ડાન્સ કરતાં હોય તેવી રીલ બનાવીને મુકવાનું શરૂ થયું હતું.
ટિકટોક પર રીલ મુકવામાં યુવાનો સાથે ઉંમરલાયકોને પણ એટલો ઉત્સાહ આવ્યો હતો કે ખૂબ જ ટૂંકા સમયમાં ટિકટોકટ એપ્લિકેશન આખા ભારતમાં પ્રસિદ્ધ થઈ ગઈ હતી. ટિકટોક પર મુકાયેલી રીલને મળતી લાઈકને પગલે એવા અનેક યુવાન-યુવતીઓ ટિકટોક સ્ટાર બની ગયા હતા. ત્યાં સુધી કે સામાન્ય વાતચીતમાં પણ ટિકટોકનો ઉપયોગ થવા લાગ્યો હતો. ટિકટોક પછી અનેક એપ્લિકેશન આવી અને બાદમાં તો ફેસબુક અને ઈન્ટાગ્રામમાં જ રીલના ઓપ્શન શરૂ થઈ ગયા. સોશિયલ મીડિયામાં આ ક્રાંતિ લાવનાર ટિકટોક એપ્લિકેશન ચીનની હોવાથી ચીન દ્વારા ભારતની સરહદ પર કરવામાં આવતા છમકલાના વિરોધમાં ભારત સરકારે ત્રણ વર્ષ પહેલા તેની પર પ્રતિબંધ મુકી દીધો હતો.
ત્રણ વર્ષનો પ્રતિબંધ અને અન્ય એપ્લિકેશનોને કારણે આખરે હવે ટિકટોક ભારતમાં હિંમત હારી ચૂકી. ટિકટોકએ ભારતમાં પોતાનો કારોબાર સમેટી લેવાની જાહેરાત કરી દીધી છે. વિશ્વમાં ચાલી રહેલી મંદીમાં ગૂગલ, એમેઝોન જેવી મોટી ટેક કંપનીઓ પોતાની હિંમત હારી ગઈ છે. જેને પગલે હવે ટિકટોકએ પણ પોતાના સ્ટાફની છટણી કરવાનો નિર્ણય કર્યો છે. બાઈટ ડાન્સ નામની કંપનીની આ ટિકટોક એપ્લિકેશનના ઈન્ડિયાના કર્મચારીઓ મોટાભાગે બ્રાઝિલ અને દુબઈના માર્કેટમાં કામ કરી રહ્યા હતા.
જોકે, આ તમામ 40ને કાઢી મુકવાની સાથે ટિકટોકએ તેમને 9 મહિનાનો પગાર આપવાની પણ જાહેરાત કરી છે. આગામી તા.28મી ફેબ્રુઆરીનો દિવસ ભારતમાં ટિકટોક માટે છેલ્લો દિવસ રહેશે. એક સમયે સૌથી વધુ લોકપ્રિય બનેલી ટિકટોક એપ્લિકેશને કેમ ભારતમાંથી જવું પડ્યું? તેની પાછળ ધંધાકીય હરિફાઈ પણ જવાબદાર છે. ટિકટોક એપ્લિકેશનમાં જે રીલ બનતી હતી તે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં બનવા માંડી. એટલે કે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામએ ટિકટોકનો કોન્સેપ્ટ છીનવી લીધો પરંતુ ટિકટોક પોતાની એપ્લિકેશનમાં નવું કશું લાવી શકી નહીં. ઉપરથી ભારત સરકારે મૂકેલા પ્રતિબંધને કારણે ટિકટોકને ડબલ માર પડ્યો.
આજે વિશ્વમાં ટેકનોલોજીના યુગમાં જેની પાસે આધુનિક ટેકનોલોજી છે તે જ ટકી શકે તેમ છે. એક તરફ વિશ્વમાં મંદીનો માહોલ છે અને મોટી કંપનીઓએ કર્મચારીઓને છૂટા કરવા પડી રહ્યા છે. રોજબરોજ ટેકનોલોજીમાં એટલો બદલાવ આવી રહ્યો છે કે આ જેટ યુગની હરીફાઈમાં બજારોમાં ટકવું અઘરૂં છે. ચીને પોતાની વિસ્તારવાદી નીતિમાં પોતાના જ દેશની કંપનીઓ બંધ કરવી પડે તેવી નોબત ઊભી કરી છે. સ્માર્ટ ફોનની દુનિયામાં રોજ નવી એપ્લિકેશન નવા આઈડીયા સાથે આવી રહી છે ત્યારે ટેક કંપનીઓ જો નવી નવી ટેકનોલોજી અને આઈડીયા અપનાવશે નહીં તો બજારમાંથી અદ્રશ્ય થઈ જશે તે નક્કી છે.