Columns

ટિકટોક સ્ટાર સોનાલી ફોગાટની હત્યા પાછળ સંપત્તિનો વિવાદ કારણરૂપ હતો?

ટિકટોક સ્ટાર અને ભાજપનાં નેતા સોનાલી ફોગાટની ગોવાની હોટેલમાં થયેલી હત્યાના પ્રકરણમાં ભારતની સામાજિક જિંદગીનો બિહામણો ચહેરો પ્રગટ થાય છે. સોનાલી ફોગટ ૪૧ વર્ષની ઉંમરની વિધવા સ્ત્રી હતી, જેને સંયોગોએ સેલિબ્રિટી બનાવી દીધી હતી. હવે જેના પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તે ચાઈનીઝ એપ ટિકટોક પર વિવાદાસ્પદ વીડિયો બનાવીને સોનાલી ફોગાટ રાતોરાત સ્ટાર બની ગઈ હતી. ૨૦૨૦ ના જૂનમાં તેનો એક વીડિયો બહુ વાઇરલ થયો હતો, જેમાં તે કોઈ કૃષિ અધિકારીને ચપ્પલથી મારતી નજરે પડી હતી. તે પછી તેની સામે પોલીસ ફરિયાદ પણ થઈ હતી.

તેની લોકપ્રિયતાને વટાવી ખાવા તેને સલમાન ખાનના શો બિગ બોસ-૧૪ માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી આપવામાં આવી હતી, પણ તેણે ઝડપી એક્ઝિટ લેવી પડી હતી. સોનાલી ફોગાટની હત્યા થઈ તે પહેલાં ગોવાની વિવાદાસ્પદ કર્લી હોટેલમાં તેને ડ્રગ્સ આપવામાં આવી હતી. આ ડ્રગ્સ પણ તેના બે મિત્રો દ્વારા જ આપવામાં આવી હતી. આ મિત્રો હરિયાણાના હિસારમાં આવેલી સોનાલી ફોગાટની કરોડોની સંપત્તિ પડાવી લેવા માગતા હતા, તેવો આક્ષેપ સોનાલીના ભાઇએ કર્યો છે. સોનાલી ફોગાટનો પતિ સંજય ફોગાટ ભાજપનો નેતા હતો, જેને કારણે પણ સોનાલી ભાજપમાં જોડાઈ હતી અને ચૂંટણીની સભાઓ પણ ગજાવતી હતી.

૨૦૧૯ માં સોનાલી ભાજપની ટિકિટ પર વિધાનસભાની ચૂંટણી લડી હતી, પણ કોંગ્રેસના ઉમેદવાર સામે હારી ગઈ હતી. સોનાલી ફોગાટની પુત્રી યશોધરાની ઉંમર માત્ર ૧૫ વર્ષની છે. ૨૦૧૬ માં સંજય ફોગાટની પણ હત્યા થઈ ગઈ હતી. તેની લાશ એક ફાર્મ હાઉસમાંથી મળી આવી હતી. તેની હત્યાનું રહસ્ય હજુ ઉકેલાયું નથી ત્યાં સોનાલીની પણ હત્યા થઈ છે. સોનાલીની હત્યા પછી સુધીર સાંગવાનની ધરપકડ કરવામાં આવી છે તે સોનાલીનો પીએ હતો, પણ તેના પતિની જેમ જ સાથે રહેતો હતો. તેનો સાથીદાર સુખવિંદર સિંહ પણ હરિયાણાથી મોજમજા કરવા સોનાલી સાથે ગોવામાં આવ્યો હતો.

ગોવા પોલીસે શુક્રવારે બીજેપી નેતા સોનાલી ફોગાટના મૃત્યુના કેસની તપાસ કરતાં દાવો કર્યો હતો કે સોનાલીને તેના બે સહયોગીઓ દ્વારા બળજબરીથી ડ્રગ્સ આપવામાં આવ્યું હતું. ગોવા પોલીસે જણાવ્યું કે સોમવારે ગોવા પહોંચ્યા બાદ સોનાલીના પીએ સુધીર સાંગવાન અને સુખવિંદર સિંહ પાર્ટીના બહાને સોનાલીને રાત્રે ઉત્તર ગોવાના કર્લી રેસ્ટોરન્ટમાં લઈ ગયા. આ દરમિયાન બંનેએ સોનાલીના ડ્રિંકમાં ડ્રગ્સ ભેળવી દીધું હતું અને સોનાલીને તે પીવા દબાણ કર્યું હતું. રેસ્ટોરન્ટના સીસીટીવી ફૂટેજમાં આ જોઈ શકાય છે. બંનેએ પૂછપરછ દરમિયાન તેની કબૂલાત પણ કરી છે. ગોવાના ડીજીપી જસપાલ સિંહે કહ્યું કે જ્યારે સોનાલીની તબિયત ડ્રગના ઓવરડોઝને કારણે બગડી ત્યારે બંને સોનાલીને મંગળવારે વહેલી સવારે વોશરૂમમાં લઈ ગયા. બંને બે કલાક સુધી સોનાલી સાથે વોશરૂમની અંદર રહ્યા. બંને આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

પોલીસે કહ્યું કે સોનાલીની હત્યા પાછળનું કારણ આર્થિક હિત હોઈ શકે છે. સોનાલીના ભાઈ રિંકુ ઢાકાએ તેની ફરિયાદમાં આરોપ લગાવ્યો હતો કે સોનાલી ફોગાટની હત્યા તેના પીએ સુધીર સાંગવાન દ્વારા સોનાલીની સંપત્તિ પર કબજો કરવા અને સોનાલીની રાજકીય કારકિર્દી ખતમ કરવાના ઈરાદાથી સુખવિંદર સિંહ સાથે મળીને કરવામાં આવી હતી. સોનાલીના સંબંધી કુલદીપ ફોગાટે કહ્યું છે કે હત્યા પાછળ મિલકતનો વિવાદ છે. ગોવા પોલીસના આઈજી બિશ્નોઈએ કહ્યું કે દરેક એંગલથી મામલાની તપાસ કરવામાં આવશે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું ચોક્કસ કારણ દર્શાવવામાં આવ્યું ન હોવાથી વિસેરાની કેમિકલ તપાસ બાદ જ કારણ સ્પષ્ટ થશે.

સોનાલી ફોગાટની સોશ્યલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના ૮,૯૭,૦૦૦ ચાહકો હતા. તે જ સમયે તેના ટ્વિટર પર ૯,૦૪૮ ફોલોઅર્સ હતા. મૃત્યુના કલાકો પહેલાં પણ તેણે સોશ્યલ મીડિયા પર ઘણી પોસ્ટ કરી હતી. ગુલાબી પાઘડીમાં ઈન્સ્ટાગ્રામ પર ઘણા ફોટા અને વીડિયો શેર કરવામાં આવ્યા હતા અને તે બધામાં ખૂબ જ ખુશ દેખાતી હતી. સોનાલી ફોગાટના શુક્રવારે હરિયાણાના હિસારમાં અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. તેમનો મૃતદેહ ગોવાથી હિસાર સ્થિત તેમના ફાર્મ હાઉસમાં લાવવામાં આવ્યો હતો. સોનાલીની ૧૫ વર્ષની પુત્રી યશોધરાએ તેની માતાની ઠાઠડીને ખભા પર લીધી હતી. તેમના પાર્થિવ દેહને ભાજપના ઝંડામાં લપેટવામાં આવ્યો હતો. હરિયાણાના મુખ્ય પ્રધાન મનોહરલાલ ખટ્ટરે કહ્યું હતું કે જો સોનાલી ફોગાટનો પરિવાર સીબીઆઈની તપાસની માગણી કરશે તો તેના પર વિચાર કરવામાં આવશે.

ભાજપનાં નેતા સોનાલી ફોગાટના મોત મામલે વધુ એક ખુલાસો સામે આવ્યો છે. આરોપીઓએ સોનાલીને ગોવાની કર્લીઝ રેસ્ટોરન્ટમાં મેથામ્ફેટામાઈન નામનું ડ્રગ આપ્યું હતું. અંજુના પોલીસે કર્લીઝ રેસ્ટોરન્ટના વોશરૂમમાંથી ડ્રગ્સ કબજે કર્યું હતું. આ કર્લી રેસ્ટોરન્ટ ડ્રગ્સ અને બળાત્કાર માટે કુખ્યાત છે. આજથી ૧૪ વર્ષ પહેલાં ૧૬ વર્ષની બ્રિટીશ કન્યા સ્કારલેટ જોન્સની હત્યાને કારણે આ રેસ્ટોરન્ટ સમાચારોમાં ચમકી હતી. સ્કારલેટની હત્યા કરતાં અગાઉ પણ તેને ડ્રગ્સ આપવામાં આવી હતી અને તેના પર ગેન્ગરેપ કરવામાં આવ્યો હતો. આ દવાઓની તપાસ બાદ તે મેથામ્ફેટામાઈન હોવાનું બહાર આવ્યું છે.

પોલીસે સોનાલી ફોગાટના અંગત સહાયક સુધીર સાંગવાન, અન્ય સહયોગી સુખવિંદર સિંહ, રેસ્ટોરન્ટના માલિક એડવિન નુન્સ અને કથિત ડ્રગ સ્મગલર દત્તા પ્રસાદ ગાંવકરની ધરપકડ કરી છે. સુખવિન્દર અને સુધીર સાંગવાન સામે હત્યાની કલમો હેઠળ જ્યારે ગાંવકર અને નુન્સ સામે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે તપાસમાં જાણવા મળ્યું છે કે દત્તા પ્રસાદ ગાંવકરે કથિત રીતે સુખવિંદર સિંહ અને સુધીર સાંગવાનને માદક દ્રવ્યો સપ્લાય કર્યા હતા. દત્તા પ્રસાદ ગાંવકર અંજુના હોટેલનો કર્મચારી છે જ્યાં સોનાલી ફોગાટ રોકાઈ હતી. ગોવાની હોટેલના કર્મચારીઓ જ ડ્રગ્સ ઉપરાંત કોલગર્લ્સ સપ્લાય કરવાનાં કામ પણ કરતા હોય છે.

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓન ડ્રગ એબ્યુઝ (NIDA) અનુસાર મેથામ્ફેટામાઇન ખૂબ જ ખતરનાક અને શક્તિશાળી દવા છે. જો કોઈ તેને લે છે, તો તે ખૂબ જ ઝડપથી વ્યસની બની જાય છે. આનું કારણ એ છે કે મેથામ્ફેટામાઇન ડ્રગ વ્યસનીની સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ પર સીધી અસર કરે છે. મેથેમ્ફેટામાઈન એક પ્રકારની સ્ફટિક જેવી દવા છે. તે કાચના ટુકડા જેવું લાગે છે. તે ખૂબ જ ચમકદાર લાગે છે. મેથેમ્ફેટામાઈન દવા રાસાયણિક રીતે એમ્ફેટેમાઈન જેવી જ છે.

એમ્ફેટામાઇનનો ઉપયોગ અટેન્શન ડેફિસિટ હાયપર એક્ટિવિટી ડિસઓર્ડર (ADHD) અને નાર્કોલેપ્સીની સારવાર માટે દવા તરીકે થાય છે, જે સ્લીપ ડિસઓર્ડર છે. મેથેમ્ફેટામાઇન ડ્રગ્સના વ્યસનીઓ તેને ઘણી રીતે લે છે. ઘણાં લોકો તેને સિગારેટમાં ભરીને પીવે છે અને ધુમાડાનો નશો કરે છે અને કેટલાક તેને ગોળીની જેમ લે છે. ઘણા તેની નાક વડે ગંધ લે છે અને નશો કરે છે. તેને પાણી અથવા આલ્કોહોલમાં ઓગાળીને પણ પીવામાં આવે છે. સોનાલીને પાણીમાં ઓગાળીને આ ડ્રગ્સ આપવામાં આવી હતી. સોનાલીના પતિની હત્યાની જેમ તેની હત્યા પણ કદાચ કાયમ માટે રહસ્યમય જ બની રહેશે.

Most Popular

To Top