તિક ન્યાટ હન્હનો એંગેજ્ડ બુદ્ધિઝમ

તેમનું નામ તિક ન્યાટ હન્હ (Thich Nhat Hanh). વિયેતનામમાં સાધુને ‘તિક’ કહેવામાં આવે છે. સંસારનો ત્યાગ કર્યા પછી, નવા જીવનમાં ‘તિક’ તેની અટક બની જાય.  વિયેતનામી શાકય બૌદ્ધ સંપ્રદાયમાં, સાધુ-સાધ્વીઓને ‘તિક’ કહીને બોલાવવામાં આવે છે. ‘ન્યાટ’ એટલે ‘શ્રેષ્ઠ ગુણવત્તાવાળું’ અને ‘હન્હ’ એટલે ‘સારા સ્વભાવનું.’ તિક ન્યાટ હન્હના વિચારો અને સ્વભાવની ગુણવત્તા એટલી હતી કે તેમને ‘એંગેજ્ડ બુદ્ધિઝમ’ના જનક તરીકે દુનિયા ઓળખે છે.’એંગેજ્ડ બુદ્ધિઝમ’ એટલે સહભાગી બૌદ્ધવાદ. ગઈ ૨૨ જાન્યુઆરીએ, ૯૫ વર્ષની વયે, વિયેતનામના હુઈ શહેરમાં તિક ન્યાટ હન્હનું અવસાન થયું, ત્યારે દુનિયાભરમાં તેમના સમાચારમાં એંગેજ્ડ બુદ્ધિઝમ અને માઈન્ડફૂલનેસ પર બહુ ભાર આપવામાં આવ્યો હતો. માઈન્ડફૂલનેસ એટલે કોઈ લગાવ કે સારા-ખોટાના અભિપ્રાય વગર, વર્તમાનમાં જે થઇ રહ્યું હોય તેનું તટસ્થભાવે સાક્ષી બનવું તે.

એક વાર એક નાની છોકરીએ તેમને પૂછ્યું હતું કે તેનો પાળેલો કૂતરો મરી ગયો છે અને તેને તેની બહુ પીડા થાય છે, એમાંથી કેવી રીતે છુટાય? તિક ન્યાટ હન્હે, એ છોકરીને આકાશમાં અદ્રશ્ય થઇ જતા વાદળને જોવાનું કહ્યું હતું. વાદળ મરી ગયું ન હતું પણ વરસાદ બની ગયું હતું અને એ પાણી ચાના કપમાં ચા બની ગયું હતું. તિકે કહ્યું હતું, જેમ વાદળ બીજા કોઈ સ્વરૂપે જીવતું રહે છે, તેવું જ કૂતરાનું છે. આપણે જયારે ચા પ્રત્યે આવી જાગરૂકતા કેળવીએ, ત્યારે આપણને વાસ્તવિકતાના અસલી સ્વરૂપનો પરિચય થાય. તિક કહેતા હતા કે આ પ્રકારની માઈન્ડફૂલનેસ હશે તો દુનિયામાં વધુ શાંતિ આવશે.

એ તેમનું મેડિટેશન હતું. એ કહેતા હતા, “કશે દોડવાની, સંઘર્ષ કરવાની, શોધવાની જરૂર નથી. વર્તમાન ક્ષણમાં ઉપસ્થિત રહો, એ સૌથી ગહેરું મેડિટેશન છે. ક્યાંય જવાનું નથી એવા ભાવ સાથે ચાલતા રહેવાનું લોકોને અઘરું લાગે છે. લોકો નિર્વાણ મેળવવાની વાત કરે છે પણ આપણે નિર્વાણમાં જ છીએ.” આધ્યાત્મિક જીવન જીવતા લોકો પર એવો આરોપ લાગે છે કે તેઓ વર્તમાનની, સમાજની સમસ્યાઓથી દૂર, ખુદની શાંતિના સ્વાર્થમાં ડૂબેલા હોય છે. તિક ન્યાટ હન્હ બૌદ્ધ સાધુ હતા. તે નાનપણથી જ ધાર્મિક પરિવેશમાં જન્મ્યા હતા અને ઝેન શિક્ષણ મેળવ્યું હતું પરંતુ મોટા થઇને તેમને વિયેતનામની તેમ જ દુનિયાની, સામાજિક-રાજકીય સમસ્યાઓનો પરિચય થયો અને તેમણે તેમની આધ્યાત્મિકતાને સામાજિક ઉત્થાન સાથે જોડી દીધી હતી.

એંગેજ્ડ બુદ્ધિઝમનો જન્મ વિયેતનામ યુદ્ધવેળા થયો હતો. એક સમાચારપત્ર સાથેના ઇન્ટરવ્યૂમાં તિકે કહ્યું હતું, “લોકો પર બોમ્બ વરસતા હોય ત્યારે તમે આખો દિવસ મેડિટેશન રૂમમાં ભરાઈને ન રહી શકો. હું જયારે શીખાઉ હતો ત્યારે અમે યુવાન સાધુઓએ યુદ્ધના કારણે આવતી પીડા જોઈ હતી એટલે અમને થયું કે બૌદ્ધવાદનું અનુશીલન એવી રીતે કરવું જોઈએ જેથી તે સમાજ સાથે જોડાય. એ આસાન ન હતું કારણ કે અમારા સંપ્રદાયમાં એવા એંગેજ્ડ બુદ્ધિઝમની પ્રથા ન હતી એટલે અમે અમારી જાતે જ તેની શરૂઆત કરી.” એક વાક્યમાં એંગેજ્ડ બુદ્ધિઝમને સમજાવવું હોય તો- ઇન્ટ્રોસ્પેક્શનથી એક્શન સુધી. ટ્રાઈસિકલ નામના એક મેગેઝિનને આપેલા એક અન્ય ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું હતું, “મેડિટેશન એટલે વર્તમાન ક્ષણે તમારા શરીરમાં, વાતાવરણમાં, સંવેદનાઓમાં જે થઇ રહ્યું હોય તેનાથી જાગૃત થવું તે પરંતુ તમે તેને જોતા હો અને કશું કરો નહીં તો જાગૃતિ ક્યાંથી કહેવાય? એટલે મારે એવું કરવાનું હોય, જે મારા શરીર અને ચેતનામાં આનંદ અને શાંતિ તો લાવે, સાથે મારા પરિવારમાં, સમાજમાં અને પૃથ્વી પર પણ આનંદ અને શાંતિ લાવે.”

૧૯૬૪માં, તિક ન્યાટ હન્હે ‘એંગેજ્ડ બુદ્ધિઝમ’ નામના પુસ્તકમાં નિબંધો પ્રગટ કર્યા હતા. તેમાં તેમણે કહ્યું હતું કે બૌદ્ધ લોકોએ તેમના મેડિટેશન રૂમમાંથી બહાર સડકો પર આવીને લોકોની સેવા કરવાની જરૂર છે. હિંદુ અને બૌદ્ધ ચિંતનના પાયામાં વ્યક્તિનું કષ્ટ છે. માણસ જ્યાં સુધી જન્મ-મરણના ચક્રમાં ફસાયેલો રહે છે ત્યાં સુધી તે જીવનના કષ્ટમાંથી આઝાદ (નિર્વાણ) થતો નથી. એંગેજ્ડ બુદ્ધિઝમ વ્યક્તિગત કષ્ટથી આગળ જઈને સામાજિક કષ્ટની વાત કરે છે. એંગેજ્ડ બુદ્ધિઝમ કહે છે કે માણસ તેના અંગત કર્મથી તો કષ્ટ અનુભવે છે, સાથે તે સામાજિક વ્યવસ્થાથી પણ દુઃખી થાય છે. વ્યક્તિ અને સમાજ અલગ નથી એટલે આપણે બંનેની સમસ્યા ઉકેલવી જોઈએ. 

ડૉ. બાબાસાહેબ આંબેડકરે, ભારતમાં બૌદ્ધવાદને સામાજિક નિસ્બત સાથે જોડીને તેને વધુ વ્યવહારુ બનાવ્યો હતો. તિક ન્યાટ હન્હનો એંગેજ્ડ બુદ્ધિઝમ તેમની યુદ્ધ-વિરોધી ચળવળમાંથી આવ્યો હતો, જ્યારે આંબેડકરનો એંગેજ્ડ બુદ્ધિઝમ દલિતોના અન્યાયમાંથી આવ્યો હતો. આંબેડકરે બૌદ્ધવાદમાંથી જ સામાજિક નિસ્બતવાળું ચિંતન વિકસાવ્યું હતું. આંબેડકરે એક વાર કહ્યું હતું, “બુદ્ધની શિક્ષા શાશ્વત છે પણ બુદ્ધે ક્યારેય અફર હોવાનો દાવો કર્યો ન હતો. બૌદ્ધ ધર્મમાં, સમય પ્રમાણે બદલાવાની ક્ષમતા છે, જે ગુણ બીજા કોઈ ધર્મમાં નથી. બૌદ્ધ ચિંતનનો પાયો શું છે? તમે જો ધ્યાનથી અભ્યાસ કરો તો સમજાશે કે બૌદ્ધવાદનો આધાર વિવેક (રીઝન) છે. તેમાં જન્મજાત સ્થિતિસ્થાપકતા છે.” આંબેડકરના આ અભિગમમાંથી જ ભારતીય સમાજ માટે સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારાના વિચારો આવ્યા હતા. એંગેજ્ડ બુદ્ધિઝમનું એ ઉત્કૃષ્ટ રૂપ હતું.

એ સમજવું અગત્યનું છે કે મહાત્મા ગાંધીએ પણ તેમની આધ્યાત્મિકતાને સામાજિક બદલાવનું સાધન બનાવી હતી. તેઓ બૌદ્ધ ધર્મને અલગ ધર્મ ગણતા ન હતા પરંતુ તેને સનાતન હિંદુ પરંપરાને સુધારાવાની સાહસિક ચળવળ તરીકે જોતા હતા. ૨૦૦૫માં, અંગ્રજી પત્રકાર શેખર ગુપ્તાએ, દિલ્હીમાં ગાંધી સમાધિ પાસે, તિક ન્યાટ હન્હનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. તેમાં તેમણે એક ઠેકાણે કહ્યું હતું: “અહિંસાનો પ્રયોગ સૌથી પહેલાં તમારી જાત પર કરવો જોઈએ. તમને ખ્યાલ આવે કે તમારા શરીરમાં ટેન્શન છે, સ્ટ્રેસ છે, પીડા છે. તમે શરીર સાથે કોઈક હિંસા કરી હશે એટલે તમે કષ્ટ ભોગવો છો અને એટલા માટે સૌથી પહેલાં તમારે અહિંસાથી તેનો ઈલાજ કરવો પડે. એમાં તમે કામિયાબ રહો, તો તમારી અંદરની હિંસા, તમારા ક્રોધ, ડર, નિરાશા અને અકળામણનો ઈલાજ કરી શકો. તમને એ અહિંસાનો અભ્યાસ થાય, તો તમે સામૂહિક પીડાનો ઈલાજ કરી શકો. ‘પીડાની અચ્છાઈ’ નામની એક ધારણા છે. તમે જો તમારી પીડાની પ્રકૃતિમાં ગહેરાઈથી ઝાંખો તો એમાંથી ઘણું સમજવા મળે. એમાંથી ઈલાજ અને ઉપાય મળે. બીજાની પીડાને સમજવા માટે ખુદની પીડાને સમજો, તો કરુણા પેદા થાય અને તેમાંથી સુખનો રસ્તો મળે.”

Most Popular

To Top