વિશ્વના પ્રસિદ્ધ ગોલ્ફરોમાંના એક એવા અમેરિકાના ટાઇગર વુડ્સને મંગળવારે લોસ એન્જેલ્સ હાઇવે પર નડેલા એક કાર અકસ્માતમાં પગમાં મલ્ટિપલ ફ્રેકચર થયા હોવાના અહેવાલો છે. વુ઼ડ્સની એસયુવી કાર ઓવર સ્પિડ હતી અને તેના કારણે તે પહેલા ડિવાઇડર સાથે ભટકાઇ હતી અને ત્યાંથી ઉછળીને રોડની સામેની સાઇડ પર જઇને રસ્તાની બાજુ પર પલટી ખાઇને નીચે જતી રહી હતી.
એસયુવીની એરબેગ્સને કારણે ટાઇગર વુડ્સ બચી ગયો હતો, જો કે તેને પગમાં ઘણાં ફ્રેક્ચર થયા હોવાના અહેવાલો છે. દુર્ઘટના પછી ટાઇગર વુડ્સને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ લઇ જવાયો હતો, જ્યાં તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેના પગમાં પ્લેટ બેસાડવામાં આવી હોવાના અહેવાલો મળ્યા છે.
આ પહેલા લોસ એન્જેલસ કાઉન્ટી શેરિફ ડિપાર્ટમેન્ટે જણાવ્યું હતું કે અકસ્માત પછી વુડ્સને કારમાંથી બહાર કાઢવામા ઘણી સમસ્યા નડી હતી અને તેને મહામહેનતે બહાર કાઢવામાં આવ્યો હતો. તેની કારને ઘણું નુકસાન થયું છે. અકસ્માત સમયે વુડ્સ કારમાં એકલો જ હતો. એવું કહેવામાં આવ્યું છે કે વુડ્સ ફુલ સ્પીડે કાર ચલાવતો હતો અને એ દરમિયાન તેણે પોતાનો અંકુશ ગુમાવ્યો હતો.