Dakshin Gujarat

વલસાડ જિલ્લામાં આવેલું કણબી પટેલોનું સમૃદ્ધ ગામ એટલે તિઘરા

વલસાડ તાલુકાનું આંબાવાડીથી ગચ્છાદિત આહલાદક વાતાવરણ ધરાવતું ગામ કણબી પટેલોનું 385 હેક્ટરમાં પથરાયેલું ગામ એટલે તિઘરા. આ ગામનું ખાસ કૌઇ ઐતિહાસિક મહત્ત્વ ન હોવા છતાં આ ગામ ખૂબ જ મહત્ત્વનું ગણાય છે. આ ગામ એનઆરઆઇઓનું ગામ પણ કહેવાય છે. અહીંના કણબી પટેલ સમાજના 99 ટકા ઘરના સભ્ય વિદેશમાં વસ્યા છે. એ સિવાય અહીંના પટેલો ઉદ્યોગ-વેપાર સાહસિકો છે. અહીંના પટેલ યુવાનો અનેક મોટા મોટા વેપાર સાથે જોડાયેલા છે. અહીંની મહિલા ઉદ્યોગપતિ પણ છે. તેમજ અહીં આંબાની મોટી ખેતી પણ છે. જેના કારણે આ ગામ સમૃદ્ધ બન્યું છે. સુઘડ અને સ્વચ્છ ગામ, શુદ્ધ પીવાનું પાણી તેમજ શાંતિપ્રિય માહોલ ગામને વિશેષ બનાવે છે. ગામના મહત્તમ લોકો અમેરિકામાં જઇને વસ્યા છે. આ ગામમાં કણબી પટેલો સિવાય આદિવાસીઓની વસતી પણ છે. આ સિવાય અહીં મુસ્લિમોની પણ વસતી છે. નાનકડા અને શાંતિપ્રય આ ગામના મહત્તમ લોકો ખેતી અને યુવાનો આજુબાજુમાં ચાલતી કંપનીઓની નોકરી પર નભી રહ્યા છે. ગામમાં મહત્તમ આંબાવાડી છે. તેમજ કેટલાક ખેડૂતો ડાંગરનો પાક પણ લઇને પોતાનું ગુજરાન ચલાવે છે. આ ગામનું ધ્યાન ખેંચે એવો અહીં પ્રિવેડિંગ સ્ટુડિયો બન્યો છે. જે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં પ્રખ્યાત છે. આ સ્ટુડિયો ગામની અંદર બીજા જ ગામનો અનુભવ કરાવે છે. અહીં પ્રાથમિક જરૂરિયાતની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. ગામમાં સરકારી સ્કૂલ, હોસ્પિટલ તેમજ ગામના ટ્રસ્ટ દ્વારા ચલાવાતું ખાનગી દવાખાનું પણ છે. જેનો લાભ ગ્રામજનોને મળી રહ્યો છે. તિઘરાની આજુબાજુના ગામનું ઔદ્યોગિકરણ થઇ રહ્યું છે, પરંતુ આ ગામ હજુ સુધી ઔદ્યોગિકરણથી બચી રહ્યું છે. વલસાડથી 10 કિમીના અંતરે આવેલા આ ગામમાં જઇએ તો અનોખી અનુભૂતિ થાય છે. આ ગામને ગુજરાતના પ્રથમ વાઇફાઇ ગામ તરીકે પણ ઓળખવામાં આવે છે. ગામના અગ્રણીઓએ એનઆરઆઇ રહીશો માટે ગામને 15 વર્ષ અગાઉ વાઇફાઇ બનાવ્યું હતું. જેના કારણે પણ ગામની ખ્યાતિ વધી ગઇ હતી.

ગામને સ્ટ્રીટ લાઇટ અને ફૂલ-ઝાડથી સુશોભિત કરાશે: સરપંચ


ગામનાં સરપંચ ભાવિનીબેન શશિકાંતભાઇ પટેલે જણાવ્યું કે, હાલ ગામમાં તમામ પ્રાથમિક જરૂરિયાત પૂરી પાડવામાં આવી છે. ગામમાં રસ્તા, પાણી અને ગટરની યોગ્ય સુવિધા છે. વરસાદનું પાણી કશે ભરાતું નથી. ત્યારે હવે આખા ગામમાં સ્ટ્રીટ લાઇટ લગાવવાનો અને ગામના માર્ગની આજુબાજુ રંગબેરંગી ફૂલ સાથેનાં મોટાં કુંડાં લગાવી ગામને સુશોભિત કરવાનું આયોજન થઇ રહ્યું છે. આ આયોજન લોકભાગીદારીથી થઇ રહ્યું છે. આ સિવાય ગામના એકમાત્ર તળાવને પણ સુશોભિત કરવા સરકારમાં રજૂઆત થઇ છે. સરકારની ગ્રાન્ટ મળે તો આ તળાવનો વિકાસ કરી પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવાનું આયોજન થઇ રહ્યું છે. જો કે, ગામની મેમરીલેન્ડ ફિલ્મ સિટી ગામને અલગ ઓળખ આપી જ રહ્યું છે. અહીં મુંબઇથી લઇ સુરત સુધીના લોકો ફોટો પડાવવા આવી રહ્યા છે.
ગામના બે મંદિર આસ્થાનું કેન્દ્ર


તિઘરા ગામે આસ્થાનાં પ્રતીક એવાં બે જ મંદિર છે, જેમાં એક પાદરદેવી માતાનું મંદિર અને બીજું છે હનુમાનજી મંદિર. આ બંને મંદિર આસ્થાનું પ્રતીક બન્યાં છે. અહીં દર વારે તહેવારે અનેક ધાર્મિક પ્રસંગોની ઉજવણી થતી રહેતી હોય છે, જેમાં ગામ લોકો ભક્તિભાવથી જોડાતા હોય છે. ગામની એકતામાં આ મંદિરો ખૂબ જ મહત્ત્વનો ભાગ ભજવી રહ્યા છે.
મેમરીલેન્ડ ફિલ્મ સિટી ગામની ઓળખ બની છે


વલસાડના તિઘરા ગામે પ્રિવેડિંગ શુટિંગ માટે મેમરી લેન્ડ ફિલ્મ સિટી ગામની ઓળખ બની છે. આ સ્ટુડિયો છેલ્લાં બે વર્ષથી શરૂ થયો છે. ગામના જ ઉદ્યોગ સાહસિક કેતનભાઇ પટેલે આ સ્ટુડિયો ચાલુ કર્યો છે, જેમાં અનેક યુવા કપલો પ્રિવેડિંગ ફોટો શુટ કરવા આવે છે. જેના કારણે ગામને અલગ ઓળખ મળી છે. આ સ્ટુડિયો નાનકડો નહીં, પરંતુ મોટા ખુલ્લા વિસ્તારમાં પથરાયેલો છે, જેમાં ગામડાની થિમ તો બનાવાઇ છે, પરંતુ સાથે સાથે રાજસ્થાનના જોધપુર સ્ટ્રીટ, વિદેશની યુરોપિયન સ્ટાઇલ સ્ટ્રીટ, દુબઇની થિમ વગેરે બનાવાઇ છે. આ સ્ટુડિયોમાં પ્રિવેડિંગ સાથે ફિલ્મી અથવા અન્ય આલ્બમોનું શુટિંગ પણ થઇ રહ્યું છે, જેમાં મુંબઇ જ નહીં, પરંતુ યુપી-બિહારથી ભોજપુરી સોંગનાં શુટિંગ માટે પણ કલાકારોની ટીમ આવી રહી છે. જેના કારણે ગામને સારો બિઝનેસ મળી રહ્યો છે. આ સ્ટુડિયોમાં ગામના જ યુવાનો કામ કરે છે. જેના કારણે ગામના યુવાનોને રોજગારી પણ મળી રહી છે. તેમણે રોજગારી માટે બહાર જવું પડતું નથી. સ્ટડિયોમાં નાનકડું કેફે પણ છે. જેના કારણે સ્ટુડિયોમાં આવતા લોકોને અહીં જ સુવિધા મળી રહે છે. આ સ્ટુડિયોમાં જઇએ તો તિઘરા ગામમાંથી યુરોપિયન ગામમાં કે દુબઇના ગ્રામ્ય વિસ્તારમાં આવ્યા હોય એવું લાગે છે. હાલ આ સ્ટુડિયો ગામની ઓળખ બન્યો છે.
અમારા ગામમાં પર્યાવરણને નુકસાન થાય એવાં કોઈ કાર્યો હજુ સુધી થયાં નથી: કેતન પટેલ


તિઘરા ગામના આંત્રપ્રિન્યોર એવા કેતનભાઇ પટેલે જણાવ્યું કે, ગામના કુદરતી સૌંદર્યને જાળવવામાં ગ્રામજનો સફળ થયા છે. ગામના સૌંદર્યને નુકસાન થાય, પર્યાવરણને નુકસાન થાય એવાં કોઇ કાર્યો હજુ સુધી થયાં નથી. ગામના લોકોની મહત્તમ જરૂરિયાત માટે ગામના લોકો સાથે વિદેશ સ્થાયી થયેલા વતનીઓ પણ હંમેશાં તૈયાર રહે છે. જેના કારણે ગામની સુંદરતા જળવાઇ રહી છે.
આખું ગામ પાણી માટે પણ સ્વનિર્ભર
તિઘરા ગામ પાણી માટે પણ સ્વનિર્ભર છે. ગામમાં 13 ફળિયાં છે. જેની સામે 13 ટાંકી બનાવાઇ છે. બેથી ત્રણ ફળિયાં વચ્ચે એક ટાંકી ફાળવી દેવાઇ છે, જેમાં બોરિંગ કરી મોટર વડે પાણી પહોંચાડાય છે અને ટાંકીમાંથી ઘરે ઘરે પાણી પહોંચે છે. ગામમાં નલ સે જલ યોજના અંતર્ગત નહીં, પરંતુ પોતાના દ્વારા જ મહત્તમ ઘરોમાં નળ લગાવાયા છે. ગામમાં પાણી પુરવઠા યોજનાનું પાણી આવે છે, પરંતુ તેના બદલે તેઓ પોતે બનાવેલી ટાંકી પર જ નિર્ભર રહે છે. તિઘરા ગામ પોતાનામાં એક સ્વનિર્ભર ગામ બની રહ્યું છે.
2011માં બન્યું હતું ગુજરાતનું પ્રથમ વાઇફાઇ ગામ


વલસાડ તાલુકાનું તિઘરા ગામ વર્ષ-2011માં વાઇફાઇ અને સીસીટીવી કેમેરાથી સજ્જ ગામ બન્યું હતું. આ ગામના મહત્તમ લોકો વિદેશમાં રહે છે. ગામમાં તેમનાં માતાપિતા રહે છે. વિદેશ જવા છતાં તેમના ગામનું એટલું જ વળગણ હતું. આ સિવાય તેઓ જ્યારે ગામમાં આવે ત્યારે તેમને ઇન્ટરનેટની જરૂર રહેતી હોય છે. જેના કારણે તેમણે ગામને વાઇફાઇથી સજ્જ કર્યું હતું. તેમજ આખા ગામમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હતા. જેના કારણે તેઓ ઇચ્છે ત્યારે ગમે ત્યાંથી પોતાના મોબાઇલ અને કમ્પ્યુટર પર જ ગામનાં દૃશ્યો નિહાળી શકતા હતા, જેમાં ખાસ કરીને કોઇનાં લગ્ન હોય કે ગામનો કોઇ અન્ય પ્રસંગ તેઓ વર્ચ્યુઅલી તેમાં ભાગ લઇ શકતા હતા. જો કે, હવે ગામના મહત્તમ ઘરોની બહાર કેમેરા લાગી ગયા છે. જેના કારણે તેઓ દુનિયાભરમાંથી પોતાના ગામના અનેક વિસ્તાર જોવા મળે છે.

Most Popular

To Top