પારડી : પારડીની (Pardi) ફાઉન્ટન હોટલ (Hotel) પાસે વન્યપ્રાણી વાઘના ચામડાનું (Tiger skins) વેચાણ કરતી ગેંગ ફરતી હોવાની બાતમીના આધારે વડોદરાના પ્રાણી ક્રુરતા નિવારણના સભ્યએ વન વિભાગ વાપી, કપરાડા, સંજાણ, ફતેપુરના આરએફઓ અને પારડીની ટીમને સાથે રાખી 5 ઈસમને ફાઉન્ટન હોટલ પાસેથી ઝડપી લીધા હતા.
વડોદરાના પ્રાણી ક્રુરતા નિવારણના સભ્ય વડોદરાના રમેશભાઈને બાતમી મળી હતી કે પારડીની ફાઉન્ટન હોટલ પાસે વન્યપ્રાણીના ચામડાનું વેચાણ કરવા ગેંગ આવવાની છે. આ બાતમીના આધારે વડોદરાના પ્રાણી ક્રુરતા નિવારણના સભ્ય રમેશભાઈએ વન વિભાગ વાપી, કપરાડા, સંજાણ, ફતેપુરના આરએફઓ અને પારડીની ટીમને સાથે રાખી 5 ઈસમને ફાઉન્ટન હોટલ પાસેથી ધરપકડ કરી પારડી વન વિભાગની કચેરી ખાતે લઇ આવ્યા હતા.
આ પાંચેય ઈસમની પૂછપરછ કરતા અન્ય ઇસમના નામ ખુલ્યા હતા. જેમાં તપાસ હાથ ધરતા વાઘના ચામડા જેવા બનાવટી ચામડાં સાથે વાંસદાના એક ઈસમ સહિત કપરાડા, બાલદા, પારડી, વાપીના 8 ઈસમને બોલાવી પારડી રેંજ ફોરેસ્ટ ઓફિસર ડી.ટી. કોંકણીએ પૂછપરછ કરી હતી. જે વાઘના ચામડા જેવા બનાવટી ચામડાંનો કબ્જો લઇ પારડી વેટરીનરી ડોક્ટરના પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે ચામડું વન્યપ્રાણી વાઘનું નહીં હોવાનું જાણવા મળ્યું હતું. હવે આ અંગે પારડી રેન્જ ફોરેસ્ટ ઓફિસરે એફએસએલને સેમ્પલો મોકલાવી રિપોર્ટ આપ્યા બાદ જ સાચી હકિકત બહાર આવશે. ત્યારે હાલ તો પારડી, કપરાડા, બાલદા, વાપી, વાંસદા સહિત 8 ઇસમના નિવેદનો લઇ બાંહેધરી આપી છોડી દેવાયા હતા.
માંડવીના બૌધાન ગામે કબ્રસ્તાનની દીવાલ પર દીપડો દેખાતાં લોકોમાં ભયનો માહોલ
માંડવી: માંડવી તાલુકામાં છેલ્લા ઘણા સમયથી દીપડાઓનો ત્રાસ વધી ગયો છે. ત્યારે બૌધાન ગામે કબ્રસ્તાનની દીવાલ પર રાત્રિ દરમિયાન દીપડો દેખાતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર માંડવી તાલુકામાં જંગલ વિસ્તારમાં ઘટાડો થતાં વન્યપ્રાણીઓ માનવ વસાહત ભણી આવી રહ્યાં છે. માંડવીના વરેલી કમલાપોર, પીપળિયા, ખંજરોલીમાં પણ દીપડા દેખાવાની અને પાંજરે પુરાવાની ઘટનાઓ કંઈ નવી નથી. ઘણીવાર તો મોડી રાતે બચ્ચાં સાથે જ દીપડો લટાર મારતો જોવા મળે છે. ત્યારે દીપડાને પકડવા માટે વનવિભાગ પણ સક્રિય છે.
વનવિભાગ દ્વારા હિંસક પ્રાણીઓથી બચવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં માર્ગદર્શન પણ આપવામાં આવે છે. જેને કારણે લોકો અને વન્યપ્રાણીઓ વચ્ચે સંઘર્ષમાં ઘટાડો થયો છે. દીપડા ખેતરોમાંથી રહેણાક વિસ્તારમાં શિકારની શોધમાં આવી રહ્યા છે. દરમિયાન બૌધાન ગામે રાત્રિ દરમિયાન દીપડો કબ્રસ્તાનની દીવાલ પર ઊભેલો નજરે ચઢ્યો હતો. જેને ત્યાંથી પસાર થતાં એક કારચાલકે કેમેરામાં કેદ કરી લીધો હતો. કારની લાઇટ સામે પડતાં જ દીપડો કબ્રસ્તાનની દીવાલની નીચેની તરફ ધસી પલાયન થઈ ગયો હતો. આ વિડીયો ફરતો થતાં લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.