Charchapatra

ટિફીન લાગણી

કેટલાક સમય અગાઉ ડૉ.પલ્લવી બેનનું ટિફીન વિશેનું ચર્ચાપત્ર યાદ આવી ગયું. સાચવી પણ રાખેલુ. ભોજનમાં આવતા વિટામિનો સાથે સાથે માનવ દેહ માટે ભોજન પચાવવા માટે  શરીરમાં આવેલી રસગ્રંથીઓની સક્રિયતા પણ એટલી જ મહત્ત્વની છે અને આને માટે સૌથી અસરકારક પરિબળ છે, માનવીનું મગજ આને માટે માત્ર માનસિક શાંતિ જ નહી, પણ આજુબાજુનું વાતાવરણ પણ જો આનંદમય હોય તો સોનામાં સુંગધ ઉમેરાઈ જાય. એક રસોઈ બનાવનારનું માતાનું સ્વરૂપ. મહાભારતની વિવિધ લોકવાયકામાં એક વાત એવી પણ છે કે ભીમ ભલે ગમે તેટલું ખાય, પરંતુ જ્યાં સુધી કુંતામાતાના હાથનો એક કોળીઓ ન ખાય ત્યાં સુધી એને ધરવ ના થાય.

વળી એક સુભાષિતમાં પત્નીની વિશેષતા ‘‘ભોજનેશુ માતા’’ કહીને પણ લખાયું છે મૂળ વાત પર આવીએ તો ભોજનની સામગ્રી ઉપરાત ભોજન બનાવનાર, ડાઈનીંગ ટેબલ પરનું વાતાવરણ જેવી અનેક બાબતો વર્તમાન ‘‘યાંત્રીક યુગ’’ માં અદૃશ્ય થતી જાય છે, તો સંભવ હોય તેટલું આને માટે કરીએ. ગૃહસ્થનો નોકરીનો સમય, પૂત્ર-પુત્રીઓનો શાળા-કોલેજનો સમય આ બધાને કારણે બપોરનું ભોજન તો સાથે લેવું અઘરુ છે, પરંતુ રાત્રી ભોજન, સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ તો ‘‘વાળુ’ સૌ ભેળા મળીને કરીએ તો!’’ જો આ પણ શક્ય ના હોય તો દર રવિવારે તો આ થઈ જ શકે ને?
સુરત     – ચેતન સુશીલ જોષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top