ચૂંટણીના પરિણામો અને જીએસટીની વિક્રમી રેવેન્યુ વચ્ચે ભરતીય શેરબજાર અથડાતું જોવા મળ્યું

ભારતીય શેરબજાર (INDIAN STOCK MARKET)માં પશ્ચિમ બંગાળ (WEST BENGAL) સહિતના રાજ્યોની ચૂંટણીના પરિણામો (ELECTION RESULT) જાહેર થયા છે, તેમાં ખાસ કરીને પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામોની અસર શેરબજારમાં જોવા મળી હતી. આજે શરૂઆતમાં વૈશ્વિક નબળા સંકેતોની પાછળ ભારતીય શેરબજાર ઘટાડા સાથે ખુલ્યું હતું, જોકે, મિડ સેસન્સ (SENSEX)માં બાઉન્સ બેક રહેતાં અંતે શેરબજારમાં સામસામી વલણ જોવા મળ્યું હતું. જોકે, રોકડાના પસંદગીના શેરોમાં આજે લેવાલીના પગલે શેરોમાં મજબૂતાઇ જોવા મળી હતી.

કોરોના (CORONA)નો બીજા વેવના વધી રહેલા કેસો ચિંતા વધારી રહી છે, અને ચૂંટણીના પરિણામો આવી ગયા બાદ ફરી એકવાર લોકડાઉન (LOCK DOWN)ની વાતો વહેતી થઇ હોવાના કારણે રોકાણકારોમાં ચિંતા ઉભી થઇ હતી, પરંતુ શરૂઆતી કડાકા બાદ શેરબજારમાં નીચા મથાળેથી લેવાલીએ બજારમાં રીકવરી આવી હતી અને એક તબક્કે બજારમાં પોઝિટિવ વલણ જોવાયું હતું, પરંતુ છેલ્લે સેન્સેક્સ અને નિફ્ટી સામસામી રાહ પર સપાટ બંધ રહ્યા હતા. જેમાં નિફ્ટી પોઝિટિવ રહી હતી, જ્યાર સેન્સેક્સ નેગેટિવ જોવાયો હતો. મેક્રો ઇકોનોમી દ્રષ્ટિએ એપ્રિલ મહિનાનો મેન્યુફેકચરીંગ પીએમઆઇ ઇન્ડેક્સ 55.5 રહ્યો હતો. જે ગત મહિને 55.4નો હતો. મેન્યુફેકચરીંગ સેકટરમાં ખાસ કરીને હેલ્થકેર સેકટરમાં જોરદાર માગ રહી હતી, જેની અસર પીએમઆઇ ઇન્ડેક્સ પર જોવા મળી હતી. આ ઉપરાંત, જીએસટી રેવન્યુ 141384 કરોડની થવા પામી છે. જે અત્યાર સુધીમાં વિક્રમી આવક છે. જેની બજારમાં પોઝિટિવ સંકેત ગણી શકાય. આમ, આજે બજારમાં પોઝિટિવ તથા નેગેટિવ કારણો વચ્ચે ઝોલાં ખાતું જોવા મળ્યું હતું. જોકે, ઇન્ડેક્સ બેઝડ શેરોમાં વેચવાલી ચાલુ રહેવા પામી હતી.

ભારતીય શેરબજારમાં સેન્સેકસ 63.84 પોઇન્ટ એટલે કે 0.13 ટકા વધીને 48718.52 પોઇન્ટના મજબૂત બંધ રહ્યા હતા. આજે ઇન્ટ્રાડેમાં સેન્સેક્સ 48863 પોઇન્ટ સુધી ઉછળ્યો હતો, જ્યારે નીચામાં 48028 પોઇન્ટ સુધી ઘટયા હતા. નિફ્ટીમાં 3.05 પોઇન્ટ સુધરીને 14634.15 પોઇન્ટની સપાટ બંધ રહી હતી. આજે ઇન્ટ્રાડેમાં નિફ્ટી 14674 પોઇન્ટ સુધી ઉછળી હતી, જ્યારે નીચામાં 14416 પોઇન્ટ સુધી તૂટી હતી. બેન્ક નિફટીમાં 316.05 પોઇન્ટ એટલે કે 0.96 ટકા ઘટીને 32465.75 પોઇન્ટના નરમ બંધ રહ્યા હતા. આજે ઇન્ટ્રાડેમાં બેન્ક નિફ્ટીએ 32000 પોઇન્ટની સપાટી તોડી હતી. બોર્ડર માર્કેટમાં પસંદગીના શેરોમાં ખરીદી જોવા મળી હતી. ખાસ કરીને કંપનીઓના કવાર્ટરલી પરિણામો અંદાજ મુજબના જાહેર થયા હતા, જેની પોઝિટિવ અસર જોવા મળી હતી. જેના પગલે બીએસઇ મિડકેપ ઇન્ડેક્સ 0.05 ટકા સુધર્યો હતો, જ્યારે બીએસઇ સ્મોલકેપ ઇન્ડેક્સ 1.57 ટકા વધ્યો હતો. જેના લીધે માર્કેટ બ્રેડથ પણ પોઝિટિવ જોવાયું હતું. બીએસઇ ખાતે 1826 શેરો વધ્યા હતા, જ્યારે 1217 શેરો ઘટયા હતા અને 171 શેરો યથાવત રહ્યા હતા.

બીએસઇના એ ગ્રુપના શેરોમાં ટોપ ગેઇનર્સમાં ધામપુર સુગર 19.95 ટકા વધીને રૂ. 272.40, બજાજ હિન્દુસ્તાન 19.94 ટકા વધીને રૂ. 8.72, દ્વારકેશ સુગર 19.90 ટકા વધીને રૂ. 50.30, તાતા મેટાલીક 19.28 ટકા વધીને રૂ. 1257, રિલાયન્સ ઇન્ફ્રા 18 ટકા વધીને રૂ. 50.15, ઉષા માર્ટીન 17.37 ટકા વધીને રૂ. 56.75 અને ઇઆઇડી પેરી 17.07 ટકા ઉછળીને રૂ. 405નો ભાવ બોલાતો હતો. બીએસઇના બી ગ્રુપના શેરોમાં ટોપ ગેઇનર્સમાં મોદીસન મેટલ્સ 20 ટકા ઉછળીને રૂ. 62.70, તાતા સ્ટીલ બીએસએલ 19.99 ટકા ઉછળીને રૂ. 86.75, કેસીપી સુગર 19.99 ટકા વધીને રૂ. 21.25, કાકટીયા સીમેન્ટ 19.98 ટકા વધીને રૂ. 226.40, શક્તિ સુગર 19.93 ટકા વધીને રૂ. 13.06 અને કે એમ સુગર 19.87 ટકા વધીને રૂ. 19.85નો ભાવ બોલાતો હતો.

બીએસઇના એ ગ્રુપના શેરોમાં ટોપ લુસર્સમાં એયુ સ્મોલ બેન્ક 7.82 ટકા ઘટીને રૂ. 925, આસ્ટેક 6.97 ટકા ઘટીને રૂ. 1074.10, સનટીવી 6.68 ટકા ઘટીને રૂ. 507.60, કેનફીન હોમ્સ 5.58 ટકા ઘટીને રૂ. 547 અને રિલાયન્સ પીપી 5.27 ટકા ઘટીને રૂ. 1016.70નો ભાવ બોલાતો હતો. બીએસઇના બી ગ્રુપના શેરોમાં ટોપ લુસર્સમાં કીનોટ ફાઇ. 8.99 ટકા ઘટીને રૂ. 55.70, બેસ્ટ એગ્રો 6.74 ટકા ઘટીને રૂ. 383.40, થ્રીપી લેન્ડ 5.16 ટકા ઘટીને રૂ. 10.29, આરએમએલ 5.08 ટકા ઘટીને રૂ. 328.90નો ભાવ બોલાતો હતો. બીએસઇ ખાતે મેરિકો 7.85 ગણા એટલે કે 6.83 લાખ શેરોના કામકાજ સાથે 8.38 ટકા વધીને રૂ. 446.15, લાર્સન એન્ડ ટુબ્રો 3.5 ગણા એટલે કે 3.77 લાખ શેરોના કામકાજ સાથે 0.95 ટકા ઘટીને રૂ. 1327.50, એડલવેઇઝ ફાઇ. 2.92 ગણા એટલે કે 3.98 લાખ શેરોના કામકાજ સાથે 1.20 ટકા ઘટીને રૂ. 57.70, કેપીઆર મીલ 2.85 ગણા એટલે કે 24194 શેરોના કામકાજ સાથે 11.37 ટકા વધીને રૂ. 1535, ઇઆઇડી પેરી 2.51 ગણા એટલે કે 11.27 ટકા વધીને રૂ. 384.95નો ભાવ બોલાતો હતો. એનએસઇ ખાતે મેરિકો 10.15 ગણા એટલે કે 1.85 કરોડ શેરોના કામકાજ સાથે 8.23 ટકા વધીને રૂ. 445.30, ધાનુકા એગ્રો 9.37 ગણા એટલે કે 8.12 લાખ શેરોના કામકાજ સાથે 6.07 ટકા વધીને રૂ. 815.50, શ્રીરામ સીટી યુનિયન 7.89 ગણા એટલે કે 1.59 લાખ શેરોના કામકાજ સાથે 8.87 ટકા વધીને રૂ. 1530.45, ઇઆઇડી પેરી 7.79 ગણા એટલે કે 53.18 લાખ શેરોના કામકાજ સાથે 11.04 ટકા વધીને રૂ. 384.40 અને કેઆરબીએલ 7.59 ગણા એટલે કે 25.29 લાખ શેરોના કામકાજ સાથે 8.64 ટકા વધીને રૂ. 200.55નો ભાવ બોલાતો હતો.

વૈશ્વિક બજારોમાં આજે એશિયન બજારો લાલ નિશાનમાં બંધ રહ્યા હતા. આજે ચીન અને જાપાનના બજારો બંધ રહ્યા હતા. જ્યારે યુરોપિયન બજારોમાં સુધારા તરફી વલણ જોવાયું હતું. અમેરિકન બજારોમાં ગત શુક્રવારે નરમ રહ્યા હતા. યુરોપિયન બજારોમાં એફટીએસઇ 0.12 ટકા, કેક 0.13 ટકા, અને ડેક્સ 0.29 ટકા સુધારા સાથે ચાલી રહ્યા છે. જ્યારે એશિયન બજારોમાં સ્ટ્રેઇટસ 1.04 ટકા, હેંગસેંગ 1.28 ટકા, તાઇવાન 1.96 ટકા, કોસ્પી 0.66 ટકા, જાકાર્તા 0.72 ટકા ઘટાડા સાથે બંધ રહ્યા હતા. જાપાનનો નીક્કી અને ચીનનો શાંઘાઇ બજારો બંધ હતા.

Related Posts