Charchapatra

ટિકિટ ચેકિંગ ફરજિયાત

તા. 3.10.23 ‘ગુજરાતમિત્ર’ના પાના નં. 7 ઉપર સમાચાર છે કે સિટી બસમાં એક મુસાફર પણ ટિકિટ વિના પકડાશે તો એજન્સીને આખી બસનો એટલે કે 25 સીટની પેનલ્ટી કરવામાં આવશે. સમાચાર વાંચીને ખૂબ હસવું આવ્યું. કારણ કે ટીકીટ વિનાના મુસાફરને પકડશે જ કોણ? દંડ તો ત્યારે થાય જયારે કોઇ પકડાય. અહીંયા તો સુપરવાઇઝર દેખાતા જ નથી અને જે છે તે ફકત દેખાડો કરે છે તો પકડશે કોણ? અગર ખરેખર ભ્રષ્ટાચાર દૂર કરવો હોય તો દરેક સીટી બસમાં ડ્રાયવરની સીટની સામેની બાજુ સીસીટીવી લગાવો જેથી કંડકટર ટીકીટ કાપે છે કે ગજવાં ભરે છે તે પકડાઇ જાય.

બીજું, ઘણા સમયથી સેન્ટ્રલ બસ સ્ટોપ પાસે ડઝનબંધી કંડકટર ટીકીટ કાપતાં નજરે પડે છે તો આ બધા કંડકટર પાસે જે મશીન છે તે નોંધણી થયેલ છે કે કેમ? બીજું, સીટી બસ ગમે ત્યાંથી સેન્ટ્રલ બસ સ્ટેન્ડ પાસે આવે તો ત્યાં ખાસ ટીકીટ ચેકીંગ સુપરવાઇઝર ફરજીયાત હોવા જોઇએ અને બહારથી આવતી દરેક બસ એક ખાસ પોઇન્ટ પર ઊભી રહેલી હોવી જોઇએ કે જયાંથી પેસેન્જર ઊતરે અને સુપરવાઇઝર ટીકીટ ચેક કરે અને ત્યાં પણ સીસીટીવી લાગેલા હોય તો કોણ ખુદા છે અને કોણ ખુદાબક્ષ તે ખબર પડી જાય.
સુરત              – યશવંત મ. પારેખ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

કયાં છે એ નેકી?
ભારત પાકિસ્તાન ક્રિકેટ મેચ દરમિયાન હાઉસફુલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ હતું. જાણે કીડિયારું ઉભરાયું. કલાકોના કલાકો બેસી મેચ જોવાની, ગરમી પણ ખરી. પાણીનો શોષ સ્વાભાવિક પડે. સુરતથી એક મિત્ર મેચ જોવા ગયા હતા. તેમણે પીવાના પાણીની બોટલના રૂપિયા 100 ચુકવ્યા. પરિસ્થિતિનો ગેરલાભ અને પાવડે પાવડે પૈસા ઓસડી લેવાની નીતિ. કયાં ક્ષેત્રમાં આવું નથી બનતું? તાજેતરમાં સુરતે નવરાત્રી ઉજવી.

ત્યાં પણ તોલમાપ વિભાગે છાપેલ કિંમત કરતાં વધારે કિંમત ગ્રાહકને લૂંટી લેવાની, સંજોગ અને સમયનો મહત્તમ લાભ ઉઠાવી ગ્રાહકને ભોગ બનાવાય છે. નીતિમત્તા ટોલ્લે ચઢાવી દેવાઇ. સૂરતના નૂરા ડોસાની કેરોસીનની દુકાન ભાગળ પર હતી. નાનો છોકરો પણ કેરોસીન લેવા જાય તો પૂરતું માપ અને પરત કરવાનાં નાણાં પૂરા અપાતા. મતલબ બાળકો, કિશોરો સુધ્ધાં છેતરાતા નહિ. એ હતી નેકી. અને આજે હવે…!?
સુરત              – કુમુદભાઇ બક્ષી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top