ચીનની સંસદે આજે સરકારની ૧૪મી પંચવર્ષિય યોજનાને બહાલી આપી હતી, જે જંગી યોજનામાં અબજો રૂપિયાના પ્રોજેક્ટોનો સમાવેશ થાય છે, જેમાં તિબેટમાં અરૂણાચલ પ્રદેશની સરહદ નજીક વિવાદાસ્પદ હાઇડ્રોપાવર પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે જેના કારણે ભારતની ચિંતાઓમાં વધારો થયો છે.
બે હજાર કરતા વધુ સભ્યો ધરાવતી ચીનની સંસદ નેશનલ પીપલ્સ કોંગ્રેસ(એનપીસી)ના સભ્યોએ આજે આ સંસદના છ દિવસના સત્રના છેલ્લા દિવસે ૧૪મી પંચવર્ષિય યોજનાને મંજૂરી આપી હતી જેમાં દેશના અર્થતંત્રના અને સામાજીક વિકાસના કાર્યોનો સમાવેશ થતો હતો એવો હેવાલ સરકારી મીડિયાએ આપ્યો હતો. જેમાં ચીની પ્રમુખ ઝી જિનપિંગ, વડાપ્રધાન લી કેકીઆંગ તથા અન્ય વરિષ્ઠ નેતાઓની પણ હાજરી હતી તેવી સંસદની આ બેકઠે ચીનના વિકાસને વેગ આપવા માટેની ૬૦ દરખાસ્તોને મંજૂરી આપી હતી.
આ ૧૪મી પંચ વર્ષીય યોજનામાં બ્રહ્મપુત્રા નદીના ઢાળવાળા પ્રદેશ પર બંધ બાંધવાની યોજનાનો પણ સમાવેશ થાય છે જે યોજના સામે ભારત અને બાંગ્લાદેશ, કે જેઓ બંને બ્રહ્મપુત્રાના નીચાણવાળા વિસ્તારો ધરાવે છે તેમણે ચિંતાઓ વ્યક્ત કરી છે. જો કે ચીને આ ચિંતાઓને નકારતા કહ્યું હતું કે તે આ દેશોના હિતોને ધ્યાનમાં રાખશે. જ્યારે સરહદ પારથી આવતી આ નદીના પાણીનો વ્યાપક ઉપયોગ કરવાનો અધિકાર નીચાણવાળા પ્રદેશ તરીકે ભારત ધરાવે છે ત્યારે તેણે આ બંધ અંગે અગાઉ ચીન સમક્ષ પોતાની ચિંતાઓ રજૂ કરી હતી અને વિનંતી કરી હતી કે આવી કોઇ પ્રવૃતિથી નીચાણવાળા દેશોના હિતોને નુકસાન થાય નહીં.