Charchapatra

આમ જનતાને હેરાન કરવી એ અમારો અધિકાર છે, એ અમારી બહાદુરી છે

વાત છે 31 ડિસેમ્બરની રાતે રોડ પરના ટ્રાફિક નિયમનની. મગદલ્લા ચાર રસ્તાથી પાર્લે પોઇન્ટ દસ મિનિટનો રસ્તો, એટલું અંતર કાપતાં તમામને 40 થી 45 મિનિટનો સમય થાય, સમયનો બગાડ થાય ,પેટ્રોલ ડીઝલનો બગાડ થાય અને માનસિક ત્રાસ – ઘોંઘાટ એ બધું તો વધારાનું. ગણપતિ વિસર્જન યાત્રા હોય ગંતવ્ય સ્થાન એક હોય અને એક રૂટ હોય એ બરાબર છે.  પરંતુ 31 ડિસેમ્બરની રાતે તમામને અલગ અલગ જગ્યાએ જવું હોય તો પણ મગદલા ચાર રસ્તાથી બધાએ જ પાર્લે પોઈન્ટ સુધી ધક્કો ખાવો પડે. વી આર મોલ પાસેથી ટ્રાફિકને ડાયવર્ટ કરી શકાય , પીપલોદ પાસે ટ્રાફિકને ડાયવર્ટ કરી શકાય અને ટ્રાફિકની સમસ્યા હળવી કરી શકાય .

પરંતુ બધે જ રસ્તા બંધ. ઘણી બધી જગ્યાએ આડશ મૂકી રસ્તો સાંકડો કરી ટ્રાફિકની સમસ્યાને વધારે વકરાવી. બીઆરટીએસ રૂટની તમામ બસ સેવા જો બંધ હોય છતાં પણ બીઆરટીએસ રૂટમાં આ સમયે ટ્રાફિકને જવા નહીં દેવો એ કેવો વિચાર? પોતાની ઓફિસમાં બેસીને વર્ષોથી ચાલી આવેલા નિયમને વગર વિચારે આમ જનતાને માથે થોપવો એ યોગ્ય નથી. તમામ સ્થળ પર જાત નિરીક્ષણ કરવું અને પરિસ્થિતિનો તાગ મેળવવો અથવા તો તમામ ટ્રાફિક પોઇન્ટના અધિકારીઓની સાથે મીટિંગ કરી તેમનો ફીડબેક મેળવી ભવિષ્યમાં ટ્રાફિકની સમસ્યાનો ઉકેલ લાવી શકાય , એના અંગે આયોજન થવું જોઈએ.

દરેક ટ્રાફિક પોઇન્ટ પર તમામ જવાબદાર અધિકારીઓને મોબાઈલ દ્વારા એકબીજાના સંપર્કમાં રહી અને ટ્રાફિકનું જો નિયમન કરવામાં આવે તો પરિસ્થિતિ હળવી થઈ શકે. આ સમયે રસ્તા પરના ડિસ્પ્લે બોર્ડ તેમાં પણ જો ટ્રાફિક વિશે માહિતી આપવામાં આવે તો લોકોને વધારે જાણકારી મળે અને યોગ્ય રસ્તો એવો પસંદ કરી શકે.  આ સમયે કદાચ જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો એમ્બ્યુલન્સ કે ફાયર બ્રિગેડ તે બનાવના સ્થળે પહોંચી જ ન શકે અને પહોંચે તો આવી નહીં શકે. હજ્જારો લોકોની સેવા માટે રસ્તા પર સેંકડો પોલીસો જવાનો ,પરંતુ બધા જ લાચાર હતા.
સુરત     – ડૉ ચંદ્રેશ જરદોશ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top