અમે ભારતના એક એવા ઠગનું નામ સાંભળ્યું હશે, જેણે એવું કહેવાય છે કે તાજમહલથી લઈને આપણી સંસદ સુદ્ધાં વેચવાનો પેંતરો કર્યો હતો. જી, હા, મિ.નટવરલાલ. હવે એક એવો શાતિર ઠગ ઝડપાયો છે, જેણે મિ.નટવરલાલના બધા રેકોર્ડ તોડી નાખ્યા છે! આ ઠગ ક્યારેક કોઈ રાજ્યના મુખ્ય મંત્રીનો પૌત્ર, ક્યારેક IAS ઓફિસર, ક્યારેક ફિલ્મનો ડિરેક્ટર બની જાય, તો ક્યારેક કોઈ મંત્રીનો PA… અલબત્ત, તમે બસ કલ્પના કરો અને આ માણસ એ કેરેક્ટર બની ગયો હોય! હવે આ આજના જમાનાનો મિ.નટવરલાલ છે! નામ છે – સુકેશ ચંદ્રશેખર. આ ઠગે કોઇને છોડ્યા નથી. ત્યાં સુધી કે આજની ફૂટકડી અભિનેત્રીઓને પણ કરોડોની ગિફ્ટ આપીને જાળમાં ફસાવી છે! સૌથી મોટું કારનામું તો જેલમાં બેઠા બેઠા એક મોટા કોર્પોરેટ ગૃહના બિઝનેસમેનની પત્નીને ફસાવીને કર્યું છે! એ પણ 10, 20 કરોડ નહીં, પૂરા 200 કરોડ પડાવી લીધા હતા! તપાસ એજન્સીઓ તો આ કેસની એક એક કડી જેમ ખૂલી રહી છે તેમ ભારે આશ્ચર્યમાં પડી ગઈ છે! તપાસ એજન્સીઓની ઊંઘ આ નામે આજકાલ હરામ કરી નાખી છે!
થોડા સમય પહેલાં સોશ્યલ મીડિયા પર એક તસવીર વાયરલ થઈ હતી, જેમાં એક વ્યક્તિ બોલિવૂડની ફેમસ એક્ટ્રેસ જેકલીન ફર્નાન્ડિસ સાથે એવી રીતે જોવા મળી હતી, જાણે તેનો પ્રેમી હોય! આ બરખુરદારનું નામ છે સુકેશ ચંદ્રશેખર. સુકેશ ચંદ્રશેખર સાથે જોડાયેલા મામલામાં જેકલીન EDના રડાર પર છે. એક કેસમાં આરોપી પણ બનાવી છે, જ્યારે તપાસ આગળ વધી ત્યારે છેતરપિંડીના પૈસામાંથી મોંઘીદાટ ગિફ્ટ્સ લેવા બદલ તેના પર ચાર્જશીટ પણ ફાઈલ કરવામાં આવી છે. 200 કરોડની છેતરપિંડીના કેસમાં તાજેતરમાં ફરી જેકલીનને પૂછપરછ માટે દિલ્હી બોલાવવામાં આવી હતી. જેકલીન પછી આ કેસમાં બીજી મોટી અભિનેત્રી નોરા ફતેહીને પણ તપાસ એજન્સીઓએ પૂછપરછ માટે બોલાવી હતી! દિલ્હી પોલીસની ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ, અંગ્રેજીમાં ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ એટલે કે EOWએ તેની કલાકો સુધી પૂછપરછ કરી હતી.
તો શું છે આ સમગ્ર કહાની, કેવી રીતે લટકી રહી છે મોટી અભિનેત્રી પર ધરપકડની તલવાર? સુકેશ ચંદ્રશેખર નામના આ મિ.નટવરલાલે કેવી રીતે લોકો સાથે કરી કરોડોની છેતરપિંડી? બધું આજકાલ મીડિયા માટે ગરમાગરમ મસાલો બની ગયું છે. સુકેશ હાલ દિલ્હીની જેલમાં બંધ છે. થોડા દિવસ પહેલાં જેકલીન અને સુકેશને સામસામે બેસાડીને તપાસ અધિકારીઓએ પૂછપરછ કરી હતી. જેકલીનને કુલ 39 પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ઉદાહરણ તરીકે, તે સુકેશને કેવી રીતે ઓળખે છે? સુકેશની બેંક ડીટેલ શું છે, શું તે છેતરપિંડીમાં સામેલ હતી? વગેરે વગેરે. અહેવાલો મુજબ, જેકલીને જણાવ્યું હતું કે – સુકેશ સાથે તેની પહેલી વાત ફેબ્રુઆરી 2021માં વોટ્સએપ કોલ દ્વારા થઈ હતી. એપ્રિલ 2021થી બંનેએ દરરોજ વાત કરવાનું શરૂ કર્યું હતું.
શું જેકલીને સુકેશ ચંદ્રશેખર પાસેથી કોઈ ભેટ લીધી હતી? જેના જવાબમાં જેકલીને કહ્યું હતું કે – તેણે સુકેશ પાસેથી ઘણી ગિફ્ટ લીધી છે, જેમાં મિની કૂપર કાર, લિમિટેડ એડિશન પરફ્યુમથી લઈને મોંઘા શૂઝ, હીરાની કાનની વીંટી અને બ્રેસલેટ જેવી કિંમતી ભેટો સામેલ છે. આ તો હજુ જેકલીનની જ વાત થઈ, આવી મોંઘી મોંઘી ગિફ્ટ બોલિવૂડની બીજી અનેક હીરોઇનને સુકેશબાબુ આપી ચૂક્યા છે! જો કે, જેકલીને તપાસ એજન્સીને એમ પણ કહ્યું હતું કે – તેણે મિની કૂપર કાર પરત કરી દીધી છે. જેકલીને દિલ્હી પોલીસને જણાવ્યું હતું કે – તે જૂન 2021માં પહેલી વાર સુકેશને મળી હતી.
જેકલીનને મુંબઈથી ચેન્નાઈ લાવવા માટે સુકેશે પ્રાઈવેટ જેટ મોકલ્યું હતું. બંને ચેન્નાઈની હયાત હોટલમાં મળ્યા હતા. બીજા દિવસે તે પ્રાઈવેટ જેટ દ્વારા મુંબઈ પરત આવી ગઈ હતી. એક અઠવાડિયા પછી બંને ફરી મળ્યા હતા. જેકલીને એવું પણ જણાવ્યું હતું કે – તે પ્રાઈવેટ જેટ દ્વારા બે વખત કેરળ પણ ગઈ હતી. સુકેશે તેના માટે એરપોર્ટથી હોટલ સુધી હેલિકોપ્ટર રાઈડ પણ બુક કરાવી હતી. જેક્લીનનો દાવો છે કે તેણે સુકેશ સાથે છેલ્લે 8 ઓગસ્ટ, 2021ના રોજ વાત કરી હતી. આ વાત થઈ જેકલીન અને સુકેશની, જેની ખૂબ ચર્ચા છે. હવે સુકેશની વાત કરીએ. કોણ છે આ મિ.નટવરલાલ? સુકેશ ચંદ્રશેખરે છેલ્લા 15 વર્ષમાં લગભગ 1000 લોકોને ઓછામાં ઓછા 500 કરોડ રૂપિયામાં નવડાવી દીધા છે. આ આંકડો તેની સામે 6 રાજ્યો – આંધ્ર પ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હીના પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા 30થી વધુ કેસોનો આશરે સરવાળો છે. ઓફિશ્યલ!! અન ઓફિશ્યલ, બાકીનું હજુ બાકી!
રસપ્રદ વાત એ છે કે તેણે જૂન 2020થી મે 2021 દરમિયાન દિલ્હીની રોહિણી જેલમાં બેસીને તેની અત્યાર સુધીની સૌથી મોટી લૂંટ ચલાવી હતી. મતલબ કે જેલમાં પૂરાયો પછી પણ તેનું શાતિર દિમાગ શાંત બેઠું નહોતું. છેલ્લી ગણતરીમાં તેની પાસે 18 કરોડ રૂપિયાની 85 ઘડિયાળ અને 35 કરોડ રૂપિયાની 54 કાર હતી. તેણે દેશના ઈતિહાસમાં સૌથી ભયાનક પ્રકારની છેતરપિંડી કરીને આ મોંઘી લક્ઝરી મેળવી છે. સુકેશ ચંદ્રશેખર તમિલનાડુના મદુરાઈનો રહેવાસી છે. પિતા વિજયન ચંદ્રશેખર રબર કોન્ટ્રાક્ટર અને પાર્ટ ટાઈમ મિકેનિક હતા.
માતા માલા ગૃહિણી હતી. ખૂબ જ સાધારણ મધ્યમ વર્ગનું કુટુંબ. શરૂઆતમાં આ લોકો ભાડાના મકાનમાં રહેતા હતા. સુકેશના માતા-પિતાએ તેના એકમાત્ર પુત્રને સારું શિક્ષણ આપવા માટે શહેરની બાલ્ડવિન બોયઝ હાઈસ્કૂલમાં તેનું નામ લખાવ્યું હતું. શાળાના તેના સહાધ્યાયીઓ રોજ મોટી લક્ઝુરિયસ કારમાં આવતા અને સુકેશને તેના પિતા સ્કૂટર પર શાળાએ મૂકવા જતા હતા. ત્યારથી તેનું મન અમીરોની જીવનશૈલીના સપના જોઈ રહ્યું હતું. ભણવા કરતાં વહેલી તકે અમીર કેવી રીતે બનાય એ તરફ તે વધુ ખેંચાયેલો હતો. આ જ બાબતોએ સુકેશને ખોટા રસ્તે ચડાવ્યો હતો.
સુકેશની પહેલી છેતરપિંડી એ હજુ પુખ્ત પણ થયો ન હતો ત્યારે તેણે કરી હતી. 2006માં તત્કાલીન પોલીસ કમિશનરના નામે એક બનાવટી પત્ર બનાવવામાં આવ્યો હતો, જેમાં લખવામાં આવ્યું હતું કે સુકેશને કર્ણાટકમાં ગમે ત્યાં કાર અને બાઇક ચલાવવાની છૂટ છે. આ કેસમાં સુકેશની સાથે તેમના વાલીની પણ ધરપકડ કરવામાં આવી છે. તે પોતાનો શિકાર ખૂબ જ કાળજીપૂર્વક શોધતો હતો. ક્યારેક તે મોટો અધિકારી બની જતો, ક્યારેક ઉદ્યોગપતિ તો ક્યારેક નેતાનો સંબંધી. એક વખત તો સુકેશ તમિલનાડુના મુખ્ય પ્રધાન કરુણાનિધિનો પૌત્ર બની ગયો હતો! એ એટલો શાતિર છે કે, લાલ લાઇટવાળી લક્ઝરી કારમાં આવતો જતો, તેથી કોઈને શંકા પણ ના જાય! તેણે 2015માં લીના મારિયા પોલ નામની મલયાલમ ફિલ્મ અભિનેત્રી સાથે લગ્ન કર્યા હતા. લીનાને પણ છેતરીને જાળમાં ફસાવી હતી, પાછળથી બંનેને લવ થઈ ગયો હતો.
જ્યારે EDના તપાસ અધિકારીઓએ તેનો કાચો ચીઠ્ઠો ખોલવાનું શરૂ કર્યું ત્યારે જાણવા મળ્યું કે તે રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને અભિનેતાઓને ચપટી વગાડતાં છેતરી લેતો હતો! આનું કારણ જાણવા તપાસ કરી તો ખબર પડી કે તે અંગ્રેજી, હિન્દી, તમિલ, કન્નડ, તેલુગુ, મલયાલમ જેવી ઘણી ભાષાઓમાં સારી રીતે સામેની વ્યક્તિની અનુકૂળતા જોઈને જાળમાં ફસાવતો હતો. કોઈનો પણ અવાજ કાઢીને ફોન પર વાત કરી શક્તો હતો! અહીંથી જ સુકેશને તેનો આગામી શિકાર મળ્યો હતો! પહેલા તેણે શિવિન્દર સિંહ વિશે સંપૂર્ણ માહિતી એકઠી કરી હતી.
પછી તેમનાં પત્ની અદિતિ સિંહને છેતરવાનો પ્લાન બનાવ્યો હતો. સૌથી પહેલાં જેલના અધિકારીઓને ફોડી લઈને તેણે જેલમાં મોબાઈલ અને ઈન્ટરનેટનો જુગાડ કર્યો હતો. સુકેશે સૌ પ્રથમ 15 જૂન, 2020ના રોજ અદિતિના સેલફોન પર કોલ કર્યો હતો.શાતિર સુકેશે અદિતિને કેન્દ્રીય કાયદા સચિવ અનુપ કુમાર તરીકે પોતાની ઓળખ આપી હતી. અદિતિને કહ્યું કે, તે વડાપ્રધાન કાર્યાલયના નિર્દેશો પર ફોન કરી રહ્યો છે.
સુકેશે 2 દિવસ પછી ફરી અદિતિને ફોન કર્યો, આ વખતે પોતાનો પરિચય તેણે અનુપ કુમારના અન્ડર સેક્રેટરી તરીકે આપ્યો હતો અને તેના પરિવારને મદદ કરવાના સરકારના ઈરાદાઓ ફરી જણાવ્યા હતા. ફોન પર 3 વાર વાત કર્યા પછી સુકેશે અદિતિને પાર્ટી ફંડમાં 20 કરોડ રૂપિયાનું યોગદાન આપવા કહ્યું હતું. અદિતિ પોતાના પતિને છોડાવવાના ચક્કરમાં ફસાઈ ગઈ હતી. પહેલા 1 કરોડ રૂપિયા હોંગકોંગથી મોકલવામાં આવ્યા હતા અને 19 કરોડ રૂપિયા દિલ્હીમાં રોકડમાં આપવામાં આવ્યા હતા. જેને સુકેશના બે સાથીઓ હાથોહાથ લીધા હતા.
એ પછી સુકેશ વધુ પૈસા માગવા લાગ્યો હતો. તે શિવિન્દર અને તેના બાળકો વિશે અમુક એવી માહિતી આપવા લાગ્યો હતો કે અદિતિને ડર લાગવા લાગ્યો હતો. તેણે અદિતિને એટલી ડરાવી દીધી કે તેના પતિ અને બાળકો સાથે ચર્ચા કર્યા વિના અદિતિ પૈસાના જુગાડમાં લાગી ગઈ હતી! ઘરેણાં વેચ્યા, મિત્રો, કુટુંબીજનો પાસેથી ઉધાર લીધા, પોતાના રોકાણ સહિતની તમામ મિલકત દાવ પર લગાવી દીધી હતી! જાણો છો 2020થી મે 2021 વચ્ચે અદિતિએ સુકેશને 40 ટ્રાન્ઝેક્શનમાં 200 કરોડ રૂપિયા ચૂકવી દીધા હતા! અદિતિના પતિ અને ફોર્ટિસના વાઇસ ચેરમેન શિવિન્દર પહેલેથી જ EDના રડાર પર હોવાથી EDને આવા વ્યવહાર અંગે શંકા ગઈ હતી. તપાસ શરૂ થતાં મામલો ખૂલ્યો હતો.
આ કેસની તપાસ દરમિયાન અભિનેત્રીઓને મોંઘી ભેટસોગાદો આપવાના સુકેશના શોખ વિશે એજન્સીઓને માહિતી મળી હતી. જે ચોંકાવનારી હતી! આ કેસમાં EDએ દાખલ કરેલી ચાર્જશીટ મુજબ, સુકેશે ફેબ્રુઆરી 2021થી ઓગસ્ટ 2021 વચ્ચે અભિનેત્રી જેકલીન ફર્નાન્ડિસ અને તેના પરિવારને આપવામાં આવેલી ભેટો પર 7 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. બંનેના કેટલાક અંતરંગ ફોટોગ્રાફ્સના આધારે એજન્સી એવું માને છે કે તેમની વચ્ચે પ્રેમસંબંધ હતો. જો કે જેકલીન ફર્નાન્ડિસે આ વાતને નકારી કાઢી છે. હાલમાં જેકલીન આ કેસમાં ED અને દિલ્હી પોલીસના રડાર પર છે. આરોપ છે કે તેણે સુકેશની છેતરપિંડીઓની જાણ થયા પછી મોંઘી ભેટ લીધી હતી. જેકલીનનું કહેવું છે કે, તેને આ વિશે ખબર ન હતી. અલબત્ત, માત્ર જેકલીન જ નહીં, અન્ય ઘણી અભિનેત્રીઓને પણ તેણે ફસાવવાનો પ્રયાસ કર્યો હતો. નોરા ફતેહી, જ્હાનવી કપૂર, સારા અલી ખાન, ભૂમિ પેડનેકરના નામ પણ આ લિસ્ટમાં સામેલ છે, પરંતુ આ અભિનેત્રીઓએ ભેટો સ્વીકારવાની ના પાડી, તેથી તેઓ બચી ગઈ!