‘સ્વચ્છતા અભિયાન’ની દેશભરમાં બોલબાલા છે અને ગાંધીજીનાં ગોળ ચશ્માંનું પ્રતીક ઠેરઠેર જોવા મળી રહ્યું છે. ગાંધીજીએ મનની સ્વચ્છતા પર પણ એટલો જ ભાર મૂક્યો હતો. પોતાની જવાબદારી હોય એવાં કામ કરવાનો દેખાવ કરવામાંય પોતાની સિધ્ધિ ગણાવતી સરકાર દ્વારા સ્વચ્છતા અભિયાનનો પ્રચાર જોરશોરપૂર્વક કરવામાં આવે છે. કચરો એકઠો કરવાના વાહન દ્વારા જોરશોરથી વગાડાતા ગાયનના શ્રવણથી હવે અનેક લોકોની સવાર પડે છે.
તેનાથી એટલો ખ્યાલ આવે છે કે સ્વચ્છતા અભિયાન હજી અટક્યું નથી. આ વાહનમાં પોતાના ઘરનો કચરો પધરાવનારને કદી એવો સવાલ થતો હશે ખરો કે વાહનમાં એકઠો થયેલો કચરો ક્યાં પધરાવાતો હશે? આવો સવાલ ઘણાને થતો હોય તો પણ પછી એનો જવાબ મેળવવાનો પ્રયત્ન ભાગ્યે જ કોઈ કરતું હશે. આનો જવાબ મેળવવાના પ્રયત્નરૂપે ફેબ્રુઆરી, 2026માં બેંગલુરુમાં બનેલી એક ઘટના પર નજર કરવા જેવી છે.
બેંગલુરુ શહેર દિવસરાત સતત વિસ્તરી અને વિકસી રહ્યું છે. અનેક લોકોને રોજગારી પૂરી પાડતું કેન્દ્ર કોઈ શહેર બને એની સાથે એની સમસ્યાઓ પણ વિકસે અને વિસ્તરે છે. બેંગલુરુનો વિસ્તાર એટલો છે કે તેમાંથી પેદા થતા ઘન કચરાને વિવિધ સ્થળે એટલે કે લેન્ડફીલ પર ઠાલવવામાં આવે છે. પૂર્વ અને ઉત્તર બેંગલુરુનો ઘન કચરો બેલાહલ્લી ગામ નજીક આવેલા લેન્ડફીલ પર ઠલવાય છે. સ્વાભાવિકપણે જ અહીં અનેક ભારે વાહનોની અવરજવર રોજેરોજ ચાલતી રહેતી હોય. કચરાના આવા એક વાહનના કારણે ગામના એક બાળકનું મૃત્યુ થયું એ સાથે જ ગામલોકોનો રોષ ભભૂકી ઊઠ્યો. તેઓ રીતસર રસ્તા પર આવી ગયાં અને અહીં આવતાં વાહનોને તેમણે અટકાવ્યાં. જોતજોતામાં દોઢસો બસો ખટારાઓની લાઈન પડી ગઈ. ગામલોકો બબ્બે દિવસ સુધી વિરોધ પ્રદર્શિત કરતાં રહ્યાં. એ વખતે બેંગલુરુના પૂર્વ અને ઉત્તર વિસ્તારોની સ્થિતિ શી થઈ હશે એની કલ્પના કરવી રહી!
જો કે, ગામલોકોનો વિરોધ કંઈ પેલા બાળકના આકસ્મિક મોતને લઈને જ હતો એમ નહીં, પણ એ નિમિત્તે તેમને એ પ્રદર્શિત કરવાની તક મળી. કેમ કે, દિવસ આખો અહીંના સાંકડા, ધૂળિયા રસ્તા પર કચરાનાં વાહનોની અવરજવરને લઈને અહીં આવનજાવન જોખમી બની રહે છે. આ ઉપરાંત અહીં ભૂગર્ભજળ પ્રદૂષિત થઈ ગયું છે, જમીનની ફળદ્રુપતા ઘટી રહી છે, કચરો બાળવાને કારણે ઝેરી ધુમાડો પ્રસરે છે અને શ્વાસમાં ભળે છે. ટૂંકમાં નર્કથીય બદતર સ્થિતિ પેદા થઈ ગઈ છે. સત્તાવાળાઓએ ગામલોકોના આ વિરોધને પહેલાં તો આવશ્યક સેવાઓમાં વિક્ષેપનું કારણ આપીને દબાવવા પ્રયત્ન કર્યો, પણ ગામલોકો મક્કમ રહ્યાં. આખરે સત્તાવાળાઓ વાટાઘાટો માટે તૈયાર થયા અને તેમણે જરૂરી પગલાં લેવાની ખાતરી આપી એ પછી ગામલોકોએ વિરોધ પાછો ખેંચ્યો.
મુદ્દાનો સવાલ એ છે કે જે જરૂરી પગલાં લેવાની સત્તાવાળાઓએ ખાતરી આપી એના અમલ માટે વિરોધ પ્રદર્શન સુધી રાહ જોવાની જરૂર હતી? કેમ કે, ગામલોકોના જણાવ્યા અનુસાર પીવાનાં પાણી, રોડ, શાળા અને સ્વાસ્થ્યને લગતી સુવિધાઓ માટે ફાળવાયેલાં નાણાં છેલ્લાં બે વરસથી તુમારશાહીમાં અટવાયેલાં પડ્યાં છે. હજી તો સત્તાવાળાઓએ આમ કરવાની બાંહેધરી આપી છે અને ઊભી થયેલી તણાવગ્રસ્ત પરિસ્થિતિને તત્પૂરતી થાળે પાડી છે. વાસ્તવમાં કામ થાય ત્યારે ખરું.
આપણા દેશમાં અત્રતત્રસર્વત્ર કોઈ પણ સમસ્યાના ઉકેલ વિચારવામાં આવે તે મુખ્યત્વે લક્ષણોને ડામવાના હોય છે. મૂળભૂત બિમારીનો ઈલાજ કરવાની નથી કોઈની વૃત્તિ કે નથી કોઈનું વલણ. આથી જ બેલાહલ્લીમાં ઊભી થયેલી પરિસ્થિતિ કદાચ કામચલાઉ ધોરણે થાળે પડી, પણ ઘન કચરાના નિકાલની સમસ્યા એમની એમ ઊભી રહી. પેદા થતો કચરો, તેનું વિવિધ તબક્કે વિભાજન, એ પછી તેનો યોગ્ય રીતે નિકાલ શી રીતે કરવો તેનું આયોજન હજી દૂર જણાય છે. રખે એમ માની લેવાય કે આ સ્થિતિ કેવળ બેંગલુરુ પૂરતી છે. દેશ આખામાં આ પરિસ્થિતિ વ્યાપેલી છે અને ખાસ કરીને શહેરના સીમાડે આવેલાં ગામડાં કચરાના ઢગ બની રહ્યાં છે.
બેલાહલ્લી પહેલાં મંડુર ગામ પાસે આવું લેન્ડફીલ હતું. તેને કારણે અહીંનું ભૂગર્ભ જળ ઝેરી બની જતાં ગામલોકોએ ઉગ્ર વિરોધ કર્યો અને આખરે 2014માં અહીં કચરો ઠાલવવાનું બંધ કરાયું. અહીં સિત્તેર ફીટ ઊંચો કચરાનો ઢગ ખડકાઈ ગયો હતો. હજી આ સ્થળને નવનિર્મિત કરવાની કવાયત ચાલી રહી છે. પણ મંડુરની ઘટનામાંથી બોધપાઠ શો લેવાયો? મંડુરને બદલે બેલાહલ્લીમાં કચરો ઠાલવવાનું શરૂ થયું અને અહીં પણ એ જ પરિસ્થિતિ આવી ગઈ.
લેન્ડફીલ શું અનિવાર્ય છે? પહેલાં લેન્ડફીલ ઊભાં કરવાં, ત્યાં બરાબર કચરો ઠાલવીને તેની આસપાસના વિસ્તારને પ્રદૂષિત કરી મૂકવો અને પછી ત્યાંથી સ્થળ બદલવું આ રીત નથી. ઘન કચરાના વ્યવસ્થાપનની રીત પણ વિકેન્દ્રિત કરવી પડશે અને તેમાં નાગરિકોની સામેલગીરી જરૂરી બની રહેશે. નીતિગત રીતે તેમજ નાગરિકોના સ્તરેથી, એમ બન્ને તરફથી નક્કર નીતિઓ ઘડીને પગલાં લેવાય તો જ આ સમસ્યા હળવી થઈ શકશે. પરિસ્થિતિ હવે એ હદે વણસી ચૂકી છે કે આ સમસ્યાનો સંપૂર્ણ ઉકેલ કદાચ શક્ય નથી. કચરા બાબતે હજી નાગરિકોમાં પણ જોઈએ એવી જાગૃતિ નથી અને એ કારણે તેઓ તંત્ર પર પણ તેની નીતિ ઘડવા બાબતે યોગ્ય પ્રભાવ ઊભો કરી શકતા નથી. પોતાનું આંગણું સ્વચ્છ રાખવું જરૂરી છે, પણ આપણે ‘બહાર’ ફેંકેલો કચરો છેવટે આપણાથી સહેજ જ દૂર રહે છે. આ બાબતે નવેસરથી વિચારવાની જરૂર છે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.