એક દિવસ વિધિ ગાર્ડનમાં કામ કરી રહી હતી.ત્યાં તેના ભાઈનો નાનો દીકરો સ્કૂલમાંથી રડતો રડતો આવ્યો.વિધિએ તેને બૂમ પાડી કહ્યું, ‘ગોલુ અહીં આવ, શું થયું? કેમ રડે છે? પડી ગયો કે શું?’ગોલુ રડતો રડતો તેની પાસે આવ્યો અને વિધિને ભેટીને બોલ્યો, ‘ફઇ, હવે હું સ્કૂલમાં જવાનો જ નથી.’ વિધિએ પૂછ્યું, ‘કેમ શું થયું?’ ગોલુ રડતાં રડતાં બોલ્યો, ‘ફઇ, સ્કૂલમાં બધા મને હેરાન કરે છે.મારા ગાલ ખેંચે છે. હું ઝડપથી દોડી નથી શકતો એટલે બધા મારી વસ્તુઓ લઈને ભાગી જાય છે.મને ‘મોટુ’…‘જાડિયો’ કહીને ચીડવે છે.હવે મેં નક્કી કરી લીધું છે હું સ્કૂલમાં જ નહિ જાઉં.’વિધિએ ગોલુને પ્રેમથી પોતાના ખોળામાં બેસાડ્યો અને તેના આંસુ લૂછી ,પાણી પાયું.ગોલુ થોડો શાંત થયો એટલે વિધિએ કહ્યું, ‘ચલ ભૂલી જા એ બધું.રડવાનું બંધ કર અને મને મદદ કરાવ.જા પેલી બોટલમાં પાણી છે તે લઇ આવ.’
ગોલુ ઊભો થઈને પાણી ભરેલી બોટલ લઇ આવ્યો.બોટલમાં કચરાવાળું ગંદુ પાણી હતું.વિધિએ ગોલુને કહ્યું, ‘ચલ, આ પાણી મેં હમણાં આ બે કુંડામાં છોડ વાવ્યા છે તેમાં નાખી દે.’ગોલુ બોલ્યો, ‘પણ ફઇ, આ બોટલમાં પાણી ગંદુ અને કચરાવાળું છે તે પાણી છોડને ખરાબ કરશે.’ વિધિએ કહ્યું, ‘ અહીં લાવ બોટલ.’ અને તેણે ગોલુ પાસેથી બોટલ લઈને કચરાવાળું પાણી કુંડામાં નાખી દીધું.ગોલુ જોતો જ રહ્યો. થોડી મીનીટોમાં બધું પાણી માટીમાં શોષાઈ ગયું અને કુંડાની માટી ઉપર કચરો રહી ગયો.વિધિએ ગોલુને કહ્યું, ‘જો ગોલુ, આ માટીએ પાણી લઇ લીધું અને કચરો
છોડી દીધો.
હવે પહેલાં તું આ કચરો કુંડાની માટી પરથી ભેગો કરીને બહાર ફેંકી દે.’ગોલુ કચરો ભેગો કરીને કચરાટોપલીમાં ફેંકી આવ્યો.વિધિએ તેને પાસે બેસાડ્યો અને પ્રેમથી સમજાવ્યું, ‘ગોલુ, જો આ માટીની જેમ કરવાનું, જે કામનું હોય ,સારું હોય ,જરૂરી હોય, તેનો સ્વીકાર કરી લેવાનો અને જે નકામું હોય ,ખરાબ હોય, બિનજરૂરી હોય તેને છોડી દેવાનું.તું પણ તારી સ્કૂલ ,તેમાં ભણવાનું ,ટીચરો ,તારા સારા દોસ્તો વિષે વિચાર અને તેમનો સ્વીકાર કર.જે બાળકો તને હેરાન કરે છે, તારી મજાક ઉડાડે છે તેની પર ધ્યાન ન દે. તેમની નકામી તને દુઃખી કરતી વાતોને નકામો કચરો સમજી છોડી દે,કચરાટોપલીમાં ફેંકી દે.નકામી વાતો માટે તું રડતો નહિ અને સ્કૂલ છોડવાની વાતો કરતો નહિ સમજ્યો.’ ફઈએ નાનકડા ગોલુને બરાબર સમજાવ્યો.– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.