નવસારી: નવસારીમાં સેવન્થ ડે સ્કૂલના શિક્ષકો ધર્મપરિવર્તન કરાવતા હોવાનો વિડીયો વાયરલ થતાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ, રાષ્ટ્રીય બજરંગ દલ દ્વારા ધર્મપરિવર્તન કરાવતા સેવન્થ ડે સ્કૂલના શિક્ષકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી નવસારી જિલ્લા પોલીસ વડાને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે.
આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દલ દ્વારા નવસારી જિલ્લા પોલીસ વડાને કરેલી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે, નવસારી સેવન્થ ડે સ્કૂલના શિક્ષક કમલભાઈ નાસકર અને સરિતા નાસકર દ્વારા ધર્મપરિવર્તન-વટાળ પ્રવૃત્તિ ચલાવવામાં આવે છે, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. તેમાં તેઓ સ્પષ્ટ બોલે છે કે તમારા ઘરમાં જે કોઈ હિંદુ દેવી-દેવતાના ફોટા હોય તેને ફેંકી દો, કેમ કે ઇસુ જ સૌથી મહાન ઈશ્વર છે. તેઓ ભોળી-ભલી ગરીબ હિંદુ જનતાને ધર્મપરિવર્તન કરાવે છે, તેવું વિડીયો પરથી સ્પષ્ટ સમજાય છે.
આટલું થવા છતાં સરકાર અને પ્રશાસન મૌન છે તે સનાતની સમાજ માટે શરમની વાત છે. જેથી આ બાબતને ગંભીરતાથી લઈ ધર્માંતરણ કરાવતા કમલભાઈ અને સરીતાબેન વિરુદ્ધ એફઆઈઆર કરી કડક કાર્યવાહી કરી તેમને જેલ ભેગા કરવાની માંગ છે. જો તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી નહીં થાય તો લોકતાંત્રિક પદ્ધતિથી ધરણાં પ્રદર્શન કરી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
‘કેટલાક શબ્દો ભૂલથી મારા મોઢામાંથી નીકળી ગયા’, સરિતા નાસકરે હિન્દુ સમાજની માફી માંગી
નવસારી: નવસારીમાં સેવન્થ ડે સ્કૂલના શિક્ષક કમલ નાસકર અને સરિતા નાસકરનો ધર્મપરિવર્તન કરાવતો વિડીયો વાયરલ થયો હતો. જેના પગલે હિંદુ ધર્મના લોકોમાં રોષ ફેલાયો હતો. જો કે સરિતા નાસકરે માફી માંગતો વિડીયો બનાવ્યો હતો. જે વિડીયોમાં તેઓએ જણાવ્યું હતું કે, જે વિડીયો વાયરલ થયો છે, તે કોઈ ધર્માંતરણ કરવાના ઈરાદાથી આ વિડીયો બનાવ્યો ન હતો. કેટલાક શબ્દો હતા જે ભૂલથી મારા મોઢામાંથી નીકળી ગયા હતા. જેના કારણે મારા હિંદુ ભાઈ-બહેનોને ઠેસ પહોંચી હોય અને દુ:ખ થયું હોય તો હું એના માટે માફી માંગુ છું, હવે પછી આવી કોઈ ભૂલ નહી થાય.