SURAT

VIDEO: બંદૂક લઈ ત્રણ યુવકોના બાઈક પર સીનસપાટા, પોલીસે કાન પકડાવી માફી મંગાવી

સુરતઃ દિલ્હીમાં બોમ્બ બ્લાસ્ટ બાદ તણાવનું વાતાવરણ છે ત્યારે સુરતના સિંગણપોરમાં હરિદર્શનના ખાડા વિસ્તારમાં ત્રણ યુવકો બાઈક પર એકે-47 જેવી બંદૂક લઈ નીકળતા સ્થાનિકોમાં ભય વ્યાપી ગયો હતો. બાઈક પર બંદૂક લઈ જતા યુવકોનો વીડિયો વાયરલ થતા પોલીસ હરકતમાં આવી હતી.

  • સિંગણપોર ડભોલી વિસ્તારમાં ત્રણ યુવકના સીનસપાટા
  • વાયરલ વિડિઓના આધારે સિંગણપોર ડભોલી પોલીસે કાર્યવાહી કરી
  • બંદૂક રમકડાંની હોવાનું સામે આવ્યું, પોલીસે અટકાયત કરી ત્રણેય યુવકો પાસે માફી મંગાવી

બાઈકના નંબરના આધારે ત્રણેય યુવકોને પોલીસે પકડી લીધા હતા. બંદૂક રમકડાંની હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. લોકોમાં ભય ફેલાઈ તેવી હરકત કરનારા ત્રણેય યુવકો પાસે પોલીસે કાન પકડાવી માફી મંગાવી હતી.

શું છે મામલો?
સિંગણપોર પોલીસ પાસે ગઈકાલે શુક્રવારે એક વીડિયો આવ્યો હતો, જેમાં એક બાઈક હરિદર્શનના ખાડા વિસ્તારમાંથી પસાર થઈ રહી છે. બાઈક પર ત્રણ યુવકો બેઠાં છે. ત્રણ પૈકી વચ્ચે બેઠેલા યુવકે હાથમાં લાંબી બંદૂક પકડી છે, જે એકે-47 જેવી દેખાય છે. બંદૂકની ઉપરના ભાગે કારતૂસનો સેટ પણ હતો. આ યુવકોને બંદૂક સાથે પસાર થતા જોઈ રાહદારી, વાહનચાલકો ગભરાયા હતા.

કોઈકે વીડિયો બનાવી લીધો હતો, જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વીડિયોમાં બાઈકનો નંબર દેખાતો હોય તેના આધારે પોલીસે ત્રણેય યુવકોને શોધી કાઢ્યા હતા. ત્રણ યુવકો હસમુખ કાલીદાસ ઓડ (ઉં.વ. 35, રહે. ટેકરા ફળિયા, સિંગણપોર), તેનો ભાઈ વિક્રમ (ઉં.વ.32) અને મિત્ર રવિ શંકર પગારે (રહે. અંબિકાનગર, પાલનપોર ગામ)ને પકડ્યા હતા. પૂછપરછમાં યુવકોએ કબૂલાત કરી કે રમકડાંની બંદૂક લઈ સીનસપાટા કરવા નીકળ્યા હતા. પોલીસે ત્રણેય પાસે કાન પકડી માફી મંગાવી હતી. ત્રણેય વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Most Popular

To Top