પલસાણા: પલસાણાથી અપહરણ થયેલી ત્રણ વર્ષની બાળકીને આરોપીના કબજામાંથી હેમખેમ છોડાવી અપહરણ કરનર બે આરોપીને સુરત ગ્રામ્ય પોલીસે કામરેજ ગામથી દબોચી લીધા હતા. ગુરુવારે સાંજે 5.30 વાગ્યે પલસાણાના મેઘા પ્લાઝા ખાતે આવેલા યોગી વિલા એપાર્ટમેન્ટની નીચે ત્રણ વર્ષની બાળકી રમી રહી હતી. દરમિયાન મેઘા પ્લાઝામાં મહાલક્ષ્મી રેસિડેન્સીમાં રહેતો જાન મોહમદ જહરૂદિન શાહ બાળકીને મોટરસાઇકલ પર બેસાડી લઇ અપહરણ કરી ગયો હતો. બાળકીને પરત કરવાના બદલામાં જાન મોહમ્મદે બાળકીના પરિવાર પાસે તેમની બીજી દીકરીના તેની સાથે લગ્ન કરાવી આપવાની શરત મૂકી હતી. ઘટના અંગે બાળકીના દાદાએ પલસાણા પોલીસને જાણ કરતાં પોલીસ અપહરણ અને ખંડણીની ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.
ત્રણ વર્ષની બાળકીનું અપહરણની જાણ થતાં જ જિલ્લાભરની પોલીસ દોડતી થઈ હતી. સુરત ગ્રામ્ય પોલીસની ટીમે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, આરોપી ભોગ બનનાર બાળકીને લઈ કામરેજ તરફ ગયો છે. જે બાતમીના આધારે પોલીસે ટેક્નિકલ સોર્સના આધારે અપહરણ કરનાર અને તેની મદદ કરનાર આરોપીને કામરેજ ગામમાંથી ઝડપી લીધા હતા અને બાળકીને તેમની ચુંગાલમાંથી હેમખેમ છોડાવી હતી. પોલીસે આરોપીઓ જાન મોહમ્મદ જહરૂદ્દીન શાહ (ઉં.વ.32) (રહે., મહાલક્ષ્મી રેસિડેન્સી, મેઘા પ્લાઝા, પલસાણા, મૂળ રહે., કુશીનગર, ઉત્તરપ્રદેશ) તેમજ તેની મદદ કરનાર દિલીપ પરથીંગ કટારા (રહે., સરદાર ચોક, અમરોલી, સુરત, મૂળ રહે., બાસવાડા, રાજસ્થાન)ની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી 2 મોબાઇલ ફોન કિં.રૂ.10 હજાર અને એક મોટરસાઇકલ કિં.રૂ.25 હજાર મળી કુલ 35 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ઉછીના લીધેલા નાણાં પરત ન કરતાં અપહરણ કર્યું
અપહરણકર્તા જાન મોહમ્મદ અવારનવાર બાળકીના ઘરે આવતો હતો. બાળકીના નાનાને તેણે ઉછીનાં નાણાં આપ્યાં હતાં. જે આપતા ન હોય તેમજ તેમની દીકરી સાથે લગ્ન કરાવવાની ના કહેતા હોવાથી જાન મોહમ્મદે બાળકીનું અપહરણ કર્યું હોવાની કબૂલાત કરી હતી.
