Columns

ત્રણ પ્રકારના મનુષ્ય

જીવનમાં મોટે ભાગે ત્રણ પ્રકારના મનુષ્ય હોય છે. આ વાત સમજાવવા શિક્ષકે વર્ગમાં એક વાર્તા કહી. એક બાદશાહ હતા. તેમને પોતાના ખાસ દાસ તરીકે એક જણની પસંદગી કરવાની હતી. નોકરે હંમેશા બાદશાહની સાથે જ રહેવાનું હતું એટલે યોગ્ય માણસની પસંદગી કરવી બહુ જરૂરી હતી. બાદશાહે નોકરના સ્થાન માટે આવેલાં બધાં લોકોની સાથે વાતચીત કરી. પછી છેલ્લે ત્રણ જણને આખરી નિર્ણય માટે પસંદ કર્યા. છેલ્લા ત્રણ જણને બાદશાહે પ્રશ્ન કર્યો કે, ‘ધારો કે અમુક સંજોગોમાં મારી અને તમારી દાઢીમાં એક સાથે આગ લાગી જાય તો તમે શું કરશો?’ પહેલા વ્યક્તિએ બાદશાહને ખુશ કરવા કહ્યું, ‘હજૂર, હું મારી દાઢીની પરવા કર્યા વિના તમારી દાઢી બુઝાવીશ.’

બીજા વ્યક્તિએ જવાબ આપ્યો, ‘હજૂર, મારી દાઢીમાં આગ લાગી હોય તો હું પહેલાં તો મારી દાઢીની આગ ઓલવીશ પછી આપની દાઢીની ચિંતા કરીશ.’ત્રીજી વ્યક્તિએ ઉત્તર આપ્યો, ‘હજૂર, હું ચપળતા દાખવી એક હાથથી મારી દાઢી ને બીજા હાથથી તમારી દાઢી બુઝાવીશ.’ આ જવાબો સાંભળી બાદશાહે ત્રીજા વ્યક્તિની પોતાના નિજી નોકર તરીકે નિમણૂક કરી. બાદશાહે પોતાની પસંદગી બાબત દરબારીઓને સમજાવ્યું કે ‘પહેલો વ્યક્તિ અવ્યાવહારિક છે. દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નથી જે કઠિન સમયમાં પોતાની નહીં અને બીજાની ચિંતા પહેલાં કરે એટલે તે વ્યક્તિ દંભી, ખોટો અને અજ્ઞાની છે. તે પોતાની વાતથી આપણને છેતરી શકે છે, વાતોથી મોહી લે છે પણ અંતમાં નુકસાન પહોંચાડે છે. બીજો વ્યક્તિ સ્વાર્થી છે, સ્વાર્થી મનુષ્ય કોઈનું ભલું કરતો નથી. તે માત્ર પોતાના જ વિચાર કરે છે. પોતાનો જ ફાયદો જુએ છે તેથી એ વ્યક્તિ પણ ખતરનાક હોય છે.

ત્રીજો વ્યક્તિ જેને મેં નોકર તરીકે પસંદ કર્યો છે તે અવ્યાવહારિક નથી, દંભી નથી, સ્વાર્થી નથી, વાસ્તવિકતાની ધરતી પર જીવે છે અને વ્યવહારુ છે એટલે ઉકેલ શોધી શકે છે .’આ વાર્તા કહ્યા બાદ શિક્ષકે વિદ્યાર્થીઓને સમજાવ્યું કે આ વાર્તા પ્રમાણે જીવનમાં ત્રણ પ્રકારના મનુષ્ય તમને મળશે. એક અવ્યવહારુ, ખોટા, દંભી અને અજ્ઞાની, બીજા સ્વાર્થી અને ત્રીજા વ્યવહારુ, વાસ્તવિક અને સાચી વાત કરનારા ત્રણેય વ્યક્તિને ઓળખી પહેલા અને બીજા પ્રકારના મનુષ્ય જોડે બહુ વ્યવહાર, મિત્રતા કે સંબંધ રાખવા નહિ. ત્રીજા પ્રકારના મનુષ્ય બનવું અને વાસ્તવિકતાને ધરતી પર જીવવું અને વાસ્તવિકતાની સાથે જીવનારાં લોકોની સાથે જ જોડાવું.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top