મોસાળનું જમણ અને મા નું પીરસણ જેવી ગુજરાતી કહેવતને યર્થાથ ઠેરવતી સાંપ્રત સરકાર જાહેર ખર્ચાની બાબતે અને નાગરિકોને કનડતી રોજબરોજની સમસ્યાઓ તરફે તદ્દન દુર્લક્ષ સેવી રહી છે. તળ સુરતની ત્રાહિમામ્ થઈ ચૂકેલી પ્રજા હવે કંઈ જ નક્કી નથી કરી શક્તી કે, આવનારી ચૂંટણીઓમાં કોની તરફે મતદાન કરવું. એક તરફ છૂપો લોકઆક્રોશ ચરમસીમા ઉપર છે, ત્યારે બીજી તરફે ‘‘કૌભાંડી’’ એવી ભૂતપૂર્વ કોંગ્રેસ સરકારની જ અદ્દલ રીતરસમે હાલની સરકાર પણ પોતાના જાહેર લોકાભિમુખ કાર્યક્રમોમાં જનમેદની એકઠી કરવા પ્રયત્નશીલ છે. છેવાડાનાં ગામડાંઓના સંકલિત બાળ વિકાસ અને સમાજ કાર્યક્રમના કાર્યકરોને સાદા ગણવેશમાં હાજર કરવામાં નુસખા અપનાવે છે. સુરત મનપાના કર્મીઓને પણ ઉપરી તરફથી અપાતાં મૌખિક સૂચનો મુજબ ‘ગણવેશ વગર’ (સામાન્ય પ્રજા જેવો દેખાડો કરવા હેતુથી) જે તે સ્થળે (તાજેતરમાં જ ‘ઈન્ડોર સ્ટેડિયમ’ ગવાહ છે) હાજર રહેવાનાં ફરમાન જારી થતાં રહે છે.
‘શાણાં’ મતદાતાઓ ‘મન’માંજ બબડે છે કે આ તો ‘ભૂત’ ગયું ને ‘પલિત’ આવ્યું. દારૂના અડ્ડા, હત્યાઓ રાજમાર્ગો ઉપર ‘‘દુકાન’’ની અંદર ‘‘દુકાન’’ (વગર લાઈસન્સની) દુકાનની સામે ‘‘પેટા દુકાનો’’, લારી ગલ્લાનાં દબાણો, વાહન પાર્કિંગ બાબતે રોજબરોજની માથાકૂટો, બહુધા સરકારી કચેરીઓના દરવાજે ‘‘એજન્ટો’’નાં ટોળેટોળાં, શહેરમાં ડોકટર, વકીલ, ઈજનેરો, શિક્ષણવીરો, સામાજિક કાર્યકરો’ના જાણે મુખોટા પહેરાવી દરેક ક્ષેત્રને જાણે રાજકીય અખાડામાં પરિવર્તિત કરી રહેલ ‘‘સત્તાભૂખ્યા’’ સેવકો દેશને અને ગુજરાતી રાજ્યને કઈ દિશામાં અને કેવી દશામાં તબદીલ કરશે? એટલો તો ‘‘નિષ્કર્ષ’’ છે કે,…. ‘‘અચ્છે દિન’’ નો વાયદો ભૂલી જવાનો અને ‘‘યોગ’’ ને બદલે ‘‘ઉપયોગ’’ કોનો, કેવી રીતે, ક્યારે કરવો એ તમામ બાબતોનો અભ્યાસ સાંપ્રત યુવાપેઢીને કમળધારીએ શીખવી દીધો છે.
સુરત – પંકજ શાં. મહેતા – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.