Columns

ત્રણ વસ્તુઓ

એક યુવાન પત્રકાર જાતમહેનતે સફળ થયેલા બિઝનેસમેનનો ઇન્ટરવ્યુ લેવા ગયો. યુવાન પત્રકાર ઘણું હોમવર્ક કરીને ગયો હતો. તે બિઝનેસમેનના ગરીબાઈથી ભરેલા ભૂતકાળ વિષે અને મળેલી સફળતા વિષે બધું જ સંશોધન કર્યું હતું. તેણે ઇન્ટરવ્યુ શરૂ કરતાં જ કહ્યું, ‘સર, તમારા વિષે ઘણું બધું લોકો જાણે છે. મારે તમને એવા પ્રશ્ન પૂછવા છે જે વિશે લોકો જાણતા ન હોય.’ બિઝનેસમેન હસ્યા અને બોલ્યા, ‘ભાઈ, મારું જીવન તો ખુલ્લી કિતાબ જેવું છે. બધાં બધું જાણે જ છે.પૂછો, તમારે જે પૂછવું હોય તે.’પત્રકારે પૂછ્યું, ‘સર, મારો પ્રશ્ન તમને સામાન્ય લાગશે પણ મારે જાણવું છે કે તમારી અસામાન્ય સફળતાનું રહસ્ય શું છે?’ બિઝનેસમેન બોલ્યા, ‘મારી સફળતાનો આધાર ત્રણ વસ્તુઓ પર છે.’

પત્રકાર ધીરજ ન રાખી શક્યો. તેણે તરત વચમાં પૂછ્યું, ‘સર, કઈ ત્રણ વસ્તુઓ.’ બિઝનેસમેન બોલ્યા, ‘જે ત્રણ વસ્તુ પર મારી સફળતાનો આધાર છે તે ત્રણ વસ્તુઓ અત્યારે અહીં આ કેબીનમાં છે…..એક ડસ્ટબિન- બે ટેબલ ખુરશી – ત્રણ સોફ્ટ બોર્ડ. આ ત્રણ વસ્તુઓ જીવનમાં આગળ વધવા માટે બહુ જરૂરી છે.’ યુવાન પત્રકારને બિઝનેસમેનનો આ જવાબ જરા વિચિત્ર અને અટપટો લાગ્યો.તેણે ધીમેથી પૂછ્યું, ‘સર, આ ત્રણ વસ્તુઓ તો બધા પાસે હોય છે.

પણ બધા સફળ નથી થઈ શકતા.’ બિઝનેસમેન બોલ્યા, ‘આ ત્રણ વસ્તુઓ સફળતા મેળવવા કઈ રીતે મદદ કરે છે સમજાવું છું.સૌથી પહેલાં ડસ્ટબિન…તમારા ભૂતકાળને ડસ્ટબિનમાં નાખી દો…ગઈ કાલ સુધીની ભૂલો ,નકારાત્મક બાબતો વગેરેને નકામા કાગળની જેમ ડસ્ટબિનમાં નાખી દો અને આગળ વધો.રોજ નવી શરૂઆત કરો.તેને માટે જરૂરી છે આ ટેબલ ખુરશી…જ્યાં તમારે વર્તમાનમાં જીવવાનું છે…જેની પર આજમાં જીવો,આજનું કામ આજે જ કરો અને જયાં સુધી કામ પૂરું ન થાય, ટેબલ ખુરશી પરથી ઊઠો નહિ.સતત કામ કરો અને સતત મહેનત કરો.ત્રીજી વસ્તુ છે સામે રહેલું સોફ્ટ નોટીસ બોર્ડ જ્યાં તમારે ભવિષ્યનું ચિત્ર લગાવવાનું છે.

જુઓ આ સામે લગાવેલા સોફ્ટ બોર્ડ પર મારા કાળના  કામનું લીસ્ટ છે. સાથે સાથે આગામી દસ વર્ષના પ્રોજેક્ટ પણ લગાવ્યા છે અને મારાં ગમતાં દસ સપનાંઓ પણ લખ્યાં છે, જે હું પૂરાં કરવા માંગું છું અને આ સોફ્ટ બોર્ડ મારી નજરની સામે જ રાખ્યું છે એટલે મારા કાલના કામ, ભવિષ્યના પ્રોજેક્ટ અને મારાં સપનાંઓ મારી નજરની સામે રહે છે. આ ત્રણ વસ્તુઓ બધા પાસે હોય છે પણ કઈ સમજ સાથે તેનો ઉપયોગ થાય છે તેની પર સફળતાનો આધાર રહેલો છે. ભૂતકાળને ફેંકી દો…પણ જેમ કંઈ પણ વસ્તુ ફેંકતાં પહેલાં આપને બે વાર તપાસી લઈએ તેમ ભૂતકાળને તપાસી ભૂલોમાંથી જરૂરી પાઠ શીખી તેને ફેંકી દો.વર્તમાનમાં જીવો અને સખ્ત મહેનત કરો. ભવિષ્યને નજર સામે રાખો.’ યુવાન પત્રકાર બિઝનેસમેનના વિચારો જાણી અને અનોખો જવાબ મેળવી ખુશ થયો.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top