એક મનોવિજ્ઞાનના પ્રોફેસર.જીવન જીવવાની રીત પર સમજાવી રહ્યા હતા. તેમણે કહ્યું, ‘પ્રવચન નહિ. આજે આપણે એક ગેમ રમીશું.પણ આ ગેમ રમવાની શરૂ કરતાં પહેલાં મારા પ્રશ્નોના જવાબના આધારે તમારી ટીમ નક્કી થશે.ત્રણ ટીમ છે.ટીમ એ…ટીમ બી…અને ટીમ સી..’ પ્રોફેસરે સવાલ પૂછવાના શરૂ કર્યા.પહેલો પ્રશ્ન પૂછ્યો, ‘સાચા હ્રદયથી જવાબ આપજો તમારામાંથી કેટલા એમ વિચારે છે કે પહેલાં હું કેટલો શક્તિવાન કે કેટલી સુંદર હતી.હવે નથી ….કેટલા એમ વિચારે છે કે પહેલાં જે જાહોજહાલી આપણી પાસે છે તે હવે ક્યારેય નહિ આવે …….ટૂંકમાં કોના મનમાં ઓછા કે વધારે અંશે દુઃખ, હતાશા અને નિરાશાના ભાવ છે …..’ઘણા બધા લોકોએ હાથ ઊંચા કર્યા..પ્રોફેસરે કહ્યું, ‘તમે બધા ટીમ એ છો.’
પછી પ્રોફેસરે પૂછ્યું, ‘તમારામાંથી કેટલા એમ વિચારે છે કે હું આજે જે ઘરમાં રહું છું આવતી કાલે આનાથી મોટું ઘર લઇ શકીશ કે નહિ.મારી ડ્રીમ કાર ક્યારે ખરીદી શકીશ..આજે પૈસા છે આવતી કાલે નહિ હોય તો શું કરીશ.કાલે મને કંઈ થઇ જશે તો મારા કુટુંબનું શું થશે? ટૂંકમાં કોના કોના મનમાં વધારે કે ઓછા અંશે સતત ચિંતા અને ચિંતા જ રહે છે.’ ઘણાં લોકોએ હાથ ઊંચા કર્યા.પ્રોફેસરે કહ્યું, ‘તમે બધા ટીમ બી છો.’ હવે શ્રોતાજનોમાં બહુ ઓછા લોકો બચ્યા હતા.તેઓ ટીમ સી માં રહ્યા.’પ્રોફેસર બોલ્યા, ‘હવે મારી વાત ધ્યાનથી સાંભળજો. આ ટીમ સી ના લોકો.શું તમે મનથી ખુશ છો.અત્યારે તમે માત્ર આ ગેમ માણી રહ્યા છો.શું તમારું મન શાંત છે.’ લગભગ બધાએ હકારમાં જવાબ આપ્યો.
પ્રોફેસર બોલ્યા, ‘હવે સાંભળો.આ ટીમ એ નું નામ ભૂતકાળ છે.જેઓ ભૂતકાળમાં જીવે છે તેમને સતત નિરાશા અને હતાશા ઘેરી વળે છે.તેમાંથી છૂટવાનો એક જ રસ્તો.જૂની જૂની સારી કે ખરાબ વાતો યાદ કરવાનું બંધ કરો.તમે પાછા ભૂતકાળમાં જઈને તે બદલી શકવાના તો નથી જ.બરાબર હવે વાત ટીમ બી ની. તેનું નામ ભવિષ્યકાળ છે.જેઓ સતત ભવિષ્યકાળની ચિંતા કરે છે.જે તમે હજી જોયું જ નથી તેની ચિંતા અત્યારથી કરી આજ શું કામ બગાડો છો’ અને ટીમ સી.નામ તમે સમજી જ ગયા હશો વર્તમાન કાળ.જેઓ ખુશ રહે છે શાંત રહે છે અને જીવન માણી શકે છે.આજમાં જીવો.આજનો અત્યારનો આનંદ લો.’ આ ત્રણ ટીમ ત્રણ કાળમાં જીવતાં લોકો છે.ટીમ એ અને ટીમ બી ના મેમ્બર વધારે છે ટીમ સીના ઓછા.પણ જીવનની રમતમાં વિજેતા ટીમ સી જ નીવડે છે. જીવન સુંદર સુખમય જીવવું હોય તો ટીમ સી ના મેમ્બર બની જાવ.જીવન જીતી જશો.
-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.