Columns

ત્રણ પ્રશ્ન

આશ્રમમાં એક નિયમ હતો. રોજ સાંજે ગુરુજી પ્રવચન આપતા અને ગુરુજીના પ્રવચન બાદ પ્રશ્નોત્તરીનો દોર શરૂ થતો. બધાં શિષ્યો પોતાના મનને મૂંઝવતા પ્રશ્નો ગુરુજીને પૂછી માર્ગદર્શન મેળવતા. એક નવા નવા આવેલા શિષ્યે ગુરુજીને કહ્યું, “ગુરુજી મારે તમને ત્રણ પ્રશ્ન પૂછવા છે. આપની આજ્ઞા હોય તો પૂછું?” ગુરુજીએ માથું ધુણાવી હા પાડી. શિષ્યે પહેલો પ્રશ્ન પૂછ્યો, “ગુરુજી, મારો પહેલો પ્રશ્ન છે – કોઈની પણ પાસેથી શું લેવું જોઈએ?”

ગુરુજીએ જવાબ આપ્યો, “વત્સ. સૌથી લેવા-યોગ્ય કોઈ ચીજ હોય તો તે ‘જ્ઞાન’ છે. કોઈની પણ પાસેથી કંઇક લેવું હોય તો જ્ઞાન લો. જેને મળો; બધા પાસેથી કંઈ ને કંઈ શીખતાં રહો. દરેક પાસેથી તમે નવું જાણી અને શીખી શકો છો. માત્ર જ્ઞાન મેળવવાની લગન અને શીખવાની ધગશ હોવી જોઈએ. મન અને મગજની આંખો ખુલ્લી રાખીએ તો પ્રકૃતિના દરેક સજીવ અને નિર્જીવ તત્ત્વો કંઇક જાણવા જેવું શીખવાડે છે. ”
શિષ્યે બીજો પ્રશ્ન પૂછ્યો, “ ગુરુજી, કોઈને પણ શું આપવું જોઈએ?”

ગુરુજીએ કહ્યું, “વત્સ,આપવા યોગ્ય છે ‘દાન’. કોઈને પણ તમે દાન આપો.દાન માત્ર પૈસાનું જ હોય તેવું નથી. તમારી પાસે પૈસા ખપ પૂરતા હોય તો તમારી પાસે જે હોય તે આપો. કોઈને સાથ આપો. મદદ કરો. પૈસા ..જ્ઞાન ….અન્ન..વસ્ત્ર દાન કરો અને તમારી પાસે કંઈ ન હોય તો પણ તમે બિમાર વૃધ્ધની સેવા કરી; સેવા દાન કરી શકો …તે પણ ન કરી શકો તો માત્ર તમારી પ્રાર્થનામાં અન્ય માટે પ્રાર્થના કરી દુઆનું દાન આપી શકો.”
શિષ્યે ત્રીજો પ્રશ્ન પૂછ્યો, “ ગુરુજી, જીવનમાં સૌથી નકામું અને ત્યાગવા જેવું શું છે?”

ગુરુજીએ જવાબ આપ્યો, “વત્સ,સૌથી નકામું અને ત્યાગવા જેવું આપણું પોતાનું અભિમાન છે. ઘમંડ સૌથી ખરાબ વસ્તુ છે. તેનો સદા માટે ત્યાગ કરવો જોઈએ. ધનનું ,રૂપનું ,જ્ઞાનનું .શક્તિનું… અભિમાન કોઈ પણ વાતનું હોય, નુકસાનદાયક છે. જીવનમાં દરેક વસ્તુ ક્ષણભંગુર છે અને અભિમાન, અભિમાન કરનારને જ એક દિવસ નીચે પાડે છે; માટે અભિમાનનો સદા ત્યાગ કરવો. મનમાં અભિમાનનો અંકુર ફૂટે તેવો જ કાપી નાખવો જોઈએ.જવાબ આપ્યા બાદ ગુરુજીએ કહ્યું, “વત્સ, તારા સવાલોથી આજે તમને બધાને સુંદર જીવન માટે જરૂરી વાત જાણવા મળી છે.

Most Popular

To Top