Columns

ત્રણ કિંમતી વસ્તુઓ – જ્ઞાન, પૈસા અને સમય

એક દિવસ રોહન કોલેજમાં જવા તૈયાર થતો હતો ત્યારે દાદાએ કહ્યું, ‘દીકરા તારે હજી ભણવાના કેટલા વર્ષ બાકી છે?’ રોહન બોલ્યો, ‘દાદા આ ગ્રેજ્યુએશનનું છેલ્લું વર્ષ છે પણ હજી આગળ પ્રોફેશનલ ડિગ્રી માટે ત્રણ વર્ષ ભણવું પડશે.’ આટલું કહીને રોહન સાંજે મળીએ આવજો કહીને નીકળી ગયો.  સાંજે દાદા રોહનની રાહ જોતા બેઠા હતા. રોહન આવ્યો એટલે દાદાએ કહ્યું, ‘ચાલ આપને આઈસ્ક્રીમ પાર્ટી કરીએ, તારી મમ્મીને કહેતો નહીં.’ રોહન તેના દાદાની ફેવરીટ આઈસ્ક્રીમ લઇ આવ્યો. દાદાએ કહ્યું, ‘રોહન, આજે મારે તને બહુ મહત્ત્વની વાત સમજાવવી છે.

તને ખબર છે કે જીવનમાં કેટલી કરન્સી છે.’ રોહન બોલ્યો, ‘દાદા કરન્સી તો દુનિયામાં ઘણી છે દરેક દેશની જુદી અને આપણો રૂપિયો.’ દાદા બોલ્યા, ‘એ મને ખબર છે પણ આ પૈસા એક કરન્સી છે તેવી જ બીજી બે કરન્સી છે, સમય અને જ્ઞાન જેનું આદાન-પ્રદાન કરી તમે બીજી વસ્તુઓ મેળવી શકો છો.’ રોહનને કઈ સમજાયું નહીં તે બોલ્યો, ‘દાદા પૈસા બરાબર પણ જ્ઞાન અને સમય આપીને કઈ રીતે કઈ મળી શકે?’ દાદા બોલ્યા, ‘દીકરા જો અત્યારે તું તારા જીવન ઘડતરનાં મહત્ત્વનાં તબક્કે છે એટલે મારે તને આ ત્રણ વસ્તુનું મહત્ત્વ સમજાવવું છે અને તેનું ગણિત પણ સમજાવવા જેવું છે. જીવનમાં જ્ઞાન, પૈસા અને સમય ત્રણેય બહુ મહત્ત્વના અને કિંમતી છે. જીવન સંપૂર્ણ રીતે આનંદથી જીવવા આ ત્રણે વસ્તુ જરૂરી છે.’ રોહનને દાદાની વાતમાં રસ પડ્યો, તે બોલ્યો, ‘દાદા તમારી વાત એકદમ સાચી છે, હવે મને સમજાયું.’

દાદા બોલ્યા, ‘દીકરા જીવનમાં હંમેશા યાદ રાખજે કે આ ત્રણે વસ્તુઓનો સમજીને ઉપયોગ કરજે અને જાળવીને રાખજે આ ત્રણ વસ્તુઓ મહત્ત્વની છે, કિંમતી છે અને તેમનો અરસ-પરસ સબંધ પણ અનોખો હિસાબ ધરાવે છે.’ રોહન બોલ્યો, ‘કેવો હિસાબ?’ દાદાએ કહ્યું, ‘આ ત્રણમાંથી એક મેળવવા તારે બીજી બે વસ્તુઓ આપવી પડશે. ‘જ્ઞાન’ મેળવવા માટે સમય લાગશે અને ફી રૂપે પૈસા લાગશે. ‘પૈસા’ મેળવવા તારો સમય અને જ્ઞાન આપીને કામ કરવું પડશે અને ‘સમય’ મેળવવા જ્ઞાન અને પૈસા વાપરવા પડશે. એટલે એકદમ સમજીને કોઇ પણ વસ્તુને વેડફાટ ન થાય તે રીતે જીવનમાં આગળ વધજે. ત્રણ મહત્ત્વની વસ્તુઓ સમજી વિચારીને વાપરજે અને સમજી વિચારીને મેળવજે.’ દાદાએ પોતાના અનુભવમાંથી એક સુંદર સમજ જીવન શરૂઆત કરતા પૌત્રને આપી.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top