સુરત: શહેરમાં અસામાજિક તત્ત્વો બેફામ બન્યા છે. સોમવારે તા. 20 જૂનની રાત્રે શહેરના ઉન વિસ્તારમાં આવેલા બીઆરટીએસ બસ સ્ટેશનમાં ત્રણ તોફાનીઓ ઘૂસી ગયા હતા અને બસ સ્ટેશનના કેશિયર સાથે ઝઘડો કર્યો હતો. ત્યાર બાદ બસના કાચ અને સીસીટીવી કેમેરા તોડી નાંખી ત્યાંથી ફરાર થઈ ગયા હતા. આ મામલે બસ એજન્સી દ્વારા ભેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે.
- ઉન બીઆરટીએસ સ્ટેશનની ઘટના, 3 લોકોએ તોડફોડ કરી બસનો કાચ અને કેમેરા તોડી નાખ્યા
- સોમવારે રાત્રે બસ સ્ટેન્ડમાં ઘુસી આવેલા અજાણ્યાઓએ તોડફોડ કરી ફરાર
- બસ ઓપરેટ કરતી એજન્સીએ ભેસ્તાન પોલીસ મથકમાં નોંધાવી ફરિયાદ
- પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી
પ્રાપ્ત માહિતી અનુસાર સોમવારે રાત્રે લગભગ 8 વાગ્યાના અરસામાં શહેરના ઉન વિસ્તારમાં આવેલા બીઆરટીએસ બસ સ્ટેશનમાં આસિફ પિંજરી નામના વ્યક્તિએ તેના મિત્રો સાથે ઘુસી જઈ તોફાન મચાવ્યું હતું. આસિફે બસ સ્ટેશનના કેશિયર સાથે ઝઘડો કર્યો હતો. આસિફના પોકેટમાંથી રૂપિયા બસ સ્ટેન્ડમાં ખોવાઈ ગયા હતા. તે મામલે આસિફે સિટી બસના કર્મચારી અફઝલ હુસેન પર આરોપ મુક્યો હતો.
આ મામલે બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. મામલો ઉગ્ર બન્યા બાદ આસિફે અફઝલને તમાચો મારી દીધો હતો. આસિફ સાથે આવેલા તેના મિત્રએ લોખંડની પાઈપથી બસ સ્ટેન્ડના કાચના દરવાજા તોડી નાંખ્યા હતા. આ સમગ્ર ઘટના બસ સ્ટેશનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી.
સીસીટીવી કેમેરામાં જોઈ શકાય છે કે આસિફ અને તેના મિત્રો સળીયો મારી કાચ તોડી રહ્યાં છે. આ સમગ્ર મામલે સિટી બસના કર્મચારી અફઝલે પોતાના ઉચ્ચ અધિકારીઓને જાણ કરી હતી. ત્યાર બાદ એજન્સીના સંચાલકોએ સીસીટીવી ફૂટેજના આધારે આસિફ પિંજરી અને તેના બે મિત્રો વિરુદ્ધ બેસ્તાન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તપાસ શરૂ કરી છે.