સુરતઃ તત્કાલીન પોલીસ કમિશનર અજય કુમાર તોમરે સુરતમાં નો ડ્રગ્સ ઈન સિટી ઝૂંબેશ ચલાવી હતી. સુરત શહેરમાંથી ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા માટે તોમરે એડી ચોટીનું જોર લગાવ્યું હતું, પરંતુ તેઓ પોતાના પ્રયાસમાં નિષ્ફળ ગયા હોય તેમ લાગી રહ્યું છે. સુરત શહેરમાં અત્યારે ભજિયા અને પાનની દુકાન પર પણ ડ્રગ્સ વેચાવા લાગ્યું છે. લાલગેટ વિસ્તારમાંથી ત્રણ પેડલરો પકડાતા આ ચોંકાવનારો ખુલાસો થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના લાલગેટ વિસ્તારમાંથી પોલીસે એમડી ડ્રગ્સનો મોટો જથ્થો કબ્જે લીધો છે. લાલગેટ પોલીસે શુક્રવારે તા. 19 જુલાઈની મોડી રાત્રે એમડી વેચવા નીકળેલા 3 પેડલરોને પકડ્યા છે. પ્રાથમિક પૂછપરછમાં પેડલરોએ પોતે ભજિયાંની દુકાન અને પાનના ગલ્લાની આડમાં ડ્રગ્સ વેચતા હોવાની પોલીસ સમક્ષ કબૂલાત કરી છે.
પોલીસ સૂત્રોએ કહ્યું કે, બાતમીના આધારે શુક્રવારની મોડી રાત્રે લાલગેટ વિસ્તારમાંથી આરોપી પેડલરો મોઇનુદ્દીન સલાઉદ્દીન અંસારી (ઉં.વ.36, ધંધો. ભજીયાની લારી, રહે. 401, અફરા ટાવર, સૈયદપુરા, લાલગેટ, સુરત), રાશીદજમાલ ઉર્ફે બનારસી ઉસ્માનગની અંસારી (ઉં.વ.21, ધંધો.સાડીના કારખાનમાં છેટક મજુરી, રહે.402, અમન એપાર્ટમેન્ટ, ફુલવાડી, ભરીમાતા રોડ, સુરત) અને મહોમદજાફર મોહમદસીદ્દીક ગોડીલ (ઉં.વ.38, ધંધો.કાપડ દલાલી, રહે.એ-11/12, લીંક કોર્નર, નિશાત સોસાયટી, અડાજણ પાટીયા, રાંદેર, સુરત)ને ઝડપી પાડ્યા છે.
આ ત્રણ પેડલરો પાસેથી પોલીસે ત્રણેય આરોપીઓ પાસેથી અલગ અલગ જથ્થામાં પ્રતિબંધિત મેફેડ્રોન ડ્રગ્સ કુલ વજન 125.71 ગ્રામ વજનનું જેની બજાર કિંમત રૂ.12,57,100 થાય છે, તે મળી આવ્યું હતું. પોલીસે ત્રણે આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ મુજબનો ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
ડ્રગ્સને કોડવર્ડમાં દવા કહી વેચતા
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પેડલરોએ કબૂલાત કરતા કહ્યું કે પોતે હોડી બંગલા રાજકમલ બેકરીની ગલીમાં મોઇનુદ્દદીન સલાઉદીન અંસારીની ભજીયાની લારી ઉપર ડ્રગ્સ મંગાવી વેચાણ કરતા હતાં. આરોપી મોઈનુદ્દીનને ભાજીયાની લારી તથા પાનનો ગલ્લો છે. આરોપી રાસીદ જમાલ અને મોહમદ જાફર પણ ત્યાં બેસવા આવતા હતાં. ત્રણેયની મિત્રતા થઈ હતી. બંને આરોપીઓ એમ.ડી.નો નશો કરવાની ટેવ વાળા હતો. અવાર નવાર ચોરી છુપીથી ડ્રગ્સ મેળવી નશો કરતા હતા.
આરોપી જાફરને ધંધામાં મંદી હોવાથી છેલ્લા એકાદ માસથી મુંબઇથી કોઇપણ રીતે એમ.ડી. ડ્રગ્સ લાવતો હતો. આ પાનના ગલ્લાં ઉપર ત્રણેય ભેગા થતા. આરોપી રાશિદ ગ્રાહકો શોધી લાવતો હતો. જાફર જરૂરીયાત મુજબનો વજન કરી આપતો હતો. ત્યારબાદ જમાલ અને અંસારી ગ્રાહકોને રૂબરૂ જઈ વેરીફાઈ કરી અને ડ્રગ્સની ડિલીવરી કરવા ખાંચામાં બોલાવી રૂપિયા લઈને ડ્રગ્સ આપતાં હતાં. ગ્રાહકો સાથે કોર્ડવર્ડમાં વાત કરતાં હતાં. આરોપીઓ ગ્રાહકો સાથે ‘દવા ના કોડવર્ડમાં વાતચીત કરતા હતા. પોલીસે ભજીયાની લારી પાસે પાનના ગલ્લા પાસે રેઇડ કરી ચેક કરતા ત્રણેય આરોપીઓ પાસેથી અલગ અલગ જથ્થામાં પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપી લેવાયું હતું.