Columns

ત્રણ એકુ ત્રણ… પ્રણય ત્રિકોણનો ત્રીજો ખૂણો પણ!

‘3’એ અવિભાજ્ય સંખ્યા છે. 3 ને 3 વડે જ ભાગી શકાય છે. 3 એ બહુ જ શુભ આંકડો છે. પૃથ્વીની ઉત્પત્તિમાં ત્રિદેવ  ‘બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ’નો ફાળો એ પૌરાણિક સનાતન સત્ય છે. વિદ્યાની દ્રષ્ટિએ “જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા’ એમ 3 શિક્ષા છે. કર્મની દ્રષ્ટિએ ‘કર્તા, કર્મ અને ક્રિયાપદ એ 3 પરિમાણ છે. મેડીટેશનની દ્રષ્ટિએ ધ્યાન, ધ્યેય અને ધ્યાતા’ એ 3 યોગ છે. ખોરાક અને સ્વભાવ પણ ‘રાજસિક, સાત્ત્વિક, તામસિક એમ 3 પ્રકારના છે. દિવસના વિભાજન પણ ‘પ્રભાત, મધ્યાહ્ન અને સંધ્યા’ એમ 3 હોય છે. જીવન પણ ‘બાળપણ, યુવાની અને ઘડપણ’ એમ 3 કાળખંડમાં વિસ્તરેલું છે. વરસની 3 મુખ્ય ઋતુઓ પણ ઠંડો શિયાળો, ગરમ ઉનાળો અને ભીનું ચોમાસું છે.

કેટલાકને ‘3’ કે ત્રણ શબ્દ નજર સામે દેખાય કે મગજમાં ફ્લેશ થાય તો તરત જ પહેલો વિચાર પ્રણય ત્રિકોણનો આવે છે. બોલિવુડમાં તો પ્રણય ત્રિકોણ ઉપર લગભગ 500 ફિલ્મો બનેલી હશે પણ પહેલી યાદ આવે સંજીવકુમાર-વિદ્યા-રંજીતાની ‘પતિ, પત્ની ઔર વો’ અને બીજી મારી ઉંમરના લોકોની ઓલ ટાઈમ ફેવરીટ પ્રેમત્રિકોણ ફિલ્મ રાજ-રાજેન્દ્ર-વૈજયંતીની ‘સંગમ’. જ્યારે બે સમાંતર જતી રેખાઓ સીધી ચાલતી હોય ત્યાં સુધી વાંધો નથી આવતો પણ તેમાં કોઈ પણ એક સીધી લીટી આડી લીટી થાય ત્યારે તેને ત્રીજી લીટી મળીને ખૂણો બનાવે છે.

પ્રણય ત્રિકોણ સદીઓ જૂની લગ્ન ઈતર એક સામજિક સમસ્યા છે અને સાથે કેટલાક પ્રશ્નો પણ લાવે છે. પહેલો પ્રશ્ન તે કેમ થાય છે? તે પાછળ એકની કે બંનેની ‘યે દિલ માંગે મોર’. ‘એકનું એક રોજ ખાવાથી ગળું પણ ભાંગી જાય કે “પારકે ભાણે લાડુ મોટો’ જેવી 3 – 3 કહેવતોની માનસિકતા કામ કરતી હોય છે. બીજો પ્રશ્ન તે ક્યાં થાય છે? ઓફિસમાં એક જ એન્વાયરમેન્ટમાં કયારેક બે જુદી જુદી વ્યક્તિઓ લાંબા સાથના સહવાસમાં નજીક આવી જતી હોય છે. ત્રીજો પ્રશ્ન કયારે થાય છે? રોજબરોજના લગ્ન વિખવાદ, એકબીજાથી અસંતોષ અને અતૃપ્તિ અને ત્રીજી વિજાતીય વ્યક્તિની સહાનુભૂતિ પ્રેમ પિરામિડના ત્રિકોણમાં ઇંધણ પૂરું પાડે છે, ચોથો પ્રશ્ન કોને થાય છે?

કેટલાક પુરુષો રંગબેરંગી ફૂલો ઉપર પતંગિયાની જેમ ફુદરડીઓ ફરતા હોય છે. જવલ્લે જ સ્ત્રીઓમાં ક્યારેક એજ ડીફરન્સના કારણે માનસિક અને શારીરિક અસંવાદિતા કારણભૂત હોય છે. પ્રણયત્રિકોણનું ભવિષ્ય ત્રણેય વ્યક્તિઓની સહનશક્તિ અને સમજશક્તિ ઉપર આધારિત હોય છે, એ પણ હકીકત છે કે બે સમાંતર ટ્રેનના પાટાઓ જેવી મુસાફરી લાંબો પ્રવાસ કરી શકે છે. ત્રિકોણના ત્રણેય ખૂણાઓ વિપરીત હોવાથી બહુ જ ટૂંકા પ્રવાસમાં તન,મન અને ધન એમ 3 રીતે ફસકી પડે છે. ત્રિકોણના ત્રણે ખૂણાઓ ત્રણે વ્યક્તિઓને એવા વાગે છે કે ત્રણેયના મગજના 2 અડધિયા અને હૃદયના 4 ખાના અસ્તવ્યસ્ત થઈ જાય છે.

ભારતને આઝાદી મળ્યા પછી 60થી 80ના દાયકામાં સુખી કુટુંબ માટે એક નાનું સૂત્ર હતું ‘અમે બે અમારા બે’, એમાંય અમારા બે એટલે બે બાબાઓ, બે બેબીઓ અથવા એક બાબો અને એક બેબી. બે બાબાઓ ભવિષ્યમાં વહુઓ લાવે એટલે નાનું કુટુંબ મોટું કુટુંબ બને. બે બેબીઓ પારકાની થાપણ બનીને સુખી કુટુંબ વધુ નાનું કરે છે. એક બાબો વહુ લાવતો અને એક બેબી જમાઈ પાસે જતી હોવાથી નાના કુટુંબનો હિસાબ સરભર રહેતો હતો. 1980ના દાયકામાં ભારતમાં વસતી વિસ્ફોટ થયો અને કુટુંબ નિયોજનનો એક ઊંધો ત્રિકોણ પોપ્યુલર થયો. પેલું સૂત્ર ડાઉનગ્રેડ થઈને ‘અમે બે અને અમારું એક” જેવું સંકોચાઈ ગયું. હાલની વિભાજીત કુટુંબ વ્યવસ્થામાં એક કમનસીબી છે કે બંને વર્કિંગ પેરન્ટસને એક બાળકના ઉછેર માટે પણ સમય, શક્તિ અને સાધનો ઓછા પડે છે. એ દિવસ દૂર નથી કે સૂત્ર અમે બે અને બસ અમે જ બે સુધી સીમિત રહેશે.

3 ઉપર કહેવતો પણ 3 ગણી એટલે કે 9 છે. ‘3 ખૂણાની ટોપી’ આમ તો ક્યારેય જોઈ નથી પણ અર્થ એવો થાય કે જેમ ફેરવીએ તેમ ફેરવાય. ‘3%નું કદાચ વ્યાજ લેવાતું હશે પણ અર્થ થાય છે કે હલકું, નીચું કે ઈજજત વગરનું. ‘3 ટીંખણ કે ત્રેખડ’ નેગેટીવ વાઈબ આપે છે. તેનો અર્થ એવો થાય કે 3 જણ ભેગા થાય એટલે સારું અને નક્કી કામ થાય નહિ. એની બિલકુલ ઓપોઝીટ કહેવત ‘3 તે 33ની ગરજ સારે’ મિનીંગ બાય 3 જણાના પ્રમાણમાં ઘણું કામ થવું. ‘ત્રણ પચીસનો તાલવેંત’ એટલે શો ઓફ કરવું. પાસે પૈસા ના હોવા છતાં શ્રીમંત હોવાનો ડોળ કરવો. ‘3 પાયાનું’ એટલે અચોક્કસ મનનું. ‘ત્રણ પાંચ કરવી’ એટલે કજીયો કે તકરાર કરવી.

બદામ ભલે તમારો IQ વધારતી હશે પણ ‘3 બદામનું’ એટલે હલકું કે તુચ્છ, ‘નહિ ત્રણમાં નહિ તેરમાં, નહિ છપ્પનના મેળામાં’ એટલે અડકીયું દડકીયું, કોઈ જાતની ગણતરીમાં નહિ એવું. મોટાભાગના દેશોની ટંકશાળમાં 1, 2 કે 5 અને 10નો સિક્કો કે નોટ બનાવાતી હશે પણ 3નો સિક્કો કે 3ની કરન્સી નોટ એટલા માટે નથી ઘડાતી કે છપાતી કે 3ના ગુણાંકમાં થતી સંખ્યા કે રકમ 1 અને 2ના સિક્કા કે નોટ ભેગા કરીને આપી શકાય છે. કોઈને આશીર્વાદ સાથે રૂપિયા ૧૧ નું કવર આપીએ તો તે શુભ છે. જો તેને રૂપિયા 13 નું કવર આપીએ તો તે વર્લ્ડવાઈડ અશુભ સંખ્યા હોવાથી અપશુકન થાય છે. કદાચ આ જ કારણથી 20, 200 કે 2000 હજારની નોટો છે પણ 30, 300 કે 3 હજારની નોટો જોવા મળતી નથી.

Most Popular

To Top