Editorial

વિશ્વના સૌથી પ્રદૂષિત ચાર શહેરોમાંથી ત્રણ શહેરો ભારતમાં: નર્યું શરમજનક

હાલમાં વિશ્વની હવાની ગુણવત્તા અંગેનો અહેવાલ બહાર પડ્યો છે જે ભારત અને તેના પાડોશી દેશો માટે તો એક કરૂણ ચિત્ર રજૂ કરે જ છે પરંતુ સમગ્ર વિશ્વના દેશો માટે પણ એક ચિંતાજનક ચિત્ર રજૂ કરે છે. આઠમા વર્લ્ડ એર ક્વોલિટી રિપોર્ટ અનુસાર, પાકિસ્તાન વિશ્વનો સૌથી પ્રદૂષિત દેશ છે, ત્યારબાદ બાંગ્લાદેશ અને તાજિકિસ્તાન આવે છે, જ્યારે ભારત છઠ્ઠા ક્રમે છે. પાકિસ્તાન સૌથી પ્રદૂષિત દેશ છે અને ભારતનો ક્રમ તો છઠ્ઠો છે એમ કહીને આપણે ભલે ખુશ થઇએ પણ ભારતનું જ એક શહેર વિશ્વનું સૌથી પ્રદૂષિત શહેર છે અને સૌથી પ્રદૂષિત પાંચ શહેરોમાંથી ચાર તો ભારતના છે. આથી આપણે આ બાબતમાં ઘણુ જ કરવાનું જરૂરી છે તે સમજાય છે.

 આ અહેવાલ મુજબ વિશ્વના દસ સૌથી પ્રદૂષિત શહેરોમાં પાંચ ભારતમાંથી છે – લોની, બરણીહાટ, દિલ્હી, ગાઝિયાબાદ અને ઉલા. અહેવાલમાં જણાવાયું છે કે, વિશ્વના 25 સૌથી પ્રદૂષિત શહેરો ભારત, પાકિસ્તાન અને ચીનમાં આવેલા હતા, જેમાં ભારત ચાર સૌથી પ્રદૂષિત શહેરોમાંથી ત્રણનું ઘર છે. ભારતનું લોની સૌથી પ્રદૂષિત શહેર હતું, જેમાં વાર્ષિક સરેરાશ PM2.5 સાંદ્રતા 112.5 µg/m નોંધાઈ હતી – જે 2024ના વર્ષમાં હતી તેનાથી લગભગ 23 ટકાનો વધારો છે અને WHOની માર્ગદર્શિકા કરતા 22 ગણાથી વધુ છે. 

સ્વિસ એર ક્વોલિટી ટેકનોલોજી કંપની IQAir દ્વારા પ્રકાશિત આ રિપોર્ટની 2025ની આવૃત્તિ, 143 દેશો, પ્રદેશો અને પ્રદેશોના 9,446 શહેરોમાં આવેલા મોનિટરિંગ સ્ટેશનોના ડેટાના વિશ્લેષણ પર આધારિત છે. આ ડેટા 40,000 થી વધુ રેગ્યુલેટરી મોનિટરિંગ સ્ટેશનો અને લો-કોસ્ટ સેન્સર્સ પાસેથી મેળવવામાં આવ્યો છે, જેનું સંચાલન સરકારી એજન્સીઓ, યુનિવર્સિટીઓ, બિન-લાભકારી સંસ્થાઓ, ખાનગી સાહસો અને વિશ્વભરના જાગૃત નાગરિક વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવે છે.

જ્યારે ચીન વિશ્વના સૌથી પ્રદૂષિત દેશોમાં 20મા સ્થાને છે, ત્યારે અમેરિકા 120માં અને યુકે 110માં સ્થાને છે. રિપોર્ટ અનુસાર, માત્ર 13 દેશો અથવા પ્રદેશો – ફ્રેન્ચ પોલિનેશિયા, પ્યુર્ટો રિકો, યુએસ વર્જિન આઇલેન્ડ્સ, બાર્બાડોસ, ન્યુ કેલેડોનિયા, આઇસલેન્ડ, બર્મુડા, રિયુનિયન, એન્ડોરા, ઓસ્ટ્રેલિયા, ગ્રેનાડા, પનામા અને એસ્ટોનિયાએ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ની વાર્ષિક સરેરાશ PM2.5 માર્ગદર્શિકાનું પાલન કર્યું છે. અહેવાલમાં જણાવાયું છે કે, 143 માંથી 130 દેશો અથવા પ્રદેશો (91 ટકા) WHO ની વાર્ષિક સરેરાશ PM2.5 માર્ગદર્શિકાના મૂલ્ય કરતાં વધુ પ્રદૂષિત હતા. આ બાબત દર્શાવે છે કે પ્રદૂષણ નિયંત્રણની બાબતમાં વિશ્વના મોટા ભાગના દેશો બહુ ગંભીર નથી, વિકસીત ગણાતા દેશો પણ નહીં.

પાંચ સૌથી પ્રદૂષિત દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ, તાજિકિસ્તાન, ચાડ અને ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો હતા. વિશ્વના 25 સૌથી પ્રદૂષિત શહેરો ભારત, પાકિસ્તાન અને ચીનમાં આવેલા હતા, જેમાં ભારત સૌથી વધુ પ્રદૂષિત ચાર શહેરોમાંથી ત્રણનું ઘર છે. આપણા માટે ચિંતાની જે બાબત છે તે એ છે કે વિશ્વના સૌથી પ્રદૂષિત શહેરો જે દેશોમાં આવેલા છે તે દેશોમાં ભારતનો પણ સમાવેશ થાય છે. અને વિશ્વના સૌથી પ્રદૂષિત  ચાર શહેરોમાંથી ત્રણ તો ભારતમાં છે. વાયુનું પ્રદૂષણ એ જન આરોગ્યને અસર કરનારી ખૂબ હાનિકારક બાબત છે.

અહેવાલમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે, બાળકો માટે, વાયુ પ્રદૂષણના સંપર્કની અસર આજીવન રહી શકે છે; વિકાસના વર્ષો દરમિયાન શ્વસનતંત્રને થયેલું નુકસાન ઘણીવાર બદલી શકાતું નથી. આ પર્યાવરણીય ફેરફારોમાં સૌથી ઓછી સત્તા ધરાવતા વસ્તી સમૂહ તરીકે, બાળકોએ હવાની ગુણવત્તાની કાયમી આરોગ્ય કિંમત ભોગવવી પડે છે. અહેવાલમાં યોગ્ય રીતે જ કહેવામાં આવ્યું છે કે થોડા સમય માટે નહીં પણ લાંબા ગાળાના લક્ષ્યો સાથે હવાની ગુણવત્તા સુધારવા માટે પગલા લેવા જોઇએ, જે આજે મોટા ભાગના રાષ્ટ્રો કરી શકતા નથી.

Most Popular

To Top