હાલ રોજ બે ત્રણ દિવસે એક યા બીજા કારણે સુરત એરપોર્ટ ચર્ચામાં આવતું રહે છે પણ આમ છતાં દળી દળીને ઢાંકણીમાં અથવા ‘ઠેરના ઠેર’ કેમ રહેવું પડે છે? વડોદરાના લોકોનું ઋણ ચૂકવતા હોય એમ વસતિ, વિસ્તાર, ટ્રાફિક તેમજ આવકમાં સુરત કરતાં ઘણું પાછળ હોવા છતાં વડા પ્રધાને ઈન્ટરનેશનલ એરપોર્ટની ભેટ ધરી દીધી. પણ એ વિશે હાલ નથી કહેવું. અહીં મુંબઈ વેસ્ટર્ન રેલવેના મુખ્ય મથકનું ધ્યાન ખેંચવાનું કે સુરત માટે આવું ઓરમાયું વર્તન કેમ ?
(1) સયાજીનગરી એક્સપ્રેસ વડોદરાથી લઈને ગાંધીધામ સુધી લંબાવી(એના વિકલ્પે વડોદરા ભિલાડ નવી ટ્રેન આપી) સુરતની ખાસ બાન્દ્રા સુરત ઈન્ટરસીટી ટ્રેન જામનગર સુધી લઈ ગયા તો વિકલ્પે બીજી ટ્રેન કેમ નહિ? (2)લગભગ તમામ મહત્ત્વની એક્સપ્રેસ ટ્રેનોમાં અન્ય ઓછો ટ્રાફિક અને આવક ધરાવતાં સ્ટેશનોની સરખામણીમાં એકંદરે રિઝર્વેશન ક્વોટા ઓછો કેમ? (3) સુરતના જ રેલ રાજ્યમંત્રીના પ્રયાસો તથા દૈનિકોએ આધારભૂત માહિતી અને આંકડાકીય વિગતો લગભગ ત્રણ માસ સુધી પ્રગટ કરવા છતાં સુરતને રેલવે ડીવિઝનનો દરજજો શા માટે ના અપાયો?
સુરત – પ્રભાકર ધોળકિયા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે
પગલાં લેવાશે,પણ બાળકોને થયેલા અન્યાયનું શું?
સરકારી કે ગ્રાંટેડ શાળાઓ શિક્ષકોની ઘટના કારણે જેમ તેમ શિક્ષણનું ગાડું ગબડાવે છે. મેરીટના આધારે નિમણૂક પામેલ જ્ઞાનસહાયકો માથે લટકતી તલવારથી સંપૂર્ણ વાકેફ છે. બીજી બાજુ રાજ્યમાં ગુલ્લીબાજ ગુરુઓનો રાફડો ફાટ્યો છે, ત્યારે વાલીઓએ ફરિયાદ કોને કરવી? કોઈની તો રહેમ નજર હશે તો જ ‘ઘેર’હાજર શિક્ષકો સરકારી પગાર લઈ બાળકોને અન્યાય કરતાં અચકાયા નહીં! સૌથી આશ્ચર્યજનક બાબત તો એ છે કે આટલાં મોટાં બાકોરાં હતાં છતાં કોઈને ખબર જ ન પડી? ઓનલાઈન હાજરી, વી.સી,ટ્રેનિંગ પ્રોગ્રામ,મિટિંગ આ બધું હોય છે છતાં ગુલ્લી! પણ ભોગ તો બાળકના શિક્ષણનો જ લેવાયો ને!?
મૂલ્યશિક્ષણની વાત કરનાર શાળા અને શિક્ષકો પર સમાજ વિશ્વાસ કેમ કરશે? શિક્ષણ વિભાગ સફાળો જાગ્યો છે અને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. ગેરહાજર રહીને મેળવેલ પગાર તો(ધારી લઈએ કે) વસુલ કરાશે!? શિક્ષણનાં(શિક્ષકનાં) અભાવે નિર્દોષ બાળકોનું ભવિષ્ય ધૂંધળું બન્યું એ ખોટ કોણ ચૂકવશે? વળી સમાજમાં આવા મુઠ્ઠીભર શિક્ષકોને કારણે સમગ્ર શિક્ષક સમાજની છબી ખરાબ થઈ એ નફામાં. સરકારી કે ગ્રાંટેડ શાળાઓનાં શિક્ષકોની આવી લાલિયાવાડી કે શિક્ષણની ઉપેક્ષા જોઈને સાવ ગરીબ વાલી પણ પોતાનાં સંતાનો માટે ઓછી ફી-વાળી ખાનગી શાળા તરફ મીટ માંડે છે.
સુરત – અરુણ પંડ્યા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે