એક મોટીવેશનલ સેમીનાર હતો તેમાં એક રીટાયર બિઝનેસમેન સ્પીકર તરીકે આવ્યા હતા.તેમણે ૫૦૦ રૂપિયાની નોકરીથી કરોડોની કંપની સુધીની સફળ સફર ખેડી હતી.અત્યારે તેમણે બિઝનેસમાંથી પોતાની જાતને થોડી દૂર કરી હતી, પણ કામ બંધ કર્યું ન હતું. તેઓ મોટીવેશનલ સેમિનારમાં સ્પીકર તરીકે જતા.પોતાની બાયોગ્રાફી પર તેઓ કામ કરી રહ્યા હતા અને અનેક સેવાનાં કાર્યો કરતા.
તેમણે સ્ટેજ પર આવતાં જ કહ્યું , ‘ઓફિસમાં સી.ઈ.ઓ. તરીકેની મારી જે કેબીન હતી તેની દીવાલ પર એક નિયમ લખવામાં આવ્યો હતો, જે આજે પણ ત્યાં લખેલો છે- તે ‘થ્રી એલ L રુલ’હું આજે તમને સમજાવવાનો છું.અને હું ઈચ્છું છું કે તમે તે રુલ આજે માત્ર તમારી ડાયરીમાં નહિ, પણ જ્યાં કામ કરો છો તે વર્ક પ્લેસની દીવાલો પર અને સાથે સાથે મનની દીવાલો પર પણ લખી રાખો.’
બધા હાથમાં પેલ લઈને ‘થ્રી એલ L રુલ’જાણવા આતુર બન્યા.સ્પીકરે કહ્યું, ‘‘થ્રી એલ L રુલ’છે LEAVE [લીવ] — LOVE [લવ]— LOOK [લુક] આ અંગ્રેજીના એલ આલ્ફાબેટથી શરૂ થતાં ત્રણ શબ્દોને હંમેશા યાદ રાખો અને જીવનમાં અપનાવો. LEAVE [લીવ] એટલે છોડો.સૌથી પહેલાં છોડતાં શીખો.જીદ છોડો …અભિમાન છોડો …ભૂતકાળને છોડો…કડવા અનુભવોને છોડો …નકારાત્મક સાથીઓને છોડો …થયેલી ભૂલોને પાછળ છોડી આગળ વધો. LOVE [લવ] એટલે પ્રેમ …બધાને પ્રેમ કરતાં શીખો.તમારા કામને પ્રેમ કરો.તમારા સપનાંને ચાહો …તમારી મંઝિલ સુધી લઇ જતા રસ્તાને પ્રેમ કરો.જીવનમાં દરેક પરિસ્થિતિમાં સાથ આપનારને પ્રેમ કરો…ધ્યેયને પ્રેમ કરો…પ્રેમ વહેંચતાં રહો …
પ્રકૃતિને પ્રેમ કરો …તમારા આજને પ્રેમ કરો. LOOK [લુક] એટલે જુઓ.હંમેશા આગળ વધવાની ધ્યેયની દિશામાં જુઓ …હંમેશા લોકોમાં સારી બાબતો જુઓ …લોકોના સારા કામને જુઓ …દરેક સંજોગોને સકારાત્મકતા સાથે જુઓ … ભવિષ્યનાં સપનાંઓ જુઓ …ખાસ તો તમારા ભૂતકાળને છોડી દો ..તમારા વર્તમાનને પ્રેમ કરો અને તમારા ભવિષ્યમાં આગળ વધવાનાં સપનાં જુઓ.યાદ રાખો તમે જ્યાંથી આવ્યા છો ..જે જીવન જીવી ચૂક્યાં છો તેમાં કોઈ બદલાવ નહિ કરી શકો એટલે તેને છોડવામાં જ શાણપણ છે પરંતુ તમારે આજે અહીંથી કઈ દિશામાં કયાં જવું છે તે તમારી પોતાની પસંદગી છે તો સાચી પસંદગી કરી આગળ વધો.ભૂતકાળને ભૂલી જઈ આજે વર્તમાનમાં જીવશો તો જ ભવિષ્યમાં આગળ વધી શકશો.’સ્પીકરે તેમના જીવનના અનુભવનો નિચોડ ત્રણ અંગ્રેજી શબ્દોની મદદથી સમજાવ્યો.
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.