સુરત(Surat): ગરમીનો (Heat) પારો ઊંચે જઈ રહ્યો છે તેની સાથે સુરત શહેરમાં આગજનીના (Fire) બનાવોની સંખ્યામાં પણ ચિંતાજનક હદે વધારો થયો છે. ગુરુવારે રાત્રિથી શુક્રવારે સવાર સુધીમાં શહેરમાં અલગ અલગ ઠેકાણે આગની ત્રણ ઘટના બની હતી. ગુરુવારે રાત્રે પાલનપુર જકાતનાકા પર દક્ષિણ ગુજરાત વીજ કંપનીનું એક ટ્રાન્સફોર્મર સળગ્યું હતું તો આજે સવારે વેડરોડ પર મુસાફરો ભરેલી રિક્ષા રસ્તા પર દોડતી હતી ત્યારે અચાનક ભડભડ સળગી ઉઠી હતી. રિંગરોડ પર એક કાપડની દુકાનમાં પણ આગ લાગી હતી.
વેડરોડ પર પેસેન્જરો ભરેલી રિક્ષા સળગી
આજે શુક્રવારે તા. 5 એપ્રિલની સવારે વેડરોડ વિસ્તારમાં રસ્તા પર દોડતી એક સીએનજી રિક્ષામાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગી ત્યારે રિક્ષામાં મુસાફરો બેઠાં હતાં. આગ લાગી હોવાનું ધ્યાન પર આવતા રિક્ષા ચાલકે તરત જ રિક્ષા સાઈડ પર ઉભી રાખી દીધી હતી અને મુસાફરોને ઉતારી દીધા હતા.
રિક્ષાચાલક અને મુસાફર ઉતર્યા તેની ગણતરીની મિનિટમાં રિક્ષા આખી બળીને ખાક થઈ ગઈ હતી. રિક્ષામાં રબ્બરનું કાપડ લગાવાયું હતું તેના લીધે આગ વધુ વકરી હતી. આગ એટલી વિકરાળ હતી કે બાજુમાં પાર્ક કરેલી સાઈકલ પણ સળગી ગઈ હતી. આગના લીધે થોડો સમય માટે વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. આગનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. ફાયર વિભાગ આગ પર કાબુ મેળવે તે પહેલા રિક્ષા અને એક સાયકલ બળીને ખાખ થઈ ગઈ હતી.
પાલનપુર જકાતનાકામાં ડીજીવીસીએલનું ટ્રાન્સફોર્મર સળગ્યું
આગની બીજી ઘટના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં બન્યો હતો. અહીં આવેલી વિવેકાનંદ ટાઉન શિપ સોસાયટીના ગેટ નંબર 1 પાસે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ટ્રાન્સફોર્મરમાં રાત્રે અચાનક આગ લાગી હતી. તેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સોસાયટીના લોકોએ પાણીની ડોલ લઇ જાતે આગ ઓલવવા પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને આગ પર કાબુ મેળવ્યો હતો.
રિંગરોડની સાંઈ રામ માર્કેટની કાપડની દુકાનમાં આગ લાગી
ત્રીજો બનાવ શહેરના રિંગરોડ વિસ્તારમાં બન્યો હતો. અહીં સાંઈ રામ માર્કેટના ત્રીજા માળે એક કાપડની દુકાનમાં આગ લાગતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટના આજે શુક્રવારે તા. 5 એપ્રિલની સવારે 11 કલાકે બન્યો હતો. જાણ થતા ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ ઘટનામાં લાખો રૂપિયાનો કાપડનો માલ બળી ગયો હોવાનું જાણવા મળ્યું છે. શોર્ટ સર્કિટના લીધે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.