વેલિંગ્ટન,: દક્ષિણ પ્રશાંત ક્ષેત્રમાં જોરદાર ભૂકંપના ઝાટકાઓ આવ્યા બાદ સુનામીના ભય વચ્ચે શુક્રવારે ન્યુઝીલેન્ડના દરિયાકાંઠાના વિસ્તારોમાંથી હજારો લોકોને સ્થળાંતર કરાયા હતા. જો કે, નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ પાછળથી લોકોને એમ કહીને ઘરે પરત ફરવાની સલાહ આપી હતી કે જોખમ ટળ્યું છે.
ન્યુઝીલેન્ડથી એક હજાર કિલોમીટર દૂર આવેલા કેરમાડેક આઇલેન્ડ્સ પર ભૂકંપના અનેક આંચકા અનુભવાયા હતા. આ સમય દરમિયાન, 8.1 ની તીવ્રતાનો સૌથી શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. આ સિવાય 7.4 અને 7.3 ભૂકંપના આંચકા પણ અનુભવાયા હતા. સુનામીના ભયને ધ્યાનમાં રાખીને, ન્યુઝિલેન્ડમાં ઘણા સ્થળોએ રસ્તાઓ અવરોધિત કરવામાં આવ્યા હતા અને અંધાધૂંધીની પરિસ્થિતિ સર્જાઇ હતી કારણ કે મોટાભાગના લોકો ઉચ્ચ સ્થાનો તરફ જવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
ગિઝબર્ન નજીક ટોકોમારૂ ખાડી સહિતના ઘણા સ્થળોએ સ્થાનિક લોકોએ વીડિયો પણ બનાવ્યા હતા. નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ સવારે કહ્યું હતું કે આ ખતરો ટળી ગયો છે અને લોકો તેમના ઘરે પાછા આવી શકે છે, પરંતુ બીચ પર જવાનું ટાળવા સલાહ આપવામાં આવે છે.
યુએસ જિયોલોજિકલ સર્વેએ જણાવ્યું હતું કે, સૌથી શક્તિશાળી ભૂકંપનું કેન્દ્ર કેર્માડેક આઇલેન્ડ નજીક 19 કિલોમીટરની ઊંડાઈ પર હતું. એજન્સીએ એક અહેવાલમાં જણાવ્યું છે કે આ અગાઉ 1973માં આ વિસ્તારમાં 8.0 ની તીવ્રતાનો સૌથી શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો.