ગાંધીનગર: આવતીકાલ તા.21મી ઓગસ્ટથી ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર મળી રહયુ છે, જેમાં વિપક્ષ કોંગ્રેસ આકરા પાણીએ સરકારને ભીંસમાં લેવાની કોશિષ કરશે. જયારે વિધાનસભા સંકુલ ફરતે સધન સલામતી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આજે વિધાનસભા ખાતે મહત્વની કામકાજ સલાહકાર સમિતિની બેઠક મળી હતી. જેમાં અધ્યક્ષ શંકર ચૌધરી , સીએમ ભૂપેન્દ્ર પટેલ , સંસદિય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલ તથા વિપક્ષના સીનીયર સભ્યો પૈકી અમીત ચાવડા અને શૈલેષ પરમાર પણ ઉપસ્થિત રહયા હતા.
બેઠકમાં ત્રણ દિવસનો એજન્ડ ચર્ચાયો હતો. રાજય સરકાર દ્વારા મહત્વના ચાર વિધેયકો ચર્ચાયા હતા. જ્યારે બીજુ વિધેયક દારૂ કે કેફી પદાર્થોમાં જપ્ત કરાયેલ વાહનોનો તત્કાલ નિકાલ કરવાનું છે. આ ઉપરાંત અન્ય બે વિધેયક કેન્દ્રીય કાયદા સુધારાને આનુષાંગિક છે. પાંચ વિધેયક પૈકી મહત્વનું ગણી શકાય તેવું અંધશ્રદ્ધા અને કાળા જાદુ વિરોધી વિધેયક છે. આ વિધેયકમાં ધાર્મિક પરંપરા અને રિવાજોને બાદ કરતા જે અંધશ્રદ્ધા ફેલાવાઈ રહી છે કે ફેલાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે તેને અટકાવવા માટે કડક સજાની જોગવાઈવાળુ વિધેયક ગૃહમાં રજૂ કરવામાં આવશે.
ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચારીઓમાં દાખલો બેસે તેવી કાર્યવાહી થઈ શકે તે માટેનું વિધેયક પણ સરકાર તૈયાર કરી રહી છે. જેમાં ક્લાસ વન અધિકારી સામે પણ મિલકત જપ્તી સુધીની કાર્યવાહી થઈ શકે તે મુજબની જોગવાઈ રાખવામાં આવી રહી હોવાની માહિતી મળી રહી છે. આ ઉપરાંત લાંચ રૂશ્વત શાખાની ટ્રેપમાં આવેલા કર્મચારીઓ અને અધિકારીઓ પુરાવાના અભાવથી છટકી જાય એટલે તે માટેની જોગવાઈઓ પણ રાખવામાં આવી છે. ભ્રષ્ટ કર્મચારી અને અધિકારીઓ સામે કાર્યવાહી કરવાની વધુ સત્તા એસીબીને સોંપતી જોગવાઈ કરાઈ હોવાનું જાણવા મળ્યુ છે.
દારૂ, ડ્રગ્સ સહિતના નશીલા પદાર્થોનો વેપલો કરનારાઓને આર્થિક ફટકો આપવા અને આવા કિસ્સામાં પકડાયેલા વાહનોથી સરકારી આવક વધારવાના હેતુથી સરકાર નશાબંધીના કાયદામાં સુધારો કરવા જઈ રહી છે. આ માટેનું ગુજરાત નશાબંધી સુધારા વિધેયક 2024 ગૃહમાં રજુ કરવા માટે તૈયાર કરી લેવાયું છે. જેમાં દારૂ ડ્રગ્સ સહિત નશીલા પદાર્થોની હેરાફેરીમાં પકડતા વાહનો હયાત કાયદા મુજબ કોર્ટના અંતિમ ચુકાદા સુધી સરકાર હરાજી કરી શકતી નથી. પરંતુ આ કાયદામાં સુધારો કરી વાહન ભંગાર થાય તે પહેલા હરાજી કરી શકે તેવો કાયદો ઘડવામાં આવશે.
વિધાનસભાના સત્ર દરમ્યાન ગુજરાત માલ અને સેવા વેરા (સુધારા) વિધેયક પણ પસાર કરાશે. આ વિધેયકની જોગવાઈ મુજબ જીએસટી કાઉન્સિલ દ્વારા 50મી તથા 52મી બેઠક દરમ્યાન કેટલાંક સુધારાઓ કરવામા આવ્યા છે, તેને અમલી બનાવવા આ સુધારા વિધેયક લાવવામા આવ્યું છે. આ વિધેયક દ્વારા ઈનપુટ સેવા વિતરકની વ્યાખ્યા સુધારવામા આવી છે. સામાન્ય ઈનપુટ સેવાઓની ઈનપુટ વેરા શાખના વિતરણ માટે ઈનપુટ સેવા વિતરણ વ્યવસ્થા એટલે તે તેની નોંધણી ફરજીયાત કરાઈ છે. મશીનરીના સદર્ભમાં જો આ નીતિ નિયમોનું પાલન નહીં કરાયુ તો નિયમની કલમમાં સુધારાથી મશીનને રજિસ્ટર કરાવવામા આવ્યુ ન હોય તો તેની નિષ્ફળતા બદલ 1 લાખનો દંડ ચૂકવવાનો રહેશે, એટલું જ નહીં જીએસટી હેઠળ રજિસ્ટર નહીં થયેલા મશીન જપ્ત પણ કરી શકાશે.
કેન્દ્રના ત્રણ નવા કાયદાને અનુમતિ અપાશે
કેન્દ્ર સરકારે ઘડેલા ત્રણ મહત્વના કાયદા સુધારાનો અમલ કરવા માટે સરકારે વિધાનસભામાં વિધેયક લાવવાની તૈયારી કરી છે, જેમાં જૂના ત્રણ કાયદા ભારતીય ફોજદારી અધિનિયમ, ફોજદારી કાર્યરીતિ અધિનિયમ તેમજ ભારતનો પુરાવા અધિનિયમના સ્થાને ભારતીય ન્યાય સંહિતા, ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા અને ભારતીય સાક્ષ્ય અધિનિયમને સ્વિકૃત્તિ આપવામાં આવશે. નવા કાયદાઓનો રાજ્યમાં અમલ શરૂ કરતાં પહેલાં સરકારે વટહુકમ બહાર પાડ્યો હતો અને હવે તે અંગે વિધેયક લાવવામાં આવી રહ્યું છે.